Gujarati News

Gujarati News

News of Tuesday, 18th September 2018

...તો હવે શંકરસિંહ ‘બાપુ' ભાજપને આ રીતે પાઠ ભણાવશે

કાલે તેઓ પોતાના સપોર્ટર્સને મળી તેમની સાથે ચર્ચા કરી બપોર પછી આગામી રાજકીય સ્‍ટ્રેટેજી જાહેર કરશે

અમદાવાદ તા. ૧૮ : ગુજરાતના માજી મુખ્‍યમંત્રી અને કોંગ્રેસના એક સમયના દિગ્‍ગજ નેતા શંકરસિંહ વાઘેલાએ ૨૦૧૭ વિધાનસભા ચૂંટણી પહેલા કોંગ્રેસથી નારાજગી દર્શાવી પોતાના પૈતૃક પક્ષ ભાજપ સાથે ફરી જોડાણ કર્યું હતું. રાજયસભા ચૂંટણીમાં શંકરસિંહ એન્‍ડ કંપનીએ ભાજપને ખુલ્લુ સમર્થન આપ્‍યું હતું જયારે રાજયની વિધાનસભામાં શંકરસિંહે એક અલગ ફોરમ ઉભુ કરી પોતાના ઉમેદવારો ઉભા કરી વોટશેરમાં ભાગ પડાવીને ભાજપને આડકતરી રીતે મદદ કરી હતી. જોકે હવે શંકરસિંહ બાપુ ફરી ભાજપથી પણ નારાજ હોવાના અને NCP સાથે જોડાણ કરી રાજકીય ઉથલપાથલ મચાવવાના હોવાના સંકેત મળી રહ્યા છે.

આ જ કારણ છે કે બાપુએ મંગળવારે પોતાના નિવાસસ્‍થાને તેમના સપોર્ટર્સની બેઠક બોલાવી છે અને તેમાં આગામી રણનીતિ નક્કી કરવામાં આવશે. જેથી તેમની આ બેઠક પર તેમજ શંકરસિંહના આગામી પગલા પર કોંગ્રેસ અને ભાજપ બંને ચાંપતી નજર રાખી રહ્યા છે. શંકરસિંહના નજીકના એક સૂત્રે માહિતી આપી કે, ‘બાપુ ભાજપની લોક વિરોધી નીતિઓ અને તેમની સતત ઉપેક્ષાથી નારાજ છે. રાજયસભા અને વિધાનસભા ચૂંટણીમાં બાપુની મદદ લીધા પછી પણ ભાજપ તેમની ઉપેક્ષા કરી રહ્યું છે.'

સૂત્રે વધુમાં કહ્યું કે, ‘આ કારણે શંકરસિંહ બાપુએ ભાજપને પાઠ ભણાવવાનું નક્કી કર્યું છે. બુધવારે તેઓ પોતાના સપોર્ટર્સને મળશે અને તેમની સાથે ચર્ચા કરી બપોર પછી પોતાની આગામી રાજકીય સ્‍ટ્રેટેજી જાહેર કરશે. પણ એટલું તો ચોક્કસ છે કે તેઓ હવે ભાજપને સપોર્ટ નહીં કરે.' નજીકના ભૂતકાળમાં જ શંકરસિંહના પુત્ર અને કોંગ્રેસના ભૂતપૂર્વ ધારાસભ્‍ય મહેન્‍દ્રસિંહ વાઘેલા ભાજપ જોડાયા હતા. જોકે તેમના આ પગલા પર શંકરસિંહે નારાજગી વ્‍યક્‍ત કરી હતી. આ સાથે જ એવી પણ ચર્ચા છે કે બાપુ ફરી કોંગ્રેસમાં જોડાવા ઇચ્‍છા રાખી રહ્યા છે પરંતુ કોંગ્રેસ આ વખતે તેમને ફરીથી સ્‍વીકારે તેવી શક્‍યતા નહીવત્‌ છે.

(11:06 am IST)