Gujarati News

Gujarati News

News of Saturday, 18th August 2018

સુરતના ગીતાંજલિ ગ્રુપ સાથે સંકળાયેલી હોંગકોંગની હીરાની પેઢી ૧૫૦૦ કરોડમાં કાચી પડીઅને

મેહુલ ચોકસીના જમાઇ, કંપનીના સંચાલક ત્રણ દિવસથી ગાયબ : લેણદારોમાં દોડધામ

મુંબઇ તા. ૧૮ : પંજાબ નેશનલ બેંક સાથે કરવામાં આવેલા ફ્રોડ કેસના આરોપી અને ગીતાંજલિ ગ્રૂપના માલિક મેહુલ ચોકસી હાલ તો ભાગેડુ જાહેર કરવામાં આવ્યા છે અને કેન્દ્ર સરકાર તરફથી રેડ કોર્નર નોટીસ પણ ફટકારવામાં આવી છે, જોકે બીજી તરફ મેહુલ ચોકસીના જમાઈ અને વર્ષોથી હોંગકોંગમાં પોલિશ્ડ ડાયમંડના વેપાર સાથે સંકળાયેલા વેપારીની કંપની 'મિસ્ટર ટોની' રૂ.૧૫૦૦ કરોડમાં કાચી પડતા સુરત ઉપરાંત મુંબઈના હીરા ઉદ્યોગમાં ખળભળાટ મચ્યો છે. મેહુલ ચોકસીના જમાઈ અને કંપનીના સંચાલક છેલ્લા ત્રણ દિવસથી ગાયબ થઈ જતા લેણદારો દોડતા થઈ ગયા છે. મિસ્ટર ટોની કંપની દ્વારા હોંગકોંગના કાયદા મુજબ નાદારી નોંધવામાં માટેની કાર્યવાહી પણ શરુ કરવામાં આવી છે.

હોંગકોંગમાં વર્ષોથી પોલિશ્ડ ડાયમંડના કારોબાર સાથે સંકળાયેલી ભારતીય કંપનીની નાદારીથી સ્થાનિક હીરા ઉદ્યોગ ઉપરાંત ભારતમાં સુરત અને ખાસ કરીને મુંબઈના હીરા ઉદ્યોગમાં પણ તેની અસર જોવા મળી રહી છે. આ બંને હીરા ઉદ્યોગમાંથી મોટાપાયે પોલિશ્ડ ડાયમંડને એકસપોર્ટ કરવામાં આવતા હતા, મિસ્ટર ટોની નામની કંપની કાચી પડતા ૫૦૦ કરોડથી વધુની રકમ ભારતીય એકસપોર્ટરોની ફસાઈ હોવાનું બહાર આવ્યું છે.(૨૧.૨)

બોલિવૂડના નાણા પણ ફસાયા હોવાની ચર્ચા

ગીતાંજલી ગ્રુપ સાથે વર્ષોથી બોલીવૂડના સેલિબ્રેટીઝ સંકળાયેલા છે, અને ગીતાંજલીના તમામ એકસપાન્સમાં મોટી રકમ બોલીવૂડમાંથી આવતી હતી, જોકે પંજાબ નેશનલ બેંક સાથેના ફ્રોડ બાદ બોલીવૂડ ધીરે ધીરે ગીતાંજલિ ગ્રૂપથી દૂર થઈ ગયુ છે. મુંબઈ હીરા ઉદ્યોગના સૂત્રો પાસેથી પ્રાપ્ત વિગતો મુજબ મેહુલ ચોકસીના જમાઈ સાથે પણ બોલિવૂડના સેલ્બ્સના સારા સંબંધો રહ્યા છે, તે જોતા મિસ્ટર ટોની કંપનીમાં પણ સેલ્બ્સનું રોકાણ હોવાની શકયતા છે.

(9:33 am IST)