Gujarati News

Gujarati News

News of Saturday, 18th August 2018

વરસાદી સ્થિતિ-આગાહી વચ્ચે રૃપાણીએ સમીક્ષા બેઠક યોજી

જિલ્લા વહીવટી તંત્ર અને અધિકારીઓ એલર્ટ પર : મુખ્યમંત્રીએ તંત્ર-અધિકારીઓને મહત્વપૂર્ણ સૂચના અને નિર્દેશો આપ્યા : પાંચથી વધુ એનડીઆરએફ ટીમ તૈનાત

અમદાવાદ, તા.૧૮ : રાજયમાં ભારે વરસાદની સ્થિતિ અને હજુ ભારે વરસાદની આગાહી વચ્ચે રાજય સરકાર અને વહીવટી તંત્ર ફરી એકવાર હરકતમાં આવ્યા છે. વરસાદની પરિસ્થિતિની ગંભીરતાને ધ્યાનમાં લઇ આજે રાજયના મુખ્યમંત્રી રૃપાણીએ તાત્કાલિક ધોરણે સમીક્ષા બેઠક યોજી હતી અને તંત્રના અધિકારીઓને જરૃરી સૂચના અને નિર્દેશો આપ્યા હતા. રાજયના વિવિધ જિલ્લા-તાલુકાઓમાં વરસાદી માહોલની સ્થિતિ અને સમીક્ષાને લઇ મુખ્યમંત્રી વિજયભાઇ રૃપાણીએ આજે તેમનાં નિવાસ સ્થાને સરકારના સંબંધિત વિભાગોના સચિવો અને ઉચ્ચ અધિકારીઓની એક તાકીદની બેઠક યોજી હતી. ગુજરાત પર સર્જાયેલી વરસાદી સીસ્ટમને લઈને બેઠકમાં ચર્ચા વિચારણા હાથ ધરવામાં આવી હતી, સાથે સાથે હવામાન વિભાગ દ્વારા રાજ્યના અનેક વિસ્તારોમાં ભારે વરસાદની કરાયેલી આગાહી અનુસંધાનમાં તંત્ર દ્વારા અગમચેતીના અને લોકોના જાનમાલના, પશુધનના રક્ષણ અને રાહત-બચાવની કામગીરીને લઇ પણ ખાસ ચર્ચા કરવામાં આવી હતી. મુખ્યમંત્રીએ ભારેથી અતિભારે વરસાદની પરિસ્થિતિમાં તંત્ર દ્વારા શું આગોતરી તૈયારીઓ કરી રખાઇ છે તેને લઇને પણ અધિકારીઓને પૃચ્છા કરી હતી અને તે જાણ્યા બાદ જરૃરી સૂચના અને નિર્દેશા પણ તેઓને આપ્યા હતા. હવામાન વિભાગની દક્ષિણ ગુજરાત તથા સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં અતિભારે વરસાદની આગાહીને ધ્યાનમાં રાખીને ગુજરાત સરકાર દ્વારા એનડીઆરએફની પાંચથી વધુ ટીમ તૈનાત રખાઇ છે. ગુજરાતની વાત કરીએ તો હવામાન વિભાગે રાજ્યના ૨૦ થી વધુ જીલ્લામાં ભારે વરસાદની આગાહી કરી છે, જેમાં બનાસકાંઠા, પાટણ, આણંદ, તાપી, મહેસાણા, અમદાવાદ, નર્મદા, ડાંગ, રાજકોટ, ગાંધીનગર, બરોડા, જુનાગઢ, મનાથ, બોટાદ, સુરેન્દ્રનગર, કચ્છ સહીતના જિલ્લાઓનો સમાવેશ થાય છે. જયારે પંચમહાલ, અમરેલી, ભાવનગર, ખેડા, ગોધરા, અરવલ્લી, સુરત સહીતના જીલ્લાઓમાં અતિ ભારે વરસાદની આગાહી કરાઇ છે, ત્યારે મુખ્યમંત્રી દ્વારા જે તે જિલ્લા વહીવટી તંત્ર અને અધિકારીઓને એલર્ટ કરી સાવધાન રહેવાની તાકીદની સૂચનાઓ જારી કરાઇ હતી.

ઉલ્લેખનીય છે કે, ગુજરાત રાજ્યના ૨૨૩ તાલુકામાં અત્યારસુધીમાં સાર્વત્રિક વરસાદ ખાબક્યો છે. મોસમનો સરેરાશ વરસાદ ૬૨.૦૩ ટકાથી વધુ નોંધાયો છે. બંગાળની ખાડીમાં વરસાદી સિસ્ટમ સક્રિય થવાને કારણે આગામી ૨૪ કલાક દરમિયાન દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતમાં ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. હવામાન ખાતાની આગાહી વચ્ચે અમદાવાદ સહિત મધ્ય ગુજરાતમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના અમુક વિસ્તારોમાં સતત વરસાદ ચાલુ હોવાના અહેવાલો પણ પ્રાપ્ત થઇ રહ્યા છે, જેને લઇ રાજયના ખેડૂતોમાં ખુશીની લાગણી ફેલાઇ છે, તો રાજયના જિલ્લા વહીવટી તંત્રના માણસોને હવામાન ખાતાની આગાહીને લઇ એલર્ટ કરી દેવાયા છે. કેટલાક જિલ્લાઓમાં તો, તંત્ર દ્વારા અધિકારીઓને હેડકવાર્ટર નહી છોડવા પણ કડક તાકીદ કરાઇ છે.

 

(8:49 pm IST)
  • આજે અમદાવાદ ખાતે ગુજરાત ટી ટ્રેડર્સ એસોસિયેશન ની કારોબારી મળેલ જેમા પ્રમુખની ચુટણી મા રાજકોટના દિનેશ કારીયા વિજેતા થયેલ છે. access_time 12:34 am IST

  • સાંજે ૪ વાગ્યા બાદ રાજકોટમાં પવન સાથે જોરદાર વરસાદ શરૂ access_time 4:09 pm IST

  • રાજ્યમાં વરસાદની સ્થિતિની સર્વગ્રાહી સમીક્ષા કરતા વિજયભાઈ રૂપાણી :ગાંધીનગરમાં મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ રાજ્યમાં થયેલ વરસાદની સ્થિતીની સર્વગ્રાહી સમીક્ષા કરી હતી. વરસાદની પરિસ્થિતિની કરી અધિકારીઓ સાથે વિસ્તૃત સમીક્ષા access_time 2:32 pm IST