Gujarati News

Gujarati News

News of Tuesday, 18th September 2018

દિવાળીમાં ખાવા મળશે કેસર કેરી

ચમત્કાર! સૌરાષ્ટ્ર-કચ્છમાં આ સીઝનમાં આંબા પર આવી રહી છે કેસર કેરી

અમદાવાદ તા. ૧૮ : આ દિવાળીએ તમે અન્ય મિઠાઈઓ સાથે મહેમાનોને કેસર કેરી પણ સર્વ કરી શકશો. માનવામાં નથી આવતું? પરંતુ આબોહવામાં પરિવર્તન આવતા કચ્છ અને સૌરાષ્ટ્રના ખેડૂતોની આંબાવાડીઓમાં આ સીઝનમાં પણ કેસર કેરીઓ ઝૂલી રહી છે. આબોહવામાં આવેલુ આ પરિવર્તન પહેલી વાર ખેડૂતો માટે ફાયદાકારક પુરવાર થઈ રહ્યું છે. ખેડૂતોને આશા છે કે દિવાળી સુધીમાં આ ફળ પાકી જશે અને માર્કેટમાં કેરીના રસિયાઓ સુધી પહોંચાડી શકશે.

કૃષિવિદો પણ કેસર કેરીના ઉત્પાદનમાં થયેલા આ ફેરફાર જોઈને આશ્ચર્યચકિત થઈ ગયા છે. સામાન્ય રીતે જૂનના છેલ્લા અઠવાડિયા સુધીમાં કેસર કેરીની સીઝન પૂરી થઈ જાય છે. ખેડૂતોએ જણાવ્યું કે તેમણે કેસર કેરી ઉગાડવા માટે કોઈ આધુનિક ટેકનિકનો ઉપયોગ નથી કર્યો. બલ્કે, કુદરતી રીતે જ આંબા પર કેસર કેરી ઉગી નીકળી છે. કચ્છા નખત્રાણા તાલુકાના કોટડા-રોવા ગામના ખેડૂત હરિસિંહ જાડેજાએ કહ્યું કે એક મહિના અગાઉ જયારે આંબાને મોર બેઠા ત્યારે તેમને ભારે નવાઈ લાગી હતી. તેમને થયુ કે આંબાના મોર ખરી પશે પરંતુ તેના બદલે ઝાડ પર કેસર કેરી ઝૂલવા માંડી છે અને ટૂંક જ સમયમાં તે પાકી જશે.

તે જણાવે છે, 'હું ૧૦ વર્ષથી કેરી ઉગાડુ છુ પરંતુ પહેલીવાર મેં ૩૫ જેટલા આંબા પર આ સીઝનમાં કેરીઓ ઝૂલતી જોઈ છે. તેમનું કદ ખાસ્સુ મોટુ છે અને તે પાકતા સાથે જ અમે આંબો વેડવા માંડીશું' જાડેજા સામાન્ય રીતે ૭૦૦ જેટલા આંબા પરથી ૯૦૦૦ કિલો જેટલી કેસર કેરી ઉતારે છે. આ વર્ષે જો બધુ સમુસૂતરૂ પાર પડ્યુ તો તે દિવાળી સુધીમાં ૧૫૦૦ કિલો કેસર કેરી ઉતારી શકશે.અમરેલીના ધારી તાલુકાના ડિટલા ગામના ખેડૂત રણજીત ઝાલા જણાવે છે 'પહેલીવાર મારા આંબા પર કાચી કેરીઓ ઝૂલી રહી છે. તે સીઝનમાં આવતી કેસર કેરીની જેમ જ પાકે તેવી અપેક્ષા છે.'

જુનાગઢ કૃષિ યુનિવર્સિટીના હોર્ટિકલ્ચર વિભાગના વડા આર.એસ ચોવટિયાએ જણાવ્યું, 'કચ્છમાં જ નહિ, જૂનાગઢની આંબાવાડીઓમાં પણ દિવાળીના અરસામાં કેસર કેરી પાકીને તૈયાર થઈ જશે. જો કે આ ઉત્પાદન પ્રમાણમાં વધારે નથી પણ આ એક અલગ જ ઘટના છે. આબોહવામાં થયેલા આ પરિવર્તન અંગે અમારે અભ્યાસ કરવો પડશે.' જૂનાગઢની કૃષિ યુનિવર્સિટી કલાઈમેટ ચેન્જની કેરીના ઉત્પાદન પર થતી અસર અંગે સંશોધન કરી રહી છે. ઉલ્લેખનીય છે કે જૂનાગઢ ગુજરાતમાં કેસર કેરીનું હબ મનાય છે.

કેસર કેરીના હબ તલાલામાં કેરીની ખેતી કરતા જયેશ હિરપરાએ જણાવ્યું, 'ગીર-ગઢડા તાલુકાના બાબરિયા ગામમાં એક ખેડૂતની આંબાવાડીમાં કેસર આવી હતી પરંતુ વરસાદને કારણે પાકને સંપૂર્ણ નુકસાન થઈ ગયુ હતુ.'(૨૧.૨૭)

(3:33 pm IST)