Gujarati News

Gujarati News

News of Thursday, 18th August 2022

આણંદ જિલ્લાના ખંભાત તાલુકાના સોખડામાં ગેસ ગળતરના કારણોસર કંપનીમાં કામ કરતા કર્મચારીનું ફરજ દરમ્યાન મૃત્યુ નીપજ્યું

આણંદ : આણંદ જિલ્લાના ખંભાત તાલુકાના સોખડા ખાતે આવેલી એક કંપનીમાં ફરજ નિભાવતા કર્મચારીનું ફરજ દરમ્યાન ક્લોરીન ગેસ ગળતરને કારણે મોત થતા ખંભાત ગ્રામ્ય પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધ્યો છે અને એકાદ બે દિવસમાં પીએમ રીપોર્ટ આવ્યા બાદ વધુ કાર્યવાહી કરવામાં આવશે. જો કે આ સમગ્ર મામલે કંપનીના માલિક અને મૃતકના પરિવારો વચ્ચે થયેલ બેઠકમાં મૃતકના બાળકો અને પત્નીને વળતર આપવાનું નક્કી કરાયું હોવાનું જાણવા મળ્યું છે.

વધુમાં મળતી માહિતી મુજબ ખંભાત તાલુકાના પાધરીયા વિસ્તારમાં રહેતા મહિપતસિંહ તખતસિંહ સિંધા સોખડા ખાતે આવેલ કરણ ઈન્ટરમીડિયેટ પ્રા.લિમિટેડ કંપનીમાં નોકરી કરતા હતા. જેઓ રાત્રિના સુમારે કંપનીમાં ફરજ ઉપર હાજર હતા ત્યારે ક્લોરિન ગેસના ગળતરને કારણે શ્વાસ લેવામાં તકલીફ થઈ હતી. જેથી ફરજ પરના સાથી મિત્રો દ્વારા તેઓને સારવાર અર્થે લઈ જવાયા હતા. જો કે મહિપતસિંહને સારવાર મળે તે પહેલા જ તેઓનું મરણ થઈ જવા પામ્યું હતું. યુવકને કાર્ડિયાક સેન્ટર ખાતે લઈ ગયા હોઈ ગ્રામજનોના ટોળેટોળા ત્યાં ઉમટી પડયા હતા. દરમ્યાન આ બનાવ અંગે ખંભાત ગ્રામ્ય પોલીસને જાણ થતાં પોલીસની ટીમ પણ હોસ્પિટલ ખાતે દોડી આવી હતી. જનરલ હોસ્પિટલ ખાતે આ મૃતક યુવકનું પી.એમ. કરવામાં આવ્યું હતું.

જો કે સોખડા સ્થિત કંપની ખાતે આ ઘટના બનતા ગામના સરપંચ સહિત ગ્રામજનોના ટોળેટોળા કરણ ઈન્ટરમીડિયેક કંપની ખાતે ઉમટી પડયા હતા અને તંત્ર સહિત કેમિકલ માફિયાઓની મીલીભગત સામે ઉગ્ર રોષ દર્શાવ્યો હતો. આ સમગ્ર મામલે તાલુકા પંચાયતના પ્રમુખ, કલમસર ગામના સરપંચ તથા માજી સરપંચ અને મૃતકના પરિવારજનોની કંપનીના માલિક સાથે બેઠક યોજાઈ હોવાની વાત વચ્ચે આ બેઠકમાં મૃતકના બાળકો અને પત્નીને વળતર ચુકવવાનું નક્કી કરી સમગ્ર મામલો થાળે પાડવામાં આવ્યો હોવાની માહિતી પ્રાપ્ત થઈ છે.

(4:27 pm IST)