Gujarati News

Gujarati News

News of Thursday, 18th August 2022

ખેડા જીલ્લામાં ગ્રીષ્‍મા વેકરીયા જેવો હત્‍યાકાંડઃ 16 વર્ષની સગીરાને રાજુ નામના શખ્‍સે હથિયારથી ગળુ કાપીને મોતને ઘાટ ઉતારી

હાથ ઉપર પણ હથિયારના ઘા ઝીંક્‍યાઃ કારણ અંગે પોલીસ તપાસઃ કડક સજા આપવા પરિવારની માંગ

ખેડાઃ ખેડાના તારાપુર હાઇવે પર આવેલા ત્રાજ ગામમાં 16 વર્ષીય કૃપાને આજ ગામના 46 વર્ષીય રાજુએ જાહેરમાં ગળુ કાપી હત્‍યા કરી હતી. લોકો એકઠા થતા 108માં ખેડાની સિવિલ હોસ્‍પિટલમાં સારવાર માટે લઇ જવાઇ હતી પરંતુ સારવાર મળે તે પહેલા કૃપા મોતને ભેટી હતી. પોલીસે ગણતરીની કલાકોમાં આરોપીને દબોચી લઇ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

ખેડા જિલ્લામાં ગ્રીષ્મા વેંકરિયા જેવો હત્યાકાંડ સર્જાયો છે. ખેડા જિલ્લાના ત્રાજ ગામે બસ સ્ટેન્ડ પાસે ગઈ કાલે સાંજના સુમારે ગામની એક સગીરાની જાહેરમાં ગળું કાપી નાખી હત્યા કરાઈ છે. સગીરાની પણ ગ્રીષ્મા વેંકરિયાની જેમ જાહેરમાં ગળુ કાપીને હત્યા કરી છે. ખેડા પોલીસે ગણતરીના કલાકોમાં આરોપીને દબોચી લઇ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

સાંજના સાત વાગ્યાના સુમારે ઘટી ઘટના બની હતી. ખેડા જિલ્લાના માતર પાસે તારાપુર હાઇવે પર આવેલ ત્રાજ ગામે ગામમાં રહેતી કૃપા પટેલ નામની 16 વર્ષીય દીકરી સાંજના સમયે ગામમાં મહાદેવના દર્શન કરવા ગઇ હતી અને વળતા ગામના બસ સ્ટેન્ડ પાસે આવેલ ખોડિયાર પાન સેન્ટરમાં કોલ્ડડ્રિંક લેવા આવી હતી. બસ આ જ સમયે ગામમાં જ રહેતો રાજુ નામના 46 વર્ષીય શખ્સે કૃપાને પકડી લીધી હતી અને પોતની પાસે રહેલ ધારદાર હથિયારથી કૃપાનું ગળું કાપી કાપી નાખ્યું હતું. આટલે ઓછું હોય તેમ કૃપાના હાથ પર પણ બે ઘા મારતા દુકાનની પાસે લોહીના ફુંવારા ઉડ્યા હતા. જોકે અચાનક બનેલી ઘટનાને લઇ કૃપા સાથે આવેલી તેની બહેનપણીએ બૂમો પાડતા સ્થાનિક લોકો એકઠા થયા હતા. કૃપાને 108 મારફતે સારવાર અર્થે ખેડા સિવિલ હોસ્પિટલ ખસેડાઈ હતી. જોકે કૃપાને સારવાર મળે તે પહેલા જ કૃપાનું મોત થઇ ગયું હતું.

બીજી તરફ સ્થાનિક લોકોએ આરોપીને ઝડપી પાડી માતર પોલીસને હવાલ કર્યો હતો, ઘટનાની જાણ ખેડા એસપીને થતા પોલીસ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી મૃતક કિશોરીના પરિવારજનોની ફરિયાદ લેવાની અને હત્યારા રાજુની પૂછપરછ હાથ ધરી કૃપાની હત્યા પાછળ કયું કારણ જવાબદાર છે, કઈ રીતે હત્યાનો પ્લાન બનાવ્યો તેની તપાસ માતર પોલીસે હાથ ધરી છે.

રાજુએ શા માટે કૃપાની હત્યા કરી તે હજુ જાણી શકાયુ નથી. આજે પોલીસ પ્રેસ કોન્ફન્સ કરી સમગ્ર માહિતી આપાશે. કૃપા પટેલના પરિવાર દ્વારા આરોપીને જાહેરમાં ફાંસીની સજા થાય એવી માંગ કરાઈ છે. આરોપી રાજુએ કૃપાના ગળાના ભાગમાં બે અને હાથના ભાગે બે ધા માર્યા હોવાનું મેડિકલ ઓફિસરનું પ્રાથમિક અનુમાન છે. આજે કૃપાના મૃતદેહોનું પેનલ પોસ્ટમોર્ટમ કરાશે. સગીરાના પરિવાર દ્વારા આરોપીને ખુબજ ટૂંકા ગાળામાં સજા થવી જોઈએ તેવી માંગ કરવામાં આવી છે. જાહેરમાં સગીરાની હત્યા થતાં ગામમાં શોકનો માહોલ ફેલાયો છે.

ગ્રીષ્મા વેંકરિયા જેવી કૃપાની હત્યા

સુરતમાં કામરેજના પાસોદરામાં ગત 12 ફેબ્રુઆરીના રોજ ગ્રીષ્મા વેકરિયાની એક તરફી પ્રેમમાં પાગલ ફેનિલ ગોયાણીએ ગળું કાપી ઘાતકી હત્યા કરી હતી. સુરતના કામરેજ વિસ્તારમાં 12 ફેબ્રુઆરીએ ફેનિલે હથિયાર સાથે ગ્રીષ્માના ઘરની બહાર તોફાન મચાવ્યું હતું. ત્યારબાદ તેણે યુવતીને પકડી લીધી હતી. તેણે છરી બતાવી લોકોને નજીક ન આવવાનું કહ્યું હતું. એકતરફી પ્રેમમાં બદલો લેવા માટે ફેનિલે ગ્રીષ્માનું ગળું કાપી જાહેરમાં હત્યા કરી દીધી હતી. તેના બાદ ગ્રીષ્મા વેકારીયા હત્યા કેસ મામલે સેશન્સ કોર્ટ દ્વારા દોષિત ફેનિલ વેકરિયાને કોર્ટે ફાંસીની સજા ફટકારાઈ હતી.

(4:16 pm IST)