Gujarati News

Gujarati News

News of Wednesday, 18th September 2019

પાટણનાં ગુજરવાડામાં ખાળકુવામાં પડી જવાથી દંપતિ સહિત પાંચના મોત

પાટણ, તા.૧૮: ગોઝારી ઘટના સામે આવી છે. જેમાં શૌચાલયનો ખાર કૂવો ધરાસાઇ થતા ૬ લોકો દટાયા હતા. જેમાંથી એક વ્યકિતને બચાવી લેવામાં આવ્યો છે. જયારે પાંચ વ્યકિતઓના ઘટનાસ્થળે જ મોત નિપજયાં છે. મહત્વનું છે, કે આ ઘટનામાં પતિ, પત્નિ સહિત એક સાથે પ લોકોના ઘટનાસ્થળે જ મોત નિપજયા હતા.

પ્રાપ્ત માહિતી અનુસાર, પાટણ જીલ્લાના સમી તાલુકાના ગુજરવાડા ગામમાં એક ઘરની બહાર શૌચાલય માટે ખાળ કુવો બનાવવામાં આવી રહ્યો હતો, આ સમયે એક મહિલા વરસાદના કારણે જમીન પોચી થઈ ગઈ હોવાથી કુવાની અંદર ખાબકયા, તેમને બચાવવા માટે તેમના પતિ કુદ્યા અને બાદમાં પરિવારના અન્ય ત્રણ લોકો પણ પણ બચાવવા માટે કુવામાં ઉતર્યા આ સમયે જ કુવાની માટી ઢસી પડી અને પાંચે લોકો કુવાની અંદર માટીમાં દટાઈ ગયા હતા.

આ ઘટનાની જાણ થતા તુરંત ગ્રામજનો ભેગા થઈ ગયા અને તેમને બચાવવા માટે પ્રયત્નો શરૂ કર્યા, અને માટીમાં દટાયેલા લોકોને મહામુસીબતે બહાર કાઢવામાં આવ્યા. અને ૧૦૮ની મદદથી તત્કાલીન સારવાર માટે સમી સરકારી હોસ્પિટલ લઈ જવામાં આવ્યા. જોકે, આ પહેલા જ માટીમાં દટાઈ જવાથી પાંચ લોકોએ દમ તોડી દીધો હતો, જયારે એક વ્યકિતની સારવાર ચાલી રહી છે.

પોલીસ પાસેથી મળતી માહિતી અનુસાર, તમામ લોકો સમીના ગુજરવાડા ગામના જ રહેવાસી હતા, જેમાં સિંધવ રતાભાઈ જલાભાઈ ચેહાભાઈ(૪૧), રતાભાઈ જલાભાઈ દેવાભાઈ સિંદ્યવ(૪૯), રંજનબેન રતાભાઈ સિંધવ(૪૦), રાજાભાઈ પચાણભાઈ સિંધવ(૬૦), અજાબાઈ ગગજીભાઈ સિંધવ(૪૫)નું મોત નિપજયું છે, જયારે જામાભાઈ ગગજીભાઈ સિંધવની સારવાર ચાલી રહી છે. તમામ મૃતકોના મૃતદેહનોને પીએમ માટે સમી સામુહિક કેન્દ્ર ખાસે લઈ જવામાં આવી છે.

પાંચ લોકોના મોતના સમાચાર આ પરિવારના પાડોશમાં રહેતા એક બહેનને થતા આદ્યાતમાં તેમનું પણ મોત થયાનું જણાવવામાં આવી રહ્યું છે. તમામ મૃતક ગુજરવાડાના નાડોદા સમાજના હતા.

(10:29 am IST)