Gujarati News

Gujarati News

News of Thursday, 18th August 2022

સુરતના પાંડેસરા વિસ્‍તારમાં સાવકી માતાએ દોઢ વર્ષના પુત્રની હત્‍યા કરી ઝાડી-ઝાંખરામાં લાશ ફેંકી દીધી

રાહદારીઓએ પોલીસને જાણ કરતા સાવકી માતાની પુછપરછ કરતા હત્‍યા કરી હોવાનું ખુલ્‍યુ

સુરતઃ સુરતના પાંડેસરા વિસ્‍તારમાં રહેતા અરૂણ ભોળા અને તેની બીજી પત્‍ની મમતા સાથે દોઢ વર્ષનો સાવકો પુત્ર રહેતો હતો. મમતાને સાવકો પુત્ર ગમતો ન હોવાથી જમીન પર માથુ અથડાવી મોતને ઘાટ ઉતાર્યો હતો. પતિને બિમારીનું બહાનુ બતાવી ગેરમાર્ગે દોરી દંપતિ લાશને અવવારૂ જગ્‍યાએ ફેંકી દીધી હતી. રાહદારીઓનું ધ્‍યાન પડતા પોલીસને જાણ કરતા પોલીસે મમતાની પૂછપરછ કરતા તેણીએ હત્‍યા કરી હોવાનું કબુલ્‍યુ હતુ.

સુરત પાંડેસરા વિસ્તારમાં સાવકી માતાએ દોઢ વર્ષના માસુમ બાળકની હત્યા કરી નાંખવાની ઘટનાથી ચકચાર મચી છે. એટલુ જ નહિ, સાવકી માતાએ બાળકની હત્યા કર્યા બાદ તેણીનું મૃત્યુ બીમારીમાં થયું હોવાનું કાવતરું ઘડી પતિને ગેરમાર્ગે દોર્યો હતો. જોકે પાંડેસરા પોલીસ તપાસનો ધમધમાટ શરૂ કરતા સાવકી માતાનો ભાંડો ખૂલ્યો હતો. સાવકી માતા બાળકને સાથે રાખવા માંગતી ન હોય બાળકનું માથું જમીન ઉપર પછાડીને હત્યા કરી હોવાનું ખુલ્યું છે.

સુરતના પાંડેસરા હરિઓમ નગર વિસ્તારમાં રહેતા અરુણ ભોળા મૂળ ઓરિસ્સા ગંજામનો વતની છે. અરુણ ભોલાએ બે લગ્ન કર્યા હતા. અરુણ ભોળાની પ્રથમ પત્ની દિપાલી (નામ બદલવામાં આવ્યું છે) ગંજામ ખાતે રહેતી હતી. આ દરમિયાન અરુણ સુરત આવી ગયો હતો, જેથી તેને સુરતમાં અન્ય યુવતીના સંપર્કમાં આવ્યો હતો. અરુણે એ યુવતી સાથે બીજા લગ્ન કર્યા હતા. અરુણ બીજી પત્ની સાથે સુરતમાં રહેતો હતો. અરુણને બીજી પત્ની થકી દોઢ વર્ષીય બાળક નટીયા ઉર્ફે બાબુ હતો. આ દરમિયાન ત્રણ માસ અગાઉ અરુણની બીજી પત્નીનું મોત નિપજ્યું હતું. જેથી અરુણ તેની પ્રથમ પત્નીને સુરત લઈ આવ્યો હતો.

અરુણે બીજી પત્નીના બાળક બાબુ અંગેની હકીકત જણાવી હતી. તેથી પહેલી પત્ની બીજી પત્નીના બાળક બાબુને સાથે રાખવા તૈયાર થઈ હતી. જોકે માત્ર દોઢ વર્ષનો માસુમ બાળક અવારનવાર રડતો હતો, જેથી પહેલી પત્ની ગુસ્સે થઈ હતી, તે બાળકને સાથે રાખવા માંગતી ન હતી. જેથી તેનાથી છુટકારો મેળવવા માટે તેણે પ્લાનિંગ કર્યું. તારીખ 13 ઓગસ્ટના રોજ મૃતક બાળકના પિતા કામ પર ગયા હતા. ત્યારે પહેલી પત્નીએ સાવકા દીકરાનું ઘરમાં દિવાલ સાથે માથું અથાડીને હત્યા કરી નાંખી હતી.

આ દરમિયાન રાતના સમયે પતિ નોકરીએથી પરત ઘરે આવ્યો હતો, ત્યારે પત્નીએ બાબુનું બીમારીમાં મૃત્યુ હોવાની ખોટી હકીકત દર્શાવી પતિને ગેર માર્ગે દોર્યા હતો. પતિ પણ પત્નીની વાતમાં આવી ગયો હતો અને મોડી રાત્રે માસુમ બાળકને દફનાવવા ઝાડી ઝાંખરામાં ગયા હતા. જોકે વરસાદ હોવાથી ખાડામાં બાળકને મૂકી આવ્યા હતા. વહેલી સવારે રાહદારીની નજર માસુમ બાળક પર પડતા પોલીસને જાણ કરી હતી.

પાંડેસરા પોલીસ તપાસમાં બાળકની હત્યા થઈ હોવાનું ખુલ્યું હતું. જેથી પોલીસે સાવકી માતાની પૂછપરછ કરતા તેની એ માસુમ બાળકની હત્યા કરી હોવાની કબૂલાત કરી હતી. પોલીસે સાવકી માતા મમતાની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

(4:19 pm IST)