Gujarati News

Gujarati News

News of Saturday, 18th August 2018

૨૪ કલાકમાં નર્મદા ડેમની સપાટીમાં ૩ મીટરનો વધારો

ગુજરાત માટે રાહતના સમાચાર : ઉપવાસના વરસાદથી ધીંગી આવકઃ નર્મદા ડેમની કુલ સપાટી થઇ ૧૧૩.૫૭ મીટર : હજુ આવક ચાલુ

કેવડીયાકોલોની તા. ૧૮ : ઓગસ્ટ મહિનો અડધો થયા બાદ મેઘરાજા મહેરબાન થતાં સરદાર સરોવર નર્મદા ડેમની જળસપાટીમાં ૨૪ કલાકમાં ૩ મીટરનો વધારો થયો છે.

આ વખતે મધ્યપ્રદેશમાં મેઘરાજાનંુ આગમન ન થતા સરદાર સરોવર નર્મદા ડેમની જળસપાટી છેલ્લાં ૧૫ દિવસથી ૧૧૧ મીટરની આજુબાજુ રહેતી હતી. ગુજરાત ઉપરાંત ઉપરવાસમાં પણ વરસાદ પડતા સરદાર સરોવર નર્મદા ડેમની જળસપાટી ૨૪ કલાકમાં ૩ મીટર વધી સપાટી થઇ છે ૧૧૩.૫૭ મીટર.

સરદાર સરોવર નર્મદા ડેમના ઉપરવાસનો વિસ્તાર મધ્યપ્રદેશમાં છે. જે આ નર્મદા ડેમનો કેચમેન્ટ વિસ્તાર છે. જયાં ચોમાસની સિઝનના પ્રારંભમાં પૂરતો વરસાદ થયો ન હતો. પરંતુ છેલ્લા ૨૪ કલાકમાં મેઘ મહેર થતા નર્મદા ડેમની જળસપાટીમાં દર કલાકે બે થી પાંચ સેન્ટિમીટરનો વધારો થયો હતો. ત્યાર પછી બપોર બાદ નર્મદા ડેમની જળસપાટી દર કલાકે ૧૦ થી ૧૪ સે.મી. વધવા લાગી હતી. ઉપરવાસમાં ભારે વરસાદના પગલે ગઇકાલે જે પાણીની આવક માત્ર ૩૪૬૧ કયૂસેક હતી. તેમાં ઘણો વધારો થઇ એક જ દિવસમાં પાણીની આવક ૮૮૫૧૮ કયૂસેક થઇ છે. મુખ્ય કેનાલમાં હાલમાં ૪૧૪૨ કયૂસેક પાણી છોડવામા આવી રહ્યુંુ છે. પાણીની આવક વધવાના કારણે સરદાર સરોવરમાં લાઇવ સ્ટોરેજ ૭૧.૯૯ મિલીયન કયૂબિક મીટર પાણી થઇ ગયંુ છે.

શુક્રવારે સવારે નર્મદા ડેમની જળસપાટી સાત વાગે ૧૧૧.૩૦ મીટર હતી જે બપોરના ૩ કલાકે ૧૧૧.૬૬ મીટરે પહાંેચી ગઇ હતી. જેમાં બપોર બાદ દર કલાકે ૧૦ થી ૧૨ સ.મી.નો વધારો થઇ રહયો હતો. નર્મદા ડેમની પૂર્ણ જળપસાટી ૧૩૮.૬૮ મીટર છે. એટલે હજુ સરદાર સરોવર નર્મદા ડેમ ૨૭ મીટર જેટલો ભરવાનો બાકી છે.

નર્મદા ડેમની નજીકના વિસ્તારમાં ૫૭ મિમી, કેચમેન્ટ વિસ્તારમાં તવા ડેમ વિસ્તારમાં ૧૧ મિમી, બાર્ગી ડેમમાં ૧૨.૨ મિમી, હોસંગાબાદમાં ૭.૨ મિમી, મોરટકકામાં ૭૯.૬ મિમી વરસાદ પડયો હોવાનંુ નોધાયંુ હતું.

નર્મદા ડેમમાં સાંજે પાંચ કલાક બાદ પાણીની આવક ૧,૯૩,૭૭૮ કયૂસેક થઇ ગઇ હતી. પાણીની સપાટીમાં દર કલાકે ૧૮થી ૨૦ સેમીનો વધારો થઇ રહ્યો છે. ડેમ પર જળસપાટી ૧૧૪ મીટરને પહોંચવા આવી છે. (૨૧.૫)

(10:22 am IST)