Gujarati News

Gujarati News

News of Tuesday, 18th September 2018

અમદાવાદમાં આવેલા ગણેશ મંદિરોમાં વિશેષ પૂજન-અર્ચનઃ દરરોજ ઊમટતા ભાવિકો

10 દિવસના ગણેશોત્સવની શરૂઆત થઈ ચૂકી છે. ગણેશ ચતુર્થીથી લઈને અનંત ચૌદશ સુધી ગણેશોત્સવ ચાલે છે. ત્યારે દેશના જાણીતા ગણપતિ મંદિરો વિશે તો જાણતા જ હશો. પરંતુ અમદાવાદની નજીક પણ ઐતિહાસિક મહત્વ ધરાવતા ગણપતિ મંદિરો છે. ગણેશોત્સવ હોય કે ના હોય આ મંદિરોમાં ભીડ હોય જ છે. અમદાવાદની નજીક હોવાથી અડધા દિવસમાં જ તમે આ મંદિરોમાં દર્શન કરીને પાછા આવી શકો છો.

ગણપતિ મંદિર, લાલ દરવાજા

અમદાવાદના ભદ્ર વિસ્તારમાં રામવાડીમાં વસંત ચોકમાં પાતાળેશ્વર મહાદેવનું પૌરાણિક મંદિર આવેલું છે. આ મંદિરમાં જ ગણેશજી પણ બિરાજે છે. આ મંદિરનું નિર્માણ પેશ્વાકાલીન સમયમાં થયું હતું. આ મંદિરમાં ગજાનનની બે મૂર્તિઓ આવેલી છે. એક મૂર્તિ જમણી સૂંઢવાળા ગણપતિ દાદાની છે અને બીજી આરસપહાણની સિંદુરી રંગની મૂર્તિ છે. જે ડાબી સૂંઢવાળી છે. અમદાવાદીઓની આસ્થાનું સ્થાન છે આ ગણેશ મંદિર. બારેમાસ આ મંદિરમાં ભક્તોની ભીડ રહે છે. ભક્તો આ મંદિરમાં બાપ્પાને પ્રિય એવા બુંદીના લાડુ ચડાવવાનું ચૂકતા નથી.

ગણેશ મંદિર, કોઠ

ગણપતપુરા કે ગણેશપુરા તરીકે ઓળખાતું ગણેશ મંદિર ધોળકા તાલુકાના કોઠ ગામ પાસે આવેલું છે. આ મંદિર ધોળકાથી લગભગ 20 કિલોમીટર અને અમદાવાદથી 62 કિલોમીટર દૂર આવેલું છે. આ મંદિરમાં ગણેશજીની સ્વયંભૂ મૂર્તિના દર્શન થાય છે. આ મંદિરની ખાસિયત છે ગણેશજીની સૂંઢ. ઘણા મંદિરોમાં ગણેશજીની સૂંઢ ડાબી બાજુ વળેલી હોય છે જ્યારે આ મંદિરમાં બિરાજતા ગણેશજીની સૂંઢ જમણી તરફ વળેલી છે. ઉપરાંત આ મૂર્તિ એક દંતી અને સ્વયંભૂ પ્રગટ થયેલી છે. મૂર્તિની ઊંચાઈ 6 ફૂટ જેટલી છે. અમદાવાદથી આ મંદિરે દર્શન માટે જવા ઘણી બસ ઉપલબ્ધ છે અથવા તો કાર લઈને પણ આ મંદિરે પહોંચી શકો છો.

ઐઠોર ગણપતિ મંદિર, ઊંઝા

ઉત્તર ગુજરાત પ્રાચીન મંદિરોની ભૂમિ ગણાય છે. કડવા પાટીદારોના કુળદેવી શ્રી ઉમિયા માતાના મંદિર માટે ઊંઝા જાણીતું જ છે ઉપરાંત ઐઠોર ગામમાં આવેલું ગણપતિદાદાનું ઐતિહાસિક મંદિર પણ શ્રદ્ધાળુઓની આસ્થાનું કેંદ્ર છે. ઊંઝાથી 24 કિલોમીટરના અંતરે પુષ્પાવતી નદી કિનારે ઐઠોરમાં ગણપતિદાદા બિરાજે છે. આ મંદિરની મૂર્તિ આરસ કે અન્ય કોઈ ધાતુમાંથી નહીં પરંતુ રેણું (માટી)માંથી બનાવાઈ છે. આ પ્રાચીન મૂર્તિને સિંદુર અને ઘીનો લેપ લગાવવામાં આવે છે. સોલંકી કાળમાં બનેલા આ મંદિર વિશે અનેક દંતકથાઓ પ્રચલિત છે. આ ગણપતિ મંદિરના પરિસરમાં જમણી બાજુએ ઢળી ગયેલું પ્રાચીન વિષ્ણુ મંદિર છે જેની મૂળ પ્રતિમા અસ્તિત્વમાં નથી.

સિદ્ધિવિનાયક મંદિર, મહેમદાવાદ

અમદાવાદથી 25 કિલોમીટર દૂર વાત્રક નદીના કિનારે આવેલું છે શ્રી સિદ્ધિવિનાયક મંદિર. મુંબઈમાં આવેલા પ્રસિદ્ધ સિદ્ધિવિનાયક મંદિરમાંથી જ્યોત આ મંદિરમાં લાવવમાં આવી છે. આ મંદિરની સ્થાપના 2011માં કરવામાં આવી છે. 6,00,000 સ્ક્વેર ફૂટમાં પથરાયેલા આ મંદિરની મૂર્તિ જમીનથી 56 ફૂટ ઊંચે સ્થાપવામાં આવી છે. આ મંદિરનો આકાર ગણેશજીના સ્વરૂપનો છે. આ મંદિરના નિર્માણમાં ક્યાંય લોખંડ કે સિમેન્ટનો ઉપયોગ થયો નથી.

(6:02 pm IST)