Gujarati News

Gujarati News

News of Saturday, 18th August 2018

અમદાવાદ : અતિક્રમણો દુર કરવા માટેની કાર્યવાહી જારી

કાર્યવાહીનો દોર હજુ જારી રહે તેવા સ્પષ્ટ સંકેતોઃ નવા વાડજ, અખબારનગર તેમજ આંબલી-બોપલ રોડ વિસ્તારમાં અતિક્રમણો દુર : મંદિરને ખસેડાતા ઉત્તેજના

અમદાવાદ, તા.૧૮: ગુજરાત હાઈકોર્ટના આદેશ બાદ અમદાવાદ શહેરમાં અતિક્રમણોને દુર કરવાની કામગીરી હજુ પણ યથાવત રીતે ચાલી રહી છે. શહેરના જુદા જુદા વિસ્તારમાં આક્રમક કાર્યવાહી કરવામાં આવતા સ્થિતિમાં પણ હવે સુધારો થઈ રહ્યો છે. બીજી બાજુ ટ્રાફિક પોલીસ દ્વારા પણ પોતાની રીતે કાર્યવાહી કરવામાં આવી રહી છે. જેના લીધે આડેધડ પાર્કિંગની સમસ્યા દિન પ્રતિદિન ઓછી થઈ રહી છે. સાથે સાથે રસ્તાઓ પણ ખુલ્લા થઈ રહ્યા છે. શહેરના લોકોને આના લીધે સંતોષ પણ થયો છે. કોર્પોરેશન અને પોલીસની કામગીરીની પ્રશંસા થઈ રહી છે. અતિક્રમણ દુર કરવાની ઝુંબેશના ભાગરૃપે આજે પણ જુદા જુદા વિસ્તારમાં તંત્રના લોકો કર્મચારીઓ સાથે કામગીરીમાં વ્યસ્ત રહ્યા હતા. નવા વાડજ અખબારનગર વિસ્તારમાં અતિક્રમણો દુર કરવામાં આવ્યા હતા. એક મંદિરને પણ હટાવવામાં આવતા સ્થાનિક લોકોમાં ઉત્તેજના ફેલાઈ ગઈ હતી. બીજી બાજુ આંબલી-બોપલ રોડ ઉપર પણ અતિક્રમણોને દુર કરવાની કાર્યવાહી જારી રહી હતી. વર્ષો બાદ એએમસી અને શહેર પોલીસ દ્વારા ટ્રાફિક અને પાર્કિંગના મુદ્દે જબરદસ્ત ડિમોલિશન ડ્રાઇવ અને ટ્રાફિક ઝુંબેશ ચલાવાઇ રહ્યું છે ત્યારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરભરમાં આ અભિયાન અંતર્ગત હાથ ધરાયેલી કામગીરીનો વિગતવાર અહેવાલ જારી કરવામાં આવી ચુક્યો છે. અસરકારક કાર્યવાહીના ભાગરૃપે જ બીજી ઓગસ્ટથી ૧૨મી ઓગસ્ટના ગાળામાં જ વિવિધ વિસ્તારોમાં કુલ મળી ૨૯,૫૨૯થી પણ વધુ ગેરકાયદેસર દબાણો-અતિક્રમણો દૂર કરવામાં આવી ચુક્યા છે. છેલ્લા દસ-બાર દિવસની ડ્રાઇવ અને ઝુંબેશને લઇ અમ્યુકો અને પોલીસ તંત્ર દ્વારા હાથ ધરાયેલી કામગીરીને લઇ સમગ્ર શહેરની આખી સિકલ જ બદલાઇ ગઇ છે. માર્ગો ખુલ્લા અને રોડ-રસ્તા અને ફુટપાથો હવે સુંદર લાગવા માંડ્યા છે.

(9:21 pm IST)