Gujarati News

Gujarati News

News of Tuesday, 18th September 2018

કોંગ્રેસની નકારાત્મક છબી ફરી ખુલ્લી પડી ગઈ : જીતુ વાઘાણી

કોંગ્રેસનો ફરી એકવખત ફિયાસ્કો થઇ ગયો છે : ગૃહમાં ચર્ચામાં ભાગ લેવાના બદલામાં કોંગ્રેસે પબ્લિસીટી સ્ટંટ દ્વારા જનતા તેમજ ખેડૂતોને છેતરવાની કોશિશો કરી

અમદાવાદ,તા.૧૮ :આજરોજ પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણીએ ગુજરાત વિધાનસભા ખાતે માહિતી આપતા જણાવ્યુ હતુ કે, આજથી ગુજરાત વિધાનસભાના બે દિવસના સત્રની શરૂઆત થઇ છે. આજરોજ સત્રની શરૂઆતમાં ભારત રત્ન અને દેશના પૂર્વ વડાપ્રધાન શ્રધ્ધેય અટલજીને તથા દિવંગત ધારાસભ્યોને શ્રધ્ધાંજલી આપતો પ્રસ્તાવ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રજુ કર્યો હતો અને ગૃહના બધા ધારાસભ્યોએ આ શોક પ્રસ્તાવ સ્વીકારી દિવંગતોને શ્રધ્ધાંજલી અર્પણ કરી હતી. આવતીકાલના વિધાનસભા સત્રમાં સાત જેટલા વિધેયકો પર ચર્ચા થવાની છે. રાજ્યની ભાજપા સરકાર જનતાની સુખ-સમૃધ્ધિ અને સુખાકારી માટેના કાર્યો કરવા માટે કટિબ્ધ્ધ છે. વાઘાણીએ જણાવ્યુ હતુ કે, આજે કોંગ્રેસની નકારાત્મકતા ફરીથી ખુલ્લી પડી છે. રાજ્યની જનતા પોતાના પ્રતિનિધિઓને વિધાનસભામાં તેમના પ્રશ્નોના સમાધાન અને સુખાકારી માટેના નિર્ણયો કરવા મોકલતી હોય છે. વિધાનસભા ગૃહમાં આ માટે ચર્ચામાં ભાગ લેવાને બદલે કોંગ્રેસ માત્રને માત્ર પબ્લીસીટી સ્ટંટ દ્વારા ગુજરાતની જનતાને વારંવાર છેતરવાની કોશીષ કરી રહી છે. આવી છેતરામણી કોંગ્રેસની પોલ ફરી એકવાર ખુલ્લી પડી ગઇ છે. તાજેતરમાં જ ગુજરાત વિધાનસભાની ચૂંટણી દરમ્યાન અકસ્માતે નેતા થયેલા એવા રાષ્ટ્રીય કોંગ્રેસના પ્રમુખ રાહુલ ગાંધી સહિત કોંગ્રેસના ઓગવાનોએ ગુજરાતના કેટલાક સમાજોને છેતરવાની નિષ્ફળ કોશીષ કરી હતી. સૌ પ્રથમ પાટીદાર સમાજને ઓબીસીમાંથી અનામત આપવાની ખોટી લાલચો આપી છેતરવાની કોશીષ કરી હતી. ત્યારબાદ ઓબીસી સમાજના સંમેલનોમાં જઇ ઓબીસી સમાજને પણ છેતરામણી લાલચો આપી સમર્થન કરેલું. આજ રીતે એસસીએસટી સમાજને પણ ખોટી બાંહેધરીઓ આપી છેતરવાની કોશીષ કરેલી. ચોરને કહે ચોરી કર અને ઘરધણીને કહે જાગતો રહેજે આ પ્રકારની કોંગ્રેસની નીતિરીતિ ગુજરાતની જનતાએ ઓળખી લીધી અને તેથી જ સતત છઠ્ઠી વખત ગુજરાતની જનતાને કોંગ્રેસને જાકારો આપી ફરીથી ભાજપા પર ભરોસો મુક્યો છે. વાઘાણીએ જણાવ્યુ હતુ કે, ગુજરાતના જુદા જુદા સમાજોને ઉશ્કેરવાના નિષ્ફળ પ્રયાસો બાદ હવે છેલ્લા ઘણા સમયથી હવે કોંગ્રેસ ગુજરાતના ખેડુતોને ઉશ્કેરવાની કોશીષ કરી રહી છે. ખેડુતોના હામી બનવાના ડોળ કરતી કોંગ્રેસ હવે નર્મદાના નામે ગુજરાતના ખેડુતોને છેતરી રહી છે. કોંગ્રેસના ગુજરાતના પ્રભારી અને નર્મદા વિરોધી એવા રાજીવ સાતવને ખેડુતપુત્ર તરીકે સમગ્ર ગુજરાતના ખેડુતો વતી હું પુછવા માંગુ છુ કે, તેમની નર્મદા બાબતની ટ્વીટ શું હતી ? શા માટે આ ટ્વીટ ડીલીટ કરી હતી ? તે જનતા સમક્ષ જાહેર કરે.

કોંગ્રેસના વિપક્ષના નેતા પણ નર્મદા વિરોધી મેધા પાટકરનું સમર્થન કરે અને મેધા પાટકરને કારણે નર્મદા ડેમ પુરો થયો તેવા વાહિયાત નિવેદનો આપે તે ગુજરાતના ખેડુતોનું હળાહળ અપમાન છે. કોંગ્રેસની ગુજરાત વિરોધી અને ખેડુતો વિરોધી માનસિકતાને લીધે વર્ષો સુધી નર્મદા ડેમનું કામ પુરુ ન થયુ. ગુજરાતની જીવાદોરી સમાન નર્મદાનું કામ પૂર્ણ થાય તે માટે તત્કાલીન મુખ્યમંત્રી અને દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ૭૨ કલાકના ઉપવાસ કર્યા, અનેક વખત કેન્દ્રની કોંગ્રેસ સરકારને રજુઆતો કરી પરંતુ કોંગ્રેસ સરકારે ડેમનું કાર્ય પુર્ણ થવા ન દીધુ. કેન્દ્રમાં ભાજપાની સરકાર બનતા જ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ નર્મદા ડેમની ઉંચાઇ માટેની મંજુરી આપી ત્યારબાદ નર્મદા ડેમનું કામ પૂર્ણ થયુ અને આજે ગુજરાતના ગામડે-ગામડે અને ખેતરે-ખેતરે નર્મદા ડેમનું પાણી પહોચાડવામાં ભાજપા સરકાર સફળ રહી છે.

(8:15 pm IST)