Gujarati News

Gujarati News

News of Tuesday, 18th September 2018

કાલે છ વિધેયકો રજૂ કરવા તૈયારી : કોંગ્રેસ વધુ લડાયક

મૃત્યુ પામેલા સભ્યોને અંજલિ બાદ ગૃહ મોકુફ : બીજા અને છેલ્લા દિવસે આજે આક્રમક ચર્ચાઓનો દોર

અમદાવાદ, તા. ૧૮ : ગુજરાત વિધાનસભાનું ટુંકુ સત્ર આજે શરૂ થયા બાદ આવતીકાલે બીજા અને અંતિમ દિવસે છ વિધેયક રજૂ કરવામાં આવશે. જેમાં કેટલાક મહત્વપર્ણ બિલનો સમાવેશ થાય છે. છ વિધેયક બિલ પૈકી મોટાભાગના બિલ લોકો સાથે સંબંધિત છે. જેમાં એક બિલ નગરપાલિકા સુધારા વિધેયક તેમજ રાજ્યમાં બાયોટેકનોલોજી યુનિવર્સિટીની રચના સાથે સંબંધિત છે. પ્રથમ દિવસે વાજપેયી અને અન્યોને શ્રદ્ધાંજલિ આપ્યા બાદ ગૃહ મોકૂફ કરવામાં આવ્યું હતું. અવસાન પામેલા વિધાનસભાના અન્ય નવ ધારાસભ્યોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. આવતીકાલે બુધવારે વિધાનસભા ગૃહમાં બે બેઠક યોજાશે જેમાં પ્રશ્નોત્તરી ઉપરાંત છ જેટલા વિધેયક સરકાર દ્વારા રજૂ કરવામાં આવશે. મંજૂરી વિના ચાલતી શાળા કે પ્રશ્નપત્ર લીક થવા જેવા કિસ્સામાં સજા અને દંડની વધુ કડક જોગવાઇઓ સાથેનું માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ સુધારા વિધેયક, ચેન સ્નેચિંગના ગુનામાં ૧૦ વર્ષ સુધીની સજાની જોગવાઇ સાથેનું વિધેયક, જીએસટી કાઉન્સિલ દ્વારા કરાયેલા સુધારા સૂચવતું જીએસટી વિધેયક, ફ્લેટના ૭૫ ટકા સભ્યો સંમત હોય તો રીડેવલપમેન્ટની મંજૂરી આપતું માલિકી ફ્લેટ અધિનિયમ વિધેયક, નગરપાલિકા કમિશનરની રચનાના વટહુકમને કાયદાનું સ્વરૂપ આપવા નગરપાલિકા સુધારા વિધેયક તેમજ રાજ્યમાં બાયોટેક્નોલોજી યુનિવર્સિટીની રચના માટેનું વિધેયક રજૂ થશે.

(8:17 pm IST)