Gujarati News

Gujarati News

News of Thursday, 18th August 2022

૭૬માં સ્‍વતંત્રતા પર્વ અવસરે રાષ્‍ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીની કર્મ-નિર્વાણભૂમિ બોટાદમાં મનોરમ્‍ય ‘મેઘાણી પ્રતિમા' તથા કલાત્‍મક ‘મેઘાણી-તકતી'ની સ્‍થાપના

ગુજરાત રાજયના શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ રાજયકક્ષાના મંત્રી તથા બોટાદ જિલ્લા પ્રભારી મંત્રી વિનોદભાઈ મોરડીયા, ઝવેરચંદ મેઘાણીના પૌત્ર પિનાકી મેઘાણી, લોકગાયક અભેસિંહ રાઠોડ, બોટાદ જિલ્લા પંચાયત પ્રમુખ ઘનશ્‍યામભાઈ વિરાણી, બોટાદ જિલ્લા કલેકટર બી. એ. શાહ (આઈએએસ), જિલ્લા વિકાસ અધિકારી પી. ડી. પલસાણા (આઈએએસ), પોલીસ અધિક્ષક કિશોરભાઈ બળોલીયા (આઈપીએસ)ની વિશેષ ઉપસ્‍થિતિઃ કર્મ-નિર્વાણભૂમિ બોટાદ સાથે ઝવેરચંદ મેઘાણીનાં અનેક લાગણીસભર સંભારણાં છે

રાજકોટ : આઝાદી કા અમૃત મહોત્‍સવ તથા રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીની ૧૨૫મી જન્‍મજયંતી વર્ષ અંતર્ગત ૭૬મા સ્‍વતંત્રતા પર્વ અવસરે કર્મ-નિર્વાણભૂમિ બોટાદ ખાતે સરકારી હાઈસ્‍કૂલ પાસે મનોરમ્‍ય મેઘાણી-પ્રતિમા તથા કલાત્‍મક મેઘાણી-તકતીની સ્‍થાપના થઈ. ૨૦૧૨માં બોટાદ નગરપાલિકા દ્વારા સ્‍થાપિત મેઘાણી-પ્રતિમાની ગરીમાપૂર્ણ પુનઃસ્‍થાપના કરવામાં આવી છે. ૪×૩ ફૂટની કાળા ગ્રેનાઈટ અને સોનેરી અક્ષરોવાળી નવીન તકતીમાં ઝવેરચંદ મેઘાણીનું રેખાચિત્ર, હસ્‍તાક્ષર અને ઈતિહાસનું આલેખન કરવામાં આવ્‍યું છે.

ગુજરાત રાજયના શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ રાજયકક્ષાના મંત્રી તથા બોટાદ જિલ્લા પ્રભારી મંત્રી વિનોદભાઈ મોરડીયા, ઝવેરચંદ મેઘાણીના પૌત્ર તથા ઝવેરચંદ મેઘાણી સ્‍મૃતિ સંસ્‍થાનના સ્‍થાપક પિનાકી નાનકભાઈ મેઘાણી, લોકગાયક, સાહિત્‍ય-લોકસાહિત્‍ય-અભ્‍યાસુ તથા બોટાદ જિલ્લાના સરવા ગામના મૂળ વતની અભેસિંહ રાઠોડ, બોટાદ જિલ્લા પંચાયત પ્રમુખ ઘનશ્‍યામભાઈ વિરાણી, બોટાદ જિલ્લા ભાજપ પ્રમુખ ભીખુભા વાઘેલા, બોટાદ જિલ્લા કલેકટર બી. એ. શાહ (આઈએએસ), જિલ્લા વિકાસ અધિકારી પી. ડી. પલસાણા (આઈએએસ), પોલીસ અધિક્ષક કિશોરભાઈ બળોલીયા (આઈપીએસ), નાયબ જિલ્લા વન-સંરક્ષક આયુષ વર્મા (આઈએફએસ), નિવાસી અધિક કલેકટર મુકેશભાઈ પરમાર (જીએએસ), બોટાદ પ્રાંત અધિકારી દિપકભાઈ સતાણી (જીએએસ), બોટાદ નગરપાલિકા ચીફ ઓફિસર મુકેશભાઈ વાઘેલા, ભારત સરકારના ખાદી અને ગ્રામોદ્યોગ આયોગ (કે.વી.આઈ.સી.)ની સેન્‍ટ્રલ ખાદી માર્ક કમિટી તથા ભાલ નળકાંઠા ખાદી ગ્રામોદ્યોગ મંડળ (રાણપુર)ના ચેરમેન ગોવિંદસિંહ ડાભી, અગ્રણીઓ ચંદુભાઈ સાવલીયા, નરેન્‍દ્રભાઈ દવે અને રેખાબેન ડુંગરાણી, નયનભાઈ લખુભાઈ શેઠ, બાબભાઈ ખાચરની વિશેષ ઉપસ્‍થિતિ રહી હતી. મેઘાણી-પ્રતિમાનું સૌજન્‍ય બોટાદ નગરપાલિકાનું છે. મેઘાણી-તકતીનું આલેખન - સૌજન્‍ય પિનાકી મેઘાણી - ઝવેરચંદ મેઘાણી સ્‍મૃતિ સંસ્‍થાનનું છે. બોટાદ જિલ્લા કલેકટર બી. એ. શાહ (આઈએએસ) તથા સમસ્‍ત બોટાદ જિલ્લા વહીવટી તંત્રનો પિનાકી મેઘાણીએ હ્રદયથી આભાર માન્‍યો છે.

 કર્મ-નિર્વાણભૂમિ બોટાદ સાથે ઝવેરચંદ મેઘાણીનાં અનેક લાગણીસભર સંભારણાં છે. ઝવેરચંદ મેઘાણીનું નિધન ૦૯ માર્ચ ૧૯૪૭ના રોજ બોટાદ ખાતે સાળંગપુર રોડ પર રેલવે-ફાટક પાસે આવેલા તેમના નિવાસસ્‍થાને થયેલું. આ નિવાસસ્‍થાન એમણે ૧૯૩૩માં બંધાવેલું. શરૂઆતનાં થોડાં વરસ ટાવર રોડ પર સરકારી હાઈસ્‍કૂલની સામે આવેલી તળસી મિષાીના તાજિયા ઇમારતના પહેલા મજલા પરના નાના એક ભાગમાં રહેલા. એમનાં અનેક લોકપ્રિય પુસ્‍તકો બોટાદમાં લખાયાં. રાણપુરથી પ્રકાશિત સાપ્તાહિક અખબાર ફૂલછાબના તંત્રી તરીકે કામગીરી બજાવતાં ઝવેરચંદ મેઘાણી રહેઠાણ બોટાદ અને કાર્યસ્‍થળ રાણપુર વચ્‍ચે ટ્રેન દ્વારા દરરોજ નિયમિતપણે આવ-જા કરતાં.

ઝવેરચંદ મેઘાણીના અવસાન પછી પરિવારની વિકટ આર્થિક પરિસ્‍થિતિને લીધે, દુર્ભાગ્‍યવશ, એમનું ઐતિહાસિક નિવાસસ્‍થાન વેચાઈ ગયું હતું. હાલ અન્‍યની ખાનગી માલિકીનું અને બંધ હાલતમાં છે. ઝવેરચંદ મેઘાણી જયાં જીવનનો છેલ્લો દશકો રહ્યા અને અંતિમ શ્વાસ લીધા તેવું આજે પણ અડીખમ ઊભેલું આ ઐતિહાસિક નિવાસસ્‍થાન ગુજરાત સરકાર દ્વારા ભવ્‍ય સ્‍મારક તરીકે વિકાસ પામે તેમજ ગુજરાત સરકારના પ્રવાસન વિભાગના ટુરિઝમ કોર્પોરેશન ઓફ ગુજરાત લિ. દ્વારા ઝવેરચંદ મેઘાણી ટુરિઝમ સર્કિટમાં કર્મ-નિર્વાણભૂમિ બોટાદનો પણ સમાવેશ કરવામાં આવે તેવી વિશ્વભરમાં વસતાં ગુજરાતીઓની લોકલાગણી છે.

:આલેખનઃ

પિનાકી નાનકભાઈ મેઘાણી

ઝવેરચંદ મેઘાણી સ્‍મૃતિ સંસ્‍થાન

(મો.૯૮૨૫૦ ૨૧૨૭૯)

(12:03 pm IST)