Gujarati News

Gujarati News

News of Saturday, 18th August 2018

૨૩૩ તાલુકામાં ૧ થી ૬ ઈંચ પાણીદાર વરસાદઃ ઉ. ગુજરાતમાં ૪ ઈંચ

ગુજરાત રાજ્યમાં મેઘરાજા મહેરબાન થતા છેલ્લા ૨૪ કલાકમાં: અમદાવાદમાં ૪ ઈંચથી જળબંબોળ...કચ્છમાં મેઘરાજાની મહેર ૨ ઈંચઃ ગુજરાતમાં સિઝનનો ૬૨ ટકા વરસાદઃ ડાંગમાં ભારે વરસાદને પગલે ૭ કોઝ-વે બંધઃ ૪૦ ગામો સંપર્ક વિહોણા

વાપી, તા. ૧૮ :. મેઘરાજા જાણે પવિત્ર સાતમ-આઠમનો તહેવાર ઉજવતા હોય તેમ રાજ્યના ૩૨ જીલ્લાના ૨૩૩ તાલુકાઓમાં પાણીદાર વરસાદ વરસાવી રહ્યા છે.

રાજ્યના પૂર્વ-મધ્ય અને દક્ષિણ ગુજરાત પંથકમાં ૧ થી ૬ ઈંચ તથા ઉત્તર ગુજરાત પંથકમાં ૧ થી ૩ ઈંચ જ્યારે કચ્છમાં ૨ ઈંચ સુધીનો વરસાદ નોંધાયો છે. રાજ્યના ૧૩૬ જેટલા તાલુકાઓમાં ૧ ઈંચથી વધુ વરસાદ છેલ્લા ૨૪ કલાકમાં નોંધાયો છે. આજે સવારના ૮ વાગ્યા સુધીમાં સિઝનનો કુલ સરેરાશ ૬૨ ટકા જેટલો વરસાદ નોંધાઈ રહ્યો છે. જો કે હજુ પણ ૩૮ ટકા વરસાદની ઘટ જણાઈ રહી છે.

ગુજરાત તથા પાડોશી રાજ્યમાં પડી રહેલ ભારે વરસાદને પગલે ડેમો અને જળાશયોની જળ સપાટી સતત વધી રહી છે, તો સ્થાનિક લોકમાતાઓ પણ હિલોળે ચડી છે. ગુજરાતની જીવાદોરી સમાન નર્મદાની જળસપાટીમાં સતત વધારો થઈ રહ્યો છે, તો ઓરસંગ નદીમાં આવેલ ઘોડાપુરને પગલે વહીવટી તંત્રની આકરી કસોટી થઈ રહી છે.

આવી જ સ્થિતિ દ. ગુજરાત પંથકની પણ છે. અહીં ઉકાઈ ડેમમાં સતત થઈ રહેલ નવા પાણીની આવકને પગલે ઉકાઈની જળસપાટી આજે સવારે ૮ કલાકે સતત વધીને ૩૦૨ ફુટ નજીક પહોંચી છે. ડાંગ પંથકમાં ભારે વરસાદને પગલે ૮ જેટલા કોઝ-વે પાણીમાં ગરક થતા અહીંના આશરે ૪૦ જેટલા ગામો સંપર્ક વિહોણા બન્યા છે. અહીં ગીરમાળનુ એક પશુપાલક દંપતિ પાણીમાં તણાઈ જવા પામ્યુ છે. આ ઉપરાંત ૨ થી ૩ વાહનો પણ તણાઈ જવાના અહેવાલો સાંપડે છે.

આ જ્યારે ઉચ્છલ પંથકના ૩ થી ૪ જેટલા ગામોમાં ગાંડીતુર બનેલ નદીઓના પાણી કેટલાક ઘરોમાં ઘુસી જતા ભારે હાલાકી ઉભી થવા પામી છે. આ બાજુ ગુજરાતના છેવાડાની દમણ ગંગા નદી પણ ગાંડીતુર બની છે. જેને પગલે મધુબન ડેમની જળ સપાટી સતત વધી રહી છે.

ફલડ કંટ્રોલ પાસેથી મળતી માહિતી અનુસાર છેલ્લા ૨૪ કલાકમાં રાજ્યના વિવિધ વિસ્તારોમાં નોંધાયેલ વરસાદના મુખ્યત્વે આંકડાને જોઈએ તો.. સૌ પ્રથમ પૂર્વ અને મધ્ય ગુજરાત વિસ્તારમાં અમદાવાદ જીલ્લાના તાલુકાઓમાં અમદાવાદ સીટી ૧૦૪ મી.મી., બાવળા ૯૯ મી.મી., દસકોઈ ૪૨ મી.મી., દેત્રોજ ૬૮ મી.મી., ધંધુકા ૬૧ મી.મી., ઘોલેરા ૪૦ મી.મી., ધોળકા ૫૩ મી.મી., વિરમગામ ૩૨ મી.મી. અને સાણંદ ૧૧૦ મી.મી. ભારે વરસાદ નોંધાયેલ છે.

ખેડા જિલ્લાના તાલુકાઓમાં ગળતેશ્વર ૨૯૯ મી.મી., કપડવંજ ૧૫૦ મી.મી., કઠલાલ ૮૦ મી.મી., ખેડા ૯૫ મી.મી., મહેમદાબાદ ૮૯ મી.મી., મહુધા ૭૬ મી.મી., માતર ૧૨૨ મી.મી., નડીયાદ ૭૮ મી.મી., ઠાસરા ૪૧ મી.મી. અને વાસો ૯૫ મી.મી. વરસાદ નોંધાયેલ છે.

આ ઉપરાંત આણંદ જિલ્લાના તાલુકાઓમાં આણંદ ૮૩ મી.મી., આંકલાવ ૪૦ મી.મી., બોરસદ ૬૯ મી.મી., ખંભાત ૯૧ મી.મી., પેટલાદ ૯૬ મી.મી., તારાપુર ૮૬ મી.મી., ઉમરેઠ ૩૯ મી.મી. અને સોજીત્રા ૧૧૯ મી.મી. ભારે વરસાદ નોંધાયેલ છે.

વડોદરા જીલ્લાના તાલુકાઓમાં ડભોઈ ૮૯ મી.મી. દેશર ૭૨ મી.મી., કરજણ ૬૩ મી.મી., પાદરા અને સિનોર ૧૭ - ૧૭ મી.મી., સાવલી ૨૧ મી.મી., વાઘોડિયા ૨૨ મી.મી. અને વડોદરા ૫૬ મી.મી. તો છોટા ઉદેપુર, પંચમહાલ, મહીસાગર અને દાહોદ જીલ્લામાં ઝરમરથી ૪ાા ઈંચ સુધીનો વરસાદ નોંધાયેલ છે.

દ. ગુજરાતમાં અહીં ભરૂચ જીલ્લાના તાલુકાઓમાં આમોદ-૩૬ મીમી, અંકલેશ્વર ૪ર મીમી, ભરૂચ ૪૧ મીમી, ઝઘડીયા-ર૮ મીમી, નેગેગ ૩૦ મીમી, હાંસોટ અને જંબુસર રપ-રપ મીમી, વાલીયા ર૩ મીમી અને વાગરા ૮૧ મીમી વરસાદ નોંધાયો છે.

નર્મદા જીલ્લાના તાલુકાઓમાં ગરૂડેશ્વર ૧૭ મીમી, નાંદોદ ર૮ મીમી, સાગબારા ૧પ મીમી અને તિલકવાડા-૩૦ મીમી તો તાપી જીલ્લાના તાલુકાઓમાં સોનગઢ-૪૮ મીમી, વાલોવ-૩૦ મીમી, ડોલવણ ર૦ મીમી અને વ્યારા-૭ર મીમી વરસાદ નોંધાયેલ છે.

સુરત જીલ્લાના તાલુકાઓમાં બારડોલી ૩૮ મીમી, ચોર્યાસી ૩૯ મીમી, કામરેજ ૩૦ મીમી, માંડવી ૪ર મીમી, અલોપાડ-રર મીમી, પલસાણા-૩૬ મીમી, સુરત સીટી-૧૧મીમી ઉમરપાડા પપ મીમી અને માંગરોળ ૮૮ મીમી વરસાદ નોંધાયેલ છે.

જયારે નવસારી જીલ્લાના તાલુકાઓમાં ગણદેવી ર૧ મીમી, ખેરગામ ૧૬ મીમી અને વાંસદા ૧૯ મીમી તો ડાંગ જીલ્લાના તાલુકાઓમાં આહવા ૧૬ મીમી અને વધઇ ૯પ મીમી ભારે વરસાદ નોંધાયેલ છે.

જયારે વલસાડ જીલ્લાના તાલુકાઓમાં કપરાડા ૧પ મીમી, પાટડી રપ મીમી, ઉમરગામ ૧ર મીમી, વલસાડ ૧૧ મીમી અને વાપી ૧૬ મીમી વરસાદ નોંધાયેલ છે.

ઉ.ગુજરાતમાં અહીંયા ૧ થી ૪ ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ મહેર ગાંધીનગર, અરાવલ્લી, સાબરકાંઠા અને બનાસકાંઠા જીલ્લામાં થઇ છે. સાથે સાથે કચ્છમાં પણ મેઘો રીઝતા અહીં પ મીમીથી પ૭ મીમી સુધીનો વરસાદ નોંધાયો છે.

આ લખાઇ રહ્યું છે ત્યારે એટલે કે સવારે ૧૦ કલાકે રાજયના અનેક વિસ્તારોમાં મેઘરાજાના ડોળ વચ્ચે હળવો વરસાદ ચાલુ છે. (૨-૧૪)

(3:30 pm IST)