Gujarati News

Gujarati News

News of Saturday, 18th August 2018

૧૬૭ મેડિકલની સીટો હજુ ખાલી : વિદ્યાર્થીઓમાં ચર્ચા

પ્રવેશ માટે બીજા રાઉન્ડની પૂર્ણાહુતિ બાદ ચિત્રઃ બાકી રહી ગયેલી સીટો ઉપર પ્રવેશ માટે ટૂંકમાં કાર્યવાહી શરૃ થશે : ૧૬૭ સીટ પૈકી ૨૯ સીટો જનરલ કેટેગરીની

અમદાવાદ, તા.૧૮: મેડિકલ અને ડેન્ટલ કોર્સ માટે પ્રવેશ માટેના બીજા રાઉન્ડની પૂર્ણાહુતિ થયા બાદ પણ ૧૬૭ મેડિકલ સીટો ખાલી રહી જતા વિદ્યાર્થીઓ અને વાલીઓમાં આને લઈને ચર્ચાઓ જોવા મળી રહી છે. એડમિશન કમિટી ફોર પ્રોફેશનલ અંડર ગ્રેજ્યુએટ મેડિકલ કોર્સ દ્વારા જણાવવામાં આવ્યું છે કે બાકીની ૧૬૭ સીટો માટે પ્રવેશની પ્રક્રિયા હવે હાથ ધરવામાં આવનાર છે. આને લઈને તૈયારીઓ પણ શરૃ થઈ ચુકી છે. ફી ભરવા માટેની પ્રક્રિયાના છેલ્લા દિવસે ૧૬૩ વિદ્યાર્થીઓ પ્રવેશને લઈને દુવિધાભરી સ્થિતિમાં રહ્યા હતા. જ્યારે તેમના પ્રવેશને લઈને કેટલાક વિદ્યાર્થીઓ ગૂંચવણભરી સ્થિતિમાં રહેતા ભાગદોડ કરતા નજરે પડ્યા હતા. અધિકારીઓનું એવું પણ કહેવું છે કે જે ૧૬૭ સીટો ખાલી રહી ગઈ છે તે પૈકી ૧૦૫ જેટલી સીટો મેનજમેન્ટ ક્વોટા માટેની છે. જ્યારે બાકીની અન્ય સીટો છે. સરકારી મેડિકલ કોલેજોમાં કોઈપણ સીટો ખાલી રહી નથી. આ ૧૬૭ સીટો પૈકી ૨૯ સીટો જનરલ કેટેગરીની ખાલી રહી છે. જ્યારે અનુસૂચિત જાતિ માટે એક સીટ અને અનુસૂચિત જનજાતિ માટેની આઠ સીટો ખાલી રહી છે. જ્યારે અન્ય ૨૪ સીટો અન્ય પછાત જાતિઓ માટેની ખાલી રહી છે. જનરલ સીટો વધુ સંખ્યામાં ખાલી રહેવા માટેના પણ કેટલાક કારણો દેખાઈ રહ્યા છે. હજુ સુધી પ્રવેશને લઈને ઘણા વિદ્યાર્થીઓ પુરતી સંખ્યામાં માહિતી નહીં હોવાના લીધે પણ મુશ્કેલી અનુભવી રહ્યા છે હવે જે સીટો ખાલી રહી ગઈ છે તેના માટે વ્યક્તિગત રીતે પ્રવેશ આપવાની પ્રક્રિયા શરૃ થશે. ૧૬૭ મેડિકલની સીટો ખાલી જવાને લઈને વાલીઓ અને વિદ્યાર્થીઓમાં ચર્ચા જોવા મળી રહી છે. જોકે પ્રવેશ મેળવવા માટે વિદ્યાર્થીઓ ભાગદોડ કરી રહ્યા છે. મેડિકલ અને ડેન્ટલ કોર્સ માટે પ્રવેશ માટેની બીજા રાઉન્ડ માટેની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ ઈનપર્સન એડમિશનની પ્રક્રિયા હાથ ધરવામાં આવનાર છે.

(9:21 pm IST)