Gujarati News

Gujarati News

News of Sunday, 18th August 2019

અમદાવાદ : પ્લાસ્ટિકને લઇને ફરીથી આક્રમક અભિયાન શરૂ

અનેક દુકાનો સીલ કરી દંડની વસુલાત કરાઈ : પ્લાસ્ટિકના વેચાણ-ઉત્પાદન કરનાર તમામ વેપારી સામે કાર્યવાહી : જુદા-જુદા વિસ્તારોમાં ફરી આક્રમક અભિયાન

અમદાવાદ, તા.૧૭ : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સ્વતંત્રતા દિવસના પ્રસંગે ઐતિહાસિક લાલ કિલ્લા પરથી પોતાના સંબોધનમાં પ્લાસ્ટિકના ઉપયોગને બંધ કરવા માટે અને તેની ખતરનાક અસરને લઈને વાત કર્યા બાદ આને લઈને ફરીએકવાર તંત્ર સાવધાન થઈ ગયું છે. પ્લાસ્ટિકના ઉપયોગના સામે આક્રમક કાર્યવાહીનો દોર શરૂ કરવામાં આવ્યો છે. જેના ભાગરૂપે વેપારીઓ સામે પગલા લઈને દંડની વસુલાત કરવામાં આવી રહી છે. પ્લાસ્ટિકના બેગના વેચાણને ટાળવા માટે સુચના આપવામાં આવી રહી છે. દુકાનો અને લારી ઉપર શાકભાજીનો વેચાણ કરતા તમામ લોકોને પ્લાસ્ટિકને ટાળવા માટે અપીલ કરવામાં આવ્યાબાદ હવે ઝુંબેશ શરૂ થઈ છે.

       આગામી દિવસોમાં પણ આ ઝુંબેશ વધારે તીવ્ર બને તેવી સંભાવના છે. પ્લાસ્ટિકના બદલે કપડાની થેલીઓ અને અન્યત્ર થેલીઓનોે ઉપયોગ કરવાનું સુચન મોદીએ સ્વતંત્રતા દિવસે કર્યું હતું. અમદાવાદ શહેરમાં પ્રતિબંધિત પ્લાસ્ટિકના વેચાણને લઇ જુદા-જુદા વિસ્તારમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ દ્વારા અલગ-અલગ ડ્રાઇવ હાથ ધરવામાં આવી છે. શહેરમાં આવેલી દુકાનો તથા પ્લાસ્ટિકનું ઉત્પાદન કરતા એકમોમાં તપાસ હાથ ધરી છે. વેજલપુર વિસ્તારમાં આવેલા અર્બુદા ડિસ્પોસેબલ યુનિટને સીલ માર્યું હતું. ઉપરાંત કે.એન.જી ટ્રેડર્સને પણ સીલ કર્યું હતું.

        પ્લાસ્ટિક બેગોના વેચાણ બદલ અનેક શાકભાજીવાળા તેમજ દુકાનદારો પાસેથી મોટો દંડ વસૂલવાનું તેમજ સીલ મારવાની કાર્યવાહી કરવામાં આવી રહ્યો છે. આજે સવારથી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગના અધિકારીઓ દ્વારા પ્રતિબંધિત પ્લાસ્ટિકના વેચાણ અને ઉત્પાદન સામેની ઝુંબેશમાં અનેક એકમોને સીલ કરવામાં આવ્યા હતા. વાસણા, વેજલપુર સહિતના વિસ્તારોમાં વાસણા, વેજલપુર સહિતના વિસ્તારોમાં પ્રતિબંધિત પ્લાસ્ટિકના ઉપયોગ અને વેચાણ બદલ મોટી રકમનો દંડ પણ વસૂલવામાં આવ્યો હતો. કેરી બેગ રાખવા બદલ લક્ષ્મી ગ્રુહ ઉદ્યોગ પાસેથી ૧૫૦૦૦ રૂપિયાનો દંડ વસૂલાયો હતો.

 આજે સમગ્ર દિવસ દરમ્યાન આ ઝુંબેશની કાર્યવાહી શહેરના અલગ-અલગ વિસ્તારોમાં ચાલુ રખાઇ હતી અને આગામી દિવસોમાં પણ પ્રતિબંધિત પ્લાસ્ટિકને લઇ અસરકારક ડ્રાઇવ ચલાવવામાં આવશે.

(8:07 pm IST)