Gujarati News

Gujarati News

News of Tuesday, 18th September 2018

ગુજરાત વિધાનસભાનું ટુંકુ સત્ર શરૂ : અવિશ્વાસનો પ્રસ્તાવ નહીં

કોંગ્રેસે નોટિસ દાખલ કરી પણ પુરતો સમય નથી : નીતિન પટેલ : સત્રના બીજા દિવસે ખેડૂતોના પ્રશ્નો, મગફળી કૌભાંડ અને પેટ્રોલ-ડીઝલના ભાવ વધારા મુદ્દે સરકારને ભીંસમાં લેવા કોંગ્રેસ તૈયાર : વાજપેયીને અંજલિ

અમદાવાદ,તા. ૧૮  : ગુજરાત વિધાનસભાનું બે દિવસનું ટુંકુ સત્ર આજે શરૂ થયું હતું. પ્રથમ દિવસે જ વિધાનસભા ગૃહની કામગીરી દરમિયાન કેટલીક બાબતો જોવા મળી હતી. એકબાજુ કોંગ્રેસ પાર્ટીએ સરકાર સામે અવિશ્વાસની દરખાસ્તની નોટિસ પણ દાખલ કરી હતી પરંતુ આ સત્રમાં અવિશ્વાસનો પ્રસ્તાવ નહીં આવે તેમ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જાહેરાત કરતા આને લઇને ચાલતી અટકળોનો અંત આવ્યો હતો. નીતિન પટેલે કહ્યું હતું કે, માત્ર બે દિવસનું સત્ર હોવાથી અવિશ્વાસ પ્રસ્તાવ માટે પુરતી વૈધાનિક અને ટેકનિકલ પ્રક્રિયા અનુસરવામાં આવી નથી જેથી આ સત્રમાં બિલ લવાશે નહીં. દરમિયાન આજે પ્રથમ દિવસે ભારત રત્ન અને પૂર્વ વડાપ્રધાન વાજપેયીને શોકદર્શક ઉલ્લેખ મારફતે અંજલિ આપવામાં આવી હતી. મુખ્યમંત્રી રૂપાણીએ અંજલિ આપી હતી અને શોકદર્શક ઉલ્લેખ કર્યો હતો.  ગુજરાત વિધાનસભામાં આજથી બે દિવસનું ટૂંકું ચોમાસું સત્ર શરૂ થયું હતું. સત્રના પહેલા દિવસે ભાજપ દ્વારા ભારતરત્ન અને પૂર્વ વડાપ્રધાન અટલબિહારી વાજપેયીને શ્રધ્ધાંજલિ આપવામાં આવી હતી. એક તબક્કે ગુજરાત ભાજપના પ્રમુખ અને ધારાસભ્ય જીતુ વાઘાણી વાજપેયીને શોકાંજલિ પાઠવી રહ્યા હતા તે દરમિયાન અમદાવાદ શહેર ભાજપ પ્રમુખ અને ધારાસભ્ય જગદીશ પંચાલ ગાઢ નિંદ્રામાં પોઢતાં જોવા મળ્યા હતા. શોકાંજલિ સમયની ટીવી તસવીરો અને વીડિયો બહાર આવી છે જેમાં સમગ્ર બનાવ કેદ થયો હતો. શહેર ભાજપ પ્રમુખ અને ધારાસભ્ય જગદીશ પંચાલને ગાઢ નિંદ્રામાં પોઢેલા જોઇને ભારે ચર્ચા ચાલી હતી અને વિપક્ષ કોંગ્રેસને ભાજપ પર પ્રહાર કરવાની વધુ એક તક મળી ગઇ હતી. ખુદ ભાજપના વર્તુળમાં પણ આ વાતને લઇ અંદરખાને ટીકા થતી જોવા મળી હતી. વિધાનસભાના બે દિવસના ટૂંકા સત્રમાં સરકારને વિધાનસભાની બહાર અને અંદર બંને રીતે ઘેરવા માટે કોંગ્રેસે ખેડૂત આક્રોશ સંમેલન, વિધાનસભા ઘેરાવના કાર્યક્રમ ઉપરાંત ગુજરાત સરકાર સામે અવિશ્વાસ દરખાસ્તની નોટીસ પણ દાખલ કરી હતી પરંતુ આ સત્રમાં અવિશ્વાસનો પ્રસ્તાવ નહીં આવે તેમ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે પહેલા જ સ્પષ્ટ કરી દીધું છે. ગુજરાત વિધાનસભા સત્રના પ્રથમ દિવસે પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયી ઉપરાંત, અમરસિંહ ભૂતપસિંહ, રાજ્ય કક્ષાના મંત્રી હરિલાલ પટેલ, પૂર્વ ધારાસભ્યો શંકરદાસ રામદાસ, ઇકબાલભાઈ ઇબ્રાહીમભાઈ પટેલ અને અરવિંદસિંહ દામસિંહ રાઠોડને શોકાંજલિ આપવામાં આવી હતી. વિધાનસભા સત્રના બીજા દિવસે આવતીકાલે જુદા જુદા મુદ્દા ઉપર જોરદાર ચર્ચા જામી શકે છે. ખેડૂતોના પ્રશ્નો, મગફળી કૌભાંડ, પેટ્રોલ ડીઝલના ભાવ વધારાના મુદ્દે વિધાનસભા ગૃહમાં સરકારને ઘેરવા માટે કોંગ્રેસ પાર્ટીએ રણનીતિ તૈયાર કરી છે.

(8:17 pm IST)
  • કચ્છમાં વાતાવરણમા પલ્ટો :ભુજ તાલુકાના માનકુવા અને દેશલપર વચ્ચે વરસાદ: ભાદરવામા બદલાયેલા વાતાવરણ વચ્ચે વરસાદી ઝાંપટુ:રાપરના આડેસર આસપાસના વિસ્તારમા પણ ઝાંપટા access_time 10:29 pm IST

  • આંધ્રપ્રદેશના અનંતપુરમાં ૭ ઈંચ રેકર્ડબ્રેક વરસાદ: સ્કાયમેટ વેધરના શ્રી મહેશ પાલાવતે જણાવ્યું છે કે આંધ્રપ્રદેશના અનંતપુર જિલ્લામાં બીજો વરસાદનો હાઈએસ્ટ રેકોર્ડબ્રેક વરસાદ નોંધાયો : ૭ ઈંચ (૧૭૧ મી.મી.) ખાબકયો. આ અગાઉ વર્ષ ૧૯૦૪માં ૧૭૬.૫ મી.મી. જે સૌથી વધુ વરસાદનો રેકોર્ડ છે access_time 3:32 pm IST

  • ગાંધીનગર વિધાનસભા બહાર કોંગ્રેસી કાર્યકરોની અટકાયત : ટીંગાટોળી કરીને પોલીસે વાહનમાં બેસાડયા : વિધાનસભા પરિસર પોલીસ છાવણીમાં ફેરવાયું : કોંગ્રેસના મહિલા કાર્યકર્તાઓની પણ પોલીસે કરી અટકાયત : વિધાનસભા તરફ ઘેરાવ કરવા આગળ વધતા કોંગી કાર્યકર્તાઓને પકડી લેવાયાઃ અર્જુનભાઇ મોઢવાડીયા સહીત કોંગ્રેસ કાર્યકરોની અટકાયતઃ ભાજપ સરકાર વિરૂધ્ધ સૂત્રોની રમઝટઃ વાહનોની હવા કાઢવાના પ્રયાસ access_time 1:23 pm IST