Gujarati News

Gujarati News

News of Thursday, 18th July 2019

બોરસદની પ સોસાયટી દોઢ કરોડ લિટર જળસંગ્રહ કરે છે

રાજયના લોકો માટે જળસંગ્રહની ઉમદા પ્રેરણા : વરસાદી, ઘરેલુ વેસ્ટ પાણીને ચેમ્બર બાદ કૂવામાં ઉતારી, સ્વચ્છ પાણીને રિવર્સ બોર દ્વારા જમીનમાં ઉતરી દેવાય

અમદાવાદ, તા.૧૮ : ભવિષ્યમાં જળ સંકટની સમસ્યા સર્જાવાની ભીતિને લઈને વડાપ્રધાન દ્વારા જળ સંચય માટે આહવાન કર્યું છે ત્યારે આણંદ જીલ્લાના બોરસદ શહેરની જુદી જુદી પાંચ સોસાયરીના રહીશોએ વરસાદનું તેમજ એક્વાગાર્ડ અને ઘર વપરાશના વેસ્ટ પાણીને રિવર્સ બોર દ્વારા પાણીને જમીન ઉતારી જળસંગ્રહ કરવાની અનોખી વ્યવસ્થા ઉભી કરી અમદાવાદ શહેર સહિત રાજયભરના લોકો માટે એક ઉમદા પ્રેરણા પૂરી પાડી છે. જળસંગ્રહમાં વધારો તથા વરસાદી પાણીનો વેડફાટ અટકાવવા માટેના પ્રયાસરૂપે આ અનોખી પહેલ આરંભાઇ છે. પાંચેય સોસાયટીઓના ૩૦૦ મકાનમાલિકો સરેરાશ વર્ષે દહાડે દોઢ કરોડ લીટર પાણી જમીનમાં ઉતારીને તેનું શુધ્ધિકરણ કરી રહ્યા છે અને જળસંગ્રહનો ઉમદા સંદેશ સમાજમાં ફેલાવી રહ્યા છે. બોરસદની સંસ્કાર, સંકલ્પ, સમર્થ, સહજાનંદ સહિત અનેક સોસાયટીના રહીશોએ જળસંગ્રહ માટે વરસાદી પાણી સહિત ઘરના વેસ્ટ પાણી ખોટુ ના વેડફાઇ તે માટે વર્ષોથી રિવર્સબોરની સિસ્ટમ અપનાવીને પર્યાવરણને જાળવવામાં મદદ રૂપ બની રહ્યાં છે. અન્ય ગામોના લોકો પણ તેમાંથી પ્રેરણા લઇને આ પદ્ધતિ અપનાવે તો જળસંગ્રહ શક્તિમાં વર્ષે દાહડે બે થી પાંચ ટકાનો વધારો કરી શકાય છે. ત્રણ વર્ષ પૂર્વે બોરસદની સંસ્કાર પાર્ક સોસાયટીના રહીશોએ સોસાયટીના વરસાદનું પાણી તેમજ સોસાયટીના ૨૫થી વધુ મકાનોમાંનું એક્વાગાર્ડ અને ઘર વપરાશનું વેસ્ટેજ વહી જતું પાણી રિવર્સ બોર દ્વારા જમીનમાં ઉતારવામાં આવે છે. સોસાયટીમાં અગાઉ વરસાદના પાણીના નિકાલ માટેની વ્યવસ્થા નહીં હોવાથી પાણી ભરાવાની સમસ્યા થતાં જળ સંચયનું આયોજન કરાયું છે. આ ઉપરાંત સમર્થ, સહજાનંદ અને સંકલ્પ સહિત આજુબાજુની સોસાયટીના ૩૦૦થી વધુ મકાનો વરસાદી પાણી જમીનમાં ઉતારવા માટે રિવર્સબોર બનાવાયા છે. ત્રણ વર્ષ અગાઉ ચોમાસામાં વરસાદ પડે ત્યારે સોસાયટીમાં પાણી ભરાવાની સમસ્યાનો સામનો કરવો પડતો હતો. જેથી તેના કાયમી નિવારણ માટે સોસાયટીના રહીશોએ બે રિવર્સબોર બનાવીને વરસાદી પાણી સહિત ઘરવપરાશનું પાણી શુદ્ધ કરીને જમીનમાં ઉતારવાનો પ્રયાસ કર્યો હતો. તેમાં સફળ પણ થયા હતા.  સ્થાનિક રહીશો મેહુલભાઈ પટેલ, વિજયભાઇ પટેલ અને મંદાકિનીબહેન પંડયાએ જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા વરસાદી પાણીને જમીનમાં ઉતારી જળ સંચયનો સંદેશ અપાયો છે. ત્યારે સોસાયટીના રહીશોએ આ વિચારને અમલ મૂકીને પાણી ભરાવાની સમસ્યાનું નિરાકરણ શોધી કાઢયું હતું. માત્ર ૫૦ હજારના નજીવા ખર્ચે રિવર્સ બોર બનાવીને પાણી વેસ્ટ જતું અટકાવવાનો પ્રયાસ કર્યો હતો. સાથે સાથે કુદરતી સંપતિને બચાવવામાં અમે સૌ સહભાગી બન્યા છે જે અમારા માટે આનંદની વાત છે. આપણે જળ બચાવીસુ તો જ આપણી આવનારી પેઢીને જળ સંકટનો સામનો કરવો પડશે નહીં. ચોમાસામાં વરસાદ પડે ત્યારે ૪ માસ દરમિયાન તમામ સોસાયટીના મકાનોમાંથી એક કરોડ લીટરથી વધુ પાણી ખોટુ વહી જતું હતું. તેમજ ઘરવપરાશ તથા એક્વાગાર્ડનો વેસ્ટ પાણી મળીને ૫૦ લાખ લીટર પાણીનો બગાડ અંદાજે થતો હતો. તે તમામ સોસાયટીના રહીશોના પ્રયાસથી રિવર્સબોર દ્વારા પાણી શુદ્ધ કરીને જમીનમાં ઉતારવામાં આવે છે.  રિચાર્જ બોરથી પાણી શુદ્ધ કરી જમીનમાં ઉતારી જળસગ્રંહ શક્તિ વધારી શકાય તે હેતુથી વરસાદી તથા વેસ્ટ પાણી પાઇપ લાઇન દ્વારા ભૂગર્ભ ચેમ્બર્સમાં ઉતારવામાં આવે છે. સોસાયટીમાં ૫ાંચ ચેમ્બર બનાવાઈ છે. આ ચેમ્બર્સમાં પાણી એક કુવામાં ઉતારવામાં આવે છે. જ્યાં કચરો જમીનમાં બેસી ગયા બાદ સ્વચ્છ પાણી પાઇપ લાઇન દ્વારા ૨૫૦ ફૂટ ઊંડા રિવર્સ બોર દ્વારા જમીનમાં ઉતારવામાં આવે છે. ૪૦ ફુટ બાય ૪૦ ફુટના બનાવેલા કુવામાં પથ્થરો નાખી ૨૫૦ ફુટ ઉંડો રિવર્સબોર બનાવેલો છે. જેથી રિચાર્જ બોરમાં માત્ર સ્વચ્છ પાણી જ ઉતરવામાં આવે છે. જમીનમાં સ્વચ્છ પાણી ઉતરે રિચાર્જ બોર દ્વારા ઉતારાય છે.

(9:35 pm IST)