Gujarati News

Gujarati News

News of Saturday, 18th August 2018

'પનોતી' પોલીસનો પીછો છોડતી નથી કે શું ? અરવલ્લી પીએસઆઈ ગઢવીની અટકાયતઃ ટૂંકાગાળામાં પોલીસ વિવાદની ચોથી ઘટના ઘટી

દારૂનો જથ્થો ઝડપાયા બાદ કલાકો સુધી રેકર્ડ પર ન લેવાનો આરોપઃ રહી રહીને પગલા લેવાયા

રાજકોટ, તા. ૧૮ :. રાજ્યના પોલીસ તંત્રમાં પોલીસ માથે જાણે પનોતી સવાર થઈ હોય તેમ યેનકેન પ્રકારે રાજકીય લોકો સાથે કે બીજા લોકો સાથે ભૂતકાળમાં કયારેય પણ ન થયા હોય તેવા વિવાદ વકરવા લાગ્યા છે. ટૂંકાગાળામાં ચાર-ચાર ઘટના ઘટી છે. જેમાં એકમા તો અટકાયતી કાર્યવાહી સાથે ૩ ઘટનામાં બીન મહત્વના સ્થાનોએ મુકી દેવાયાનું પણ બન્યુ છે.

અરવલ્લી જિલ્લાના પીએસઆઈ શ્રી ગઢવીને સ્ટેટ મોનીટરીંગ સેલે અટકાયત કર્યાનું સૂત્રો જણાવે છે. આમ તો આ ઘટના ૨ જી એપ્રિલની હતી. બનેલુ એવુ કે, અરવલ્લી પંથકમાં દારૂનો મોટો જથ્થો ટ્રકમાં ઝડપાયા બાદ અગત્યની ફરજ પર જવાનુ થવાથી પીએસઆઈ ગઢવી તથા તેની ટીમ દારૂનો જથ્થો જેમનો તેમ રાખી અગત્યની ફરજ પર ચાલ્યા ગયેલ. દરમિયાન પોલીસ તંત્રમાં પરંપરાગત રીતે ચાલતી ખટપટ મુજબ કેટલાકે આ દારૂનો જથ્થો પકડયા બાદ રેકર્ડ પર ન લેવાયાનું અને તેમા હેતુ શુદ્ધ ન હોવાનો આરોપ મુકવામાં આવેલ.

ગાંધીનગર સુધી અને પોલીસ ભવન સુધી ઉચ્ચ કક્ષાએ રજૂઆત થયા બાદ સ્ટેટ મોનીટરીંગ સેલે આ ઘટના બાબતે તપાસ કરી હતી. સંબંધક પીએસઆઈ તથા ટીમે પોતાને અગત્યની ફરજમાં જવાનું હોવાથી કાગળો કરવાના બાકી રાખેલ તેવો સંતોષકારક ખુલાસો આપેલ. સૂત્રોના કથન મુજબ સ્ટેટ મોનીટરીંગ સેલને પણ આ ખુલાસો જે તે સમયે વ્યાજબી લાગ્યાનું માનવામાં આવતુ હતું.

દરમિયાન ગમે તે બન્યુ અને આજે અચાનક સ્ટેટ મોનીટરીંગ સેલે અરવલ્લીના પીએસઆઈ ગઢવીની ઉકત મામલે અટકાયત કરી હોવાનું જાહેર થતા જ ખળભળાટ મચી ગયો હતો. આમ પનોતીએ પોતાનો રંગ દાખવ્યો. રાજ્ય પોલીસ તંત્રમાં ટૂંકાગાળામાં પનોતીના ભોગ બન્યાની આ ચોથી ઘટના છે.  ઉમરેઠના પીએસઆઈ જે.બી. વનારને વિવાદમાં આવી ગુપ્તચર તંત્રમાં (આઈબીમાં) બદલાવુ પડેલ. આ ઘટનાના મુળમાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચેના વિવાદમાં કારણે પક્ષકાર ન બનવાને કારણે બદલી થયાનું પણ સૂત્રો કહે છે.

બીજી ઘટનાની વાત કરીએ તો રાજ્ય પોલીસ તંત્રમાં નાના મોટા તમામ લોકો તથા અધિકારીઓ સાથે ખૂબ જ પ્રેમથી વર્તી અને પોતાની મધુરવાણી માટે જાણીતા મહેસાણા પીએસઆઈ જયદીપ બારોટને પણ પનોતી નડી ગઈ. જયદીપ બારોટના વિશાળ શુભેચ્છકો કે જેમાં મોટો વર્ગ શ્રધ્ધાળુ છે તેઓ એવુ માને છે કે, જયદીપ બારોટ મકર રાશીના છે. હાલમાં મકર રાશીના જાતકોને સાડાસાતીની પનોતી ચાલે છે. તેને કારણે જ કદી વિવાદમાં ન આવતા જયદીપ બારોટ વિવાદમાં ફસાયા. મહેસાણામાં નાયબ મુખ્યમંત્રીના ખાસમખાસના એક કિસ્સામાં વાતનું વતેસર થયુ અને જયદીપ બારોટ આઈબીમાં મુકાઈ ગયા.

ત્રીજી ઘટનાની વાત કરીએ તો રાજકોટની તાજેતરની ઘટના જાણીતી છે. બન્ને પક્ષે એક વડીલની સમજાવટથી ભૂતકાળ ભૂલી બન્ને પ્રેમથી ગળે લાગ્યા, પરંતુ આ ઘટનામાં પણ પનોતી પોલીસને નડયા વગર ન રહી. આમ રાજ્ય પોલીસ તંત્રમાં ટૂંકાગાળામાં ચાર - ચાર વિવાદની ઘટના હવે સમી જશે કે આગળ વધશે ? તેવુ ખાનગીમાં ચર્ચાય રહ્યુ છે.(૨-૧૫)

 

(2:20 pm IST)