Gujarati News

Gujarati News

News of Saturday, 18th August 2018

શ્રાવણ માસની અસર... અડધી થઇ ગઇ ચિકન અને ઇંડાની કિંમતો

ચિકન - ઇંડાની માંગમાં ઘટાડો : એક ઇંડાની કિંમત પાંચ રૂપિયા હતી, જે હવે ઘટીને ૩.૫૦ રૂપિયા

અમદાવાદ તા. ૧૮ : હિન્દુ ધર્મમાં પવિત્ર માનવામાં આવતા શ્રાવણ માસની શરુઆત થઈ ગઈ હોવાના કારણે ચિકન અને ઈંડાની માંગમાં ઘટાડો થયો છે, જેના કારણે કિંમતમાં પણ ૪૦-૫૦ ટકાનો ઘટાડો જોવા મળ્યો છે. ઉલ્લેખનીય છે કે માંસાહારી ભોજન આરોગતા મોટાભાગના હિન્દુઓ શ્રાવણ મહિનામાં માંસાહાર કરાવનું ટાળતા હોય છે.

સામાન્ય રીતે ગુજરાતમાં દરરોજ ૧૫ લાખ ઈંડાનો ઉપયોગ થતો હોય છે, પરંતુ અત્યારે આ આંકડો ઘટીને ૧૦ લાખ થઈ ગયો છે. અત્યાર સુધી એક ઈંડાની કિંમત પાંચ રુપિયા હતી, જે હવે ઘટીને ૩.૫૦ રુપિયા થઈ ગઈ છે. ઉલ્લેખનીય છે કે, સ્ટેટેસ્ટિકસ અનુસાર ૪૦ ટકા ગુજરાતીઓ માંસાહારી છે.

અમદાવાદની એક મોટી એગ સપ્લાયર કંપની પ્યોર એગ્સના માલિત ઈલ્યાસ પંજવાની કહે છે કે, શ્રાવણ માસને કારણે માત્ર અમદાવાદ જ નહીં, પરંતુ આખા ગુજરાતમાં ઈંડાની માંગ ઘટી છે. આના કારણે કિંમત પર અસર થઈ છે. ઈંડાની હોલસેલ કિંમત પાંચ રુપિયાથી ઘટીને ૩.૫૦ રુપિયા થઈ ગઈ છે. અમદાવાદ સહિત આખા ગુજરાતમાં ઈંડાની કિંમતમાં લગભગ ૩૦ ટકા ઘટાડો થયો છે. પહેલા ૧૦૦ ઈંડાની કિંમત ૫૦૦ રુપિયા થતી હતી, જે ઘટીને ૩૫૦ રુપિયા થઈ ગઈ છે.

એક ચિકન અને પોટરી ફાર્મના માલિક સાજીદ છીપા જણાવે છે કે, ચિકનની માંગમાં પચાસ ટકા જેટલો ઘટાડો થયો હોવાને કારણે કિંમત પણ ઘટી છે. પહેલા ચિકનનો ભાવ ૧૮૦થી ૨૧૦ રૂપિયા કિલો હતો, જે હવે ૧૧૦-૧૨૦ પ્રતિ કિલો થઈ ગયો છે. શ્રાવણ મહિનો ચાલતો હોવાને કારણે વેચાણમાં ઘટાડો થયો છે. પાલડી વિસ્તારમાં રહેતા જોહર વોરા કહે છે કે, નોન-વેજ લવર્સ માટે તો આ ઘણો સારો સમય છે. હું સામાન્ય રીતે ૧૮૦ રૂપિયા પ્રતિકિલોના ભાવે ચિકન લાવતો હતો, હવે તે ઘટીને ૧૧૦ થઈ ગયો છે.

શાહીબાગ વિસ્તારમાં રહેતા ધર્મેન્દ્ર પટેલ જણાવે છે કે, હું રેગ્યુલર નોન-વેજ ખાઉ છું, પરંતુ હું શિવ ભકત છું માટે શ્રાવણ મહિનામાં ચિકન અથવા ઈંડાને હાથ પણ નથી લગાવતો.(૨૧.૭)

(10:21 am IST)