Gujarati News

Gujarati News

News of Tuesday, 18th September 2018

કોંગ્રેસના ધારાસભ્‍યોએ પ્રશ્નો પૂછતા સરકારની પોલ ખૂલી : ‘વિધાનસભાના ઉંબરેથી' પુસ્‍તકનું વિમોચન

અમદાવાદ, તા. ૧૮ : ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રવકતા ડો. મનીષ દોશી સંપાદિત ‘વિધાનસભાના ઉંબરેથી' પુસ્‍તકનું રાજીવ ગાંધી ભવન ખાતે વિમોચન કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી અમીત ચાવડા અને વિધાનસા કોંગ્રેસ પક્ષના નેતાશ્રી પરેશ ધાનાણીએ જણાવ્‍યું હતું કે, વિધાનસભામાં પ્રશ્નોતરી કાર્યકાળનું આગવું મહત્‍વ હોય છે. દરરોજ વિધાનસભામાં પ્રથમ કલાક પ્રશ્નોત્તરીનો હોય છે. સભ્‍યશ્રીઓ આ કલાકમાં પ્રશ્નો અને પુરક પ્રશ્નો પૂછીને નાગરિકોના પ્રશ્નો-મુશ્‍કેલીઓ, સરકારની નીતિઓ, વહીવટી તંત્રની ખામીઓ બાબતે સરકાર અને વહીવટી તંત્રનું ધ્‍યાન આકર્ષિત કરવાનો પ્રયાસ કરતા હોય છે. પ્રશ્ન પૂછવાથી સરકાર કે તંત્રને કામ કે વહીવટમાં ખામી હોવાનું ખ્‍યાલ આવે છે.

વિધાનસભામાં કોંગ્રેસ ધારાસભ્‍યએ પૂછેલ પ્રશ્નોમાંથી સરકારની નિષ્‍ફળતાઓ ઉજાગર થઇ અને સામે આવી તે કોંગ્રેસ પક્ષના પ્રવકતા ડો. મનીષ દોશીએ સંકલન કરીને ‘વિધાનસભાના ઉંબરેથી' આ પુસ્‍તક મારફતે આપ સમક્ષ મૂકવાનો સરાહનીય પ્રયાસ કર્યો તે અભિનંદનને પાત્ર છે.

પુસ્‍તકના સંપાદક ડો. મનીષ દોશીએ જણાવ્‍યું હતું કે નાગરિકોના મહત્તમ કામો થાય અને પ્રશ્નો ઉકેલાય તે માટે કોંગ્રેસ પક્ષના ધારાસભ્‍યશ્રીઓ તારાંકિત અને અતારાંકિત પ્રશ્નો પૂછતા હોય છે. અતારાંકિત પ્રશ્નોનો જવાબ માત્ર લેખિતમાં જ રજૂ કરવાનો હોય છે આવા પ્રશ્નો ઉપર પૂરક પ્રશ્નો પૂછી શકાતા નથી અતારાંકિત પ્રશ્નો ઉપરની મર્યાદા કે સંખ્‍યાની મર્યાદા હતી. તેમજ વિધાનસભાનું સત્ર હોય કે ન હોય બારેમાસ પૂછી શકતા હતા. પરંતુ થોડા સમયે પહેલા વિધાનસભાએ અતારાંકિત પ્રશ્નો એક સભ્‍યશ્રી અઠવાડિયામાં ત્રણ જ પૂછી શકશે અને તે પણ સત્રની જાહેરાત થાય ત્‍યારથી સત્ર સમાપ્ત થાય ત્‍યાં સુધી પૂછી શકશે નહિ તેવું ઠરાવી અતારાંકિત પ્રશ્નો પૂછવાની મર્યાદા નક્કી કરીને નિયમને સંકુચિત કર્યો છે.

લોકસભાની ચૂંટણી પહેલા ગુજરાતને અન્‍યાયની બુમરાળ મચાવનાર મોદી સરકારે ર૦૧૪થી ર૦૧૮ સુધીના શાસનમાં ગુજરાતને કરેલા અન્‍યાય, શિક્ષણ, આરોગ્‍ય, રોજગાર, કૃષિ, નર્મદા, વાહનવ્‍યવહાર, બાળ કલ્‍યાણ, કુષોપણ, ગૌચરની જમીન, ગૃહ વિભાગ સહિત કેગના અહેવાલની માહિતી વિધાનસભાના પટલ પરથી મળી છે તે માહિતીઓનું પૂર્ણ સંકલન કરીને વિવિધ વિભાગોની સચોટ માહિતી આપવાનો પ્રયાસ કર્યો છે. સાથે અનેક બાબતોને ઉજાગર કરતી માહિતીઓને લોકો સમક્ષ મૂકીને લોકો સુધી માહિતીઓ પહોંચાડવાનો કોંગ્રેસનો લોકતાંત્રિક પ્રયાસ છે. કોંગ્રેસના ધારાસભ્‍ય, પત્રકારો , વિધાનસભા કોંગ્રેસ પક્ષ નેતાશ્રીના કાર્યાલયના ડી.વાય.એસ.ઓ. શ્રી કે.એમ. ઓડેદરા, ડો. વિજય દવે, કિર્તન જાની તથા હિરેન બેન્‍કરનો હૃદયપૂર્વક આભાર માનું છું.

 

(11:05 am IST)