Gujarati News

Gujarati News

News of Wednesday, 18th September 2019

ઝઘડીયા નજીકથી 1.50 લાખની જુની ચલણી નોટો સાથે ચાર ઝડપાયા

રાજપારડીથી કડીયાડુંગર જવાના રસ્તા પરથી ગાડીમાં ચાર શખ્શોને ઝઘડિયા પોલીસે દબોચી લીધા

ઝઘડીયા પોલીસે કડીયા ડુંગર નજીકથી 1.50 લાખની કિમંતની જુની ચલણી નોટો સાથે ચાર લોકોને ઝડપી પાડયાં છે. બે વર્ષ પહેલાં સરકારે 500 અને 1,000 રૂપિયાની નોટને ચલણમાંથી નાબુદ કરી હતી. આ નોટો અત્યારે ચલણમાં નથી રહી છતાં હજી જુની ચલણી નોટો મળી આવવાનો સીલસીલો યથાવત રહયો છે.

ઝઘડીયા પોલીસને રાજપારડીથી કડીયાડુંગર જવાના રસ્તા પરથી એક ગાડીમાં ચાર શખ્શો જુની ચલણી નોટો સાથે પસાર થવાના હોવાની બાતમી મળી હતી. પીઆઇ પી.એચ. વસાવા અને તેમની ટીમે વોચ ગોઠવીને બાતમી મુજબની ગાડી ઝડપી પાડી હતી.ટવેરા ગાડીમાં સવાર ચાર લોકો પાસેથી 500ના દરની 100 અને 1,000ના દરની 100 મળી કુલ 200 જુની ચલણી નોટો મળી આવી હતી.

તેમની પાસેથી કુલ 1.50 લાખ રુપિયાની જુની ચલણી નોટો કબજે લેવામાં આવી છે. પોલીસે ઝડપી પાડેલા ઇસમોમાં સારસા ગામના શાંતિલાલ વસાવા, રાજપારડીના વિજય વસાવા, અંદાડાના સંજય પટેલ અને પ્રતાપનગરના દક્ષેશ પટેલનો સમાવેશ થાય છે. આ ચારેય જુની ચલણી નોટો કયાંથી લાવ્યા હતાં અને તેનો શું ઉપયોગ કરવાના હતાં તેની તપાસ શરૂ કરવામાં આવી છે.

(7:52 pm IST)