Gujarati News

Gujarati News

News of Tuesday, 18th September 2018

ગુજરાતના MLAની સરેરાશ આવક ૧૮.૮૦ લાખ

પૂર્વોત્તર રાજ્‍યના ૬૧૪ ધારાસભ્‍યની સરેરાશ આવક સૌથી ઓછી ૮.૫૩ લાખ છે : ADRએ ધારાસભ્‍યોની આવકને લઇને જાહેર કર્યો રિપોર્ટ

મુંબઇ તા. ૧૮ : એસોસિયેશન ઓફ ડેમોક્રેટિક રિફોર્મસ (ADR) દ્વારા ધારાસભ્‍યોની આવકને લઈને રિપોર્ટ જાહેર કરવામાં આવ્‍યો છે. જેમાં ભારતના અલગ-અલગ રાજયના વર્તમાન ધારાસભ્‍યોની સરેરાશ આવક ૨૪.૫૯ લાખ હોવાનું સામે આવ્‍યું છે. દેશના કુલ ૪૦૮૬ ધારાસભ્‍યમાંથી ૩૧૪૫ ધારાસભ્‍યોએ પોતાની આવક જાહેર કરી છે. જયારે ૯૪૧ જેટલાં ધારાસભ્‍યોએ પોતાની આવક જાહેર કરી નથી. દક્ષિણ ભારતની વાત કરીએ તો ૭૧૧ ધારાસભ્‍યોની સરેરાશ આવક ૫૧.૯૯ સૌથી વધારે છે.

તો પૂર્વોત્તર રાજયના ૬૧૪ ધારાસભ્‍યની સરેરાશ આવક સૌથી ઓછી ૮.૫૩ લાખ છે. કર્ણાટકના ૨૦૩ ધારાસભ્‍યની સરેરાશ આવક ૧૧૧.૪ લાખ છે. મહારાષ્ટ્રના ૨૫૬ ધારાસભ્‍યની સરેરાશ આવક ૪૩.૪ લાખ છે. છત્તીસગઢની વાત કરીએ તો ૬૩ ધારાસભ્‍યની વાર્ષિક સરેરાશ આવક ૫.૪ લાખ છે. ઝારખંડના ૭૨ ધારાસભ્‍યની સરેરાશ આવક ૭.૪ લાખ છે.

ગુજરાતના પરીપેક્ષમાં જોવામાં આવે તો ગુજરાતના ૧૮૨ ધારાસભ્‍યો પૈકી ૧૬૧ ધારાસભ્‍યોએ પોતની આવકને સોગંધનામાંમાં દર્શાવી છે અને રાજયના ૨૧ ધારાસભ્‍યોએ પોતાની આવક જાહેર કરી નથી. ગુજરાતના ૧૬૧ ધારાસભ્‍યોની વાર્ષિક સરેરાશ આવક ૧૮.૮૦ લાખ છે. જેમાં વઢવાણના ભાજપના ધારાસભ્‍ય ધનજી પટેલની વાર્ષિક આવક સૌથી વધારે  ૩.૯૦ કરોડની છે. તેઓએ ખેતી અને વ્‍યવસાયનો ઉલ્લેખ કર્યો છે. સૌથી ઓછી વાર્ષિક આવક અકોટાના ધારાસભ્‍ય સીમાબેન મોહિલેની માત્ર ૬૯૩૪૦ રૂપિયા છે. તેઓ પોતે સામાજીક કાર્યકર હોવાનો ઉલ્લેખ કર્યો છે. ૧૬૧માંથી ૩૩ એટલે કે ૨૧ ટકા ધારાસભ્‍યોએ તેમનો વ્‍યવસાય બિઝનેશ દર્શવ્‍યો છે. જયારે ૫૬ એટલે કે ૩૫ ધારાસભ્‍યો ખેડૂત છે ચાર ધારાસભ્‍યો એટલે ૨ ટકા ધારાસભ્‍યોએ તેમનો વ્‍યવસાય રીયલ એસ્‍ટેટ દર્શાવ્‍યો છે. જેમની વાર્ષીક આવક ૭૬.૩૫ લાખ છે. ૩ ટકા ધારાસભ્‍ય એટલે કે ૫ ધારાસભ્‍યોએ તેમનો વ્‍યવસાય સામાજીક કાર્યકર તરીકે નો દર્શાવ્‍યો છે. તેમની સરેરાશ વાર્ષિક આવક ૬.૨૪ લાખ સૌથી ઓછી છે. ધોરણ ૫ થી ૧૨ સુધી ભણેલા ૫૩ ટકા એટલે કે ૮૫ ધારાસભ્‍યોની વાર્ષિક આવક ૧૯.૮૩ લાખની છે. સ્‍નાતક કે તેનાથી વધારે ભણેલા ૩૯ ટકા એટલે કે ૬૩ ધારાસભ્‍યોની સરેરાશ વાર્ષિક આવક ૧૪.૩૭ લાખની છે.

રાજયના ચાર અભણ ધારાસભ્‍યોની સરેરાશ વાર્ષિક આવક ૭૪.૧૭ લાખની છે. ધોરણ ૫ સુધી ભણેલા ધારાસભ્‍યોની સરેરાશ વાર્ષિક આવક ૬.૫૯ લાખની છે. જાણીને નવાઇ લાગશે કે ૫૭ ધારાસભ્‍યોની ઉંમર ૨૫ થી ૫૦ વર્ષની છે, અને તેમની સરેરાશ વાર્ષિક આવક ૯.૧૧ લાખ છે. જેની સામે ૫૧ થી ૮૦ વર્ષની વય ધરાવતા ૧૦૪ ધારાસભ્‍યોની સરેરાશ વાર્ષિક આવક ૨૪.૧૧ લાખ છે

(10:05 am IST)