Gujarati News

Gujarati News

News of Sunday, 18th August 2019

ભારે વરસાદને કારણે પાડોશી રાજયોમાંથી શાકભાજીની આવક ઘટતા અમદાવાદના સ્‍થાનિક બજારમાં શાકભાજીના ભાવમાં આકરો વધારો

અમદાવાદ : ભારે વરસાદને કારણે પાડોશી રાજયોમાંથી શાકભાજીની આવક ઘટતા અમદાવાદના સ્‍થાનિક બજારમાં શાકભાજીના ભાવમાં ભડકો થઇ રહ્યો છે.

મળતી માહીતી મુજબ અમદાવાદ શહેરમાં શાકભાજીના ભાવમાં ભડકો થયો છે. ભારે વરસાદના કારણે પાડોશી રાજ્યો તેમજ અન્ય રાજ્યોમાંથી આવતી શાકાભાજીની ટ્રકો ગુજરાત સુધી પહોંચી ન શકતાં શાકભાજીના ભાવમાં ભડકો થયો છે. આજે અમદાવાદ શહેરના જમાલપુર APMCમાં દરરોજ કરતાં 50 ટકા ટ્રકો ઓછી આવી છે. વરસાદના કારણે દક્ષિણ ગુજરાત, મહારાષ્ટ્ર અને કર્ણાટકની ટ્રકો આવી શકી નથી. APMCમાં ફુલાવર, કોબીજ, ટામેટા મોંઘા થયા છે.

શાકભાજી એસોસિએશનના પ્રતિનિધિ અહેમદ પટેલે જણાવ્યું, “ફુલાવર, ટામેટા, કેપ્સીકમ, સહિતના શાકભાજી રાજસ્થાન, હિમાચલ પ્રદેશ અને મહારાષ્ટ્રથી આવે છે. ભારે વરસાદના કારણે શાકભાજીની આવકમાં 30-40 ટકાનો ઘટાડો થયો છે. જોકે, વરસાદનો વિરામ લેતાં હવે શાકભાજીનો જથ્થો પુન: સંગ્રહ કરી શકાશે. સામાન્ય રીતે વરસાદી સિઝન ન હોય તો 12-15 કલાકમાં ટ્રકો પહોંચી જતી હોય છે. ”

અમદાવાદ શહેરના જમાલપુર APMCમાં સોમથી શનિવાર સુધી રોજની 150 જેટલી ટ્રકો આવે છે. આજે ટ્રકોની આવનજાવનમાં 50 ટકાનો ઘટાડો થયો છે. મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશના ટ્રક ચાલકે જણાવ્યું હતું કે ભારેવરસાદના કારણે ટ્રક ચાલકોને હાલાકી ભોગવવી પડી રહી છે.

શાકભાજીના ભાવ આસમાને પહોંચ્યા છે. સામાન્ય રીતે લીલા શાકભાજી 100 રૂપિયાથી લઈને 120 રૂપિયે કિલો મળી રહ્યાં છે. કોબીજ 60 રૂ. પ્રતિકિલો, ગવાર 120 રૂ. પ્રતિકિલો, ફુલાવર 90, રૂ. પ્રતિકિલો, ટામેટા 50 રૂ. પ્રતિકિલોના ભાવે વેચાઇ રહ્યાં છે. જ્યારે પરવળ 50 રૂ. પ્રતિકિલો અને કંકોડા 140 રૂ. પ્રતિકિલોના ભાવે વેચાઈ રહ્યાં છે.

(2:42 pm IST)