Gujarati News

Gujarati News

News of Tuesday, 18th September 2018

દિવાળી ટાણે ગરીબ કલ્યાણ મેળાની હારમાળાઃ સરકાર 'મોટી-મોટી' વસ્તુઓ આપશે

પાના-પક્કડ બહુ આપ્યા, હવે ચૂંટણીનું વરસ છે, સરકાર ગરીબોને રાજીરાજી કરી દેવાની તૈયારીમાં

રાજકોટ, તા. ૧૮ :. રાજ્ય સરકારે દિવાળી ટાણે ગરીબ કલ્યાણ મેળા યોજી ગરીબોને રાજી કરવાનો નિર્ણય કર્યો છે. દિવાળી પૂર્વે અથવા દિવાળી પછી તુરંત ગરીબ કલ્યાણ મેળા યોજવામાં આવશે. પ્રાંતવાર અને મહાનગર પ્રમાણે મેળા યોજાશે. ૨૦૧૯ના પ્રારંભે લોકસભાની ચૂંટણી આવી રહી છે. તેમા ભાજપને રાજકીય લાભ મળે તે દ્રષ્ટિએ સરકારે આ વખતે નાની નાની વસ્તુઓના બદલે મોટી મોટી વસ્તુઓ આપવાનું નકકી કર્યુ છે. થોડા સમય પહેલા સરકારે ઉચ્ચ અધિકારીઓને જિલ્લાવાર મોકલી ગરીબ ધંધાર્થીઓને કઈ વસ્તુઓની જરૂરીયાત રહે છે ? તેનો સર્વે કરાવ્યો હતો. દાખલા તરીકે અત્યાર સુધી સાયકલના પંકચરના ધંધાર્થીઓને પંકચરની કીટ અપાતી તેના બદલે આ વખતે એર કમ્પ્રેસર આપવામાં આવે તે દિશામાં વિચાર થઈ રહ્યો છે. કડીયાકામ, સુથારી કામ, દરજી કામ, પમ્બ્લીંગ કામ વગેરે સહિત શ્રેણીબદ્ધ ધંધાર્થીઓને ઉપયોગી મોટી વસ્તુઓ આપવામાં આવશે. ગરીબ કલ્યાણ મેળા નિમિતે ઠેર ઠેર સરકારી ખર્ચે સમારંભો થશે જેમાં સરકારની સિદ્ધિઓ વર્ણવાશે. અગાઉના તમામ ગરીબ કલ્યાણ મેળા કરતા આ વખતે સરકાર વિશેષ પ્રભાવક કલ્યાણ મેળા કરવા માગે છે.

(3:50 pm IST)