Gujarati News

Gujarati News

News of Wednesday, 18th September 2019

વડગામમાં બસ નહિ આવતા વિદ્યાર્થીઓ વિફર્યા : બસને રોકીને ટ્રાફિક જામ કરતા પોલીસ દોડી

વડગામ પંથકમાં સ્કૂલના સમયે એસ.ટી.બસો શરૂ કરવા માંગ

 

બનાસકાંઠા જિલ્લાના વડગામ તાલુકા મથકે સાંજના સમયે શાળા છૂટ્યા બાદ એસ.ટી.બસ.સ્ટેન્ડ આવતાં વિદ્યાર્થી રઝળી પડતા રોષે ભરાયા હતા દરમિયાન  પાલનપુર મુક્તેશ્વર એસ.ટી.બસ આવી પહોંચતા વિદ્યાર્થીઓ દ્વારા બસને રોકીને થોડીવાર માટે વડગામ બસસ્ટેશન પર ટ્રાફિક જામ કરીને એસ.ટી.સત્તાધીશો સામે રોષ વ્યક્ત કર્યો હતો.

   બનાસકાંઠા જીલ્લાના વડગામ ખાતે મંગળવાર સાંજે સ્કૂલો છૂટ્યા બાદ વિદ્યાર્થીઓ દ્વારા એસ.ટી.બસ રાહ જોઈ ઉભા હતા. પણ મોડા સુધી બસ આવતા વિદ્યાર્થીઓ રઝળી પડ્યા હતાં. જેને લઇને વિધાર્થીઓમાં રોષ ભભુકી ઉઠયો હતો. બસ સ્ટેન્ડ પર પાલનપુર-મુક્તેશ્વર બસ આવી પહોંચતા વિદ્યાર્થીઓએ બસમાં ચઢવા માટે પડાપડી કરી હતી. એસ.ટી. બસમાં ઘેટાં-બકરાની જેમ મુસાફરો ખીચોખીચ ભરાયાં હતા.

વડગામ સહિત બનાસકાંઠા જીલ્લાન અમુક વિસ્તારોમાં વિધાર્થીઓને મુશ્કેલી વેઠવી પડે છે. વડગામાં ઘરે જવા માટે રઝળપાટ કરવી પડતી હોવાથી વિદ્યાર્થીઓએ વડગામ એસ.ટી.સ્ટેન્ડ પર બસ રોકીને થોડીવાર માટે ટ્રાફીક જામ કરતા વડગામ શહેરમાં હલચલ મચી ગઇ હતી. અંગેની જાણ વડગામ પોલીસને થતાં તાબડતોડ વડગામ પોલીસ ઇન્સ્પેક્ટર એમ.આર.મોહનીયા ઘટના સ્થળે દોડી આવીને વિધાર્થીઓના ટોળાને વિખેરીને મામલો થાળે પાડ્યો હતો. વિધાર્થીઓ દ્વારા વડગામ પંથકમાં સ્કૂલના સમયે એસ.ટી.બસો શરૂ કરવા માંગ કરવામાં આવી છે.

(10:42 pm IST)