Gujarati News

Gujarati News

News of Wednesday, 18th September 2019

વેરાવળ, દિવ સહિતના અનેક પંથકમાં હજુ વરસાદી માહોલ

ગીર સોમનાથના ગ્રામ્ય પંથકોમાં વરસાદ નોંધાયો : દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોમાં હજુ ભારે વરસાદની ચેતવણી : અમદાવાદમાં ૭૩૧ મીમી સુધી વરસાદ રહ્યો

અમદાવાદ, તા.૧૭ : દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં હળવો વરસાદ જારી રહ્યો છે. બીજી બાજુ દક્ષિણ ગુજરાતની સાથે સાથે ઉત્તર ગુજરાતમાં અને સૌરાષ્ટ્રના અમુક ભાગોમાં પણ વરસાદ થયો છે. હવામાન વિભાગ તરફથી જણાવવામાં આવ્યું છે કે, ભારે વરસાદ હજુ પણ થઇ શકે છે જેમાં દક્ષિણ ગુજરાતના નવસારી, વલસાડ, ડાંગ સહિતના વિસ્તારોનો સમાવેશ થાય છે. આ ઉપરાંત દક્ષિણ ગુજરાતના સુરત, ડાંગ, તાપીમાં પણ ભારે વરસાદ થઇ શકે છે. સૌરાષ્ટ્રના ભાવનગર અને ગીર સોમનાથ માટે પણ ભારે વરસાદની ચેતવણી રાખવામાં આવી છે. અમદાવાદમાં આજે આંશિકરીતે વાદળછાયુ વાતાવરણ રહ્યું હતું. અમદાવાદમાં હજુ સુધી સિઝનમાં ૭૩૧ મીમી સુધીનો વરસાદ થઇ ચુક્યો છે જ્યારે ગુજરાતભરમાં આ વખતે મોટાભાગના વિસ્તારોમાં ૧૦૦ ટકા સુધીનો વરસાદ નોંધાયો છે. હળવાથી મધ્યમ વરસાદી ઝાપટા જારી રહી શકે છે.

           રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરમાં છેલ્લા પાંચ દિવસથી ઉઘાડ નીકળતા ખેડૂતો ખેતીના કાર્યમાં વ્યસ્ત બન્યા છે. પરંતુ આજે વેરાવળ, દીવ સહિતના પંથકોમાં બપોર બાદ વાતાવરણમાં અચાનક પલ્ટો આવ્યો હતો અને વરસાદ તૂટી પડતાં માર્ગો પર પાણી ફરી વળ્યા હતા. નીચાણવાળા વિસ્તારોમાં થોડા પાણી પણ ભરાઇ ગયા હતા. વરસાદના કારણે સમગ્ર વાતાવરણ ઠંડકમય બની ગયુ હતું. સ્થાનિક ખેડૂતોમાં વરસાદને લઇ ખુશીની લાગણી પ્રસરી હતી. રાજયમાં હવે સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત, ઉત્તર અને મધ્ય ગુજરાતમાં વરસાદી જોર ઓછુ થયુ છે અને ચોમાસું જાણે વિદાય લઇ રહ્યાની ઘડીઓ ગણાઇ રહી છે ત્યારે આજે સૌરાષ્ટ્રના કેટલાક પંથકોમાં ખાસ કરીને વેરાવળ, દિવ, ઘોઘાલા, વણાંકબારા, ફુદમ, કિલ્લો સહિતના પંથકોમાં બપોર બાદ અચાનક વાતાવરણ પલટાયુ હતું અને વાદળછાયા વાતાવરણ સાથે અને ઠંડા પવનના સુસવાટા વચ્ચે જોરદાર વરસાદ તૂટી પડયો હતો. જેના કારણે ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારો અને પંથકોમાં વરસાદી વાતાવરણ છવાયું હતું. માર્ગો પર વરસાદી પાણી ફરી વળ્યા હતા. તો કેટલાક નીચાણવાળા વિસ્તારોમાં પણ પાણી ભરાયા હતા. વેરાવળના ભેટાળી, કોડીદ્રા, માથાશુરી અને આજુબાજુના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઇ હતી. મેઘરાજાની મહેરને લઇ સ્થાનિક ખેડૂતોમાં પણ ખુશી લાગણી જોવા મળી હતી.

(9:51 pm IST)