Gujarati News

Gujarati News

News of Thursday, 18th July 2019

કોંગ્રેસ પાર્ટી માત્ર સ્વાર્થની રાજનીતિ કરે છે : અલ્પેશ ઠાકોર

કોંગ્રેસમાં કોઇપણ ભવિષ્ય હોવાનો ઇન્કાર કર્યો : કોંગ્રેસમાં રહીને પણ ગરીબ અને સામાન્ય લોકોના હિતની વાત કરી હતી પરંતુ કોંગ્રેસમાં કોઇ સાંભળતું નથી : અલ્પેશ ઠાકોર

અમદાવાદ, તા.૧૮ : ભારતીય જનતા પાર્ટીમાં વિધિવતરીતે સામેલ થયા બાદ અલ્પેશ ઠાકોરે કોંગ્રેસ પાર્ટી ઉપર આકરા પ્રહારો કર્યા હતા અને કહ્યું હતું કે, તમામ અટકળોનો હવે અંત આવી ગયો છે. કોંગ્રેસ છોડવા માટે અનેક કારણો રહ્યા છે જેનાથી તમામ લોકો વાકેફ પણ છે. કોંગ્રેસ પાર્ટી ગરીબ અને આદિવાસીની સેવા કરવાની પોતાની વિચારધારાથી ભટકી ચુકી છે.

માત્ર સ્વાર્થની રાજનીતિ રમી રહી છે. અલ્પેશે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું હતું કે, ગરીબ અને સામાન્ય વર્ગના લોકોની સેવા કરવા માટે સત્તામા હોવાની બાબત ખુબ જરૂરી છે. કોંગ્રેસમાં રહીને પણ ગરીબ અને સામાન્ય લોકોના હિતની વાત કરી હતી પરંતુ ત્યાં સાંભળનાર કોઇ વ્યક્તિ નથી. અલ્પેશે કહ્યું હતું કે, દેશ અને પ્રદેશની જનતાએ જે નેતૃત્વ પર વિશ્વાસ કર્યો છે તેઓએ પણ તેની જ પસંદગી કરી છે. વિકાસની ભાવના સાથે ભારતીય જનતા પાર્ટી કામ કરી રહી છે.

દેશને વિકાસની નવી ઉંચાઈ ઉપર લઇ જવા માટે કામો થઇ રહ્યા છે. કોંગ્રેસમાં ભવિષ્ય દેખાઈ રહ્યું નથી. રાષ્ટ્રીય અધ્યક્ષ જેવા પદ પર પણ કોઇની નિમણૂંક થઇ નથી. ભાજપમાં ઉમળકાભર્યા આવકારને લઇ અલ્પેશ ઠાકોરે મુખ્યમંત્રી વિજય રૂપાણી, જીતુ વાઘાણી અને ભાજપનો આભાર માન્યો હતો અને જણાવ્યું હતું કે, સમગ્ર દેશના લોકો જેના નેતૃત્વ પર ભરોસો કરે છે તે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમિતભાઈથી તમે વાકેફ છો. કયા કારણસર આ પરિસ્થિતિનું નિર્માણ થયું તેના અનેક સવાલો છે. આ પરિસ્થિતિ અંગે મારે વધારે કંઈ કહેવુ નથી. કોંગ્રેસમાં લોકહિત માટે રાજનીતિ થતી નથી.

ભાજપમાં સામાન્ય લોકોનું પણ સાંભળવામાં આવે છે. કોંગ્રેસમાં સ્વાર્થની રાજનીતિ થાય છે. કોંગ્રેસની નબળાઈથી બધા વાકેફ છે. કોંગ્રેસમાં જૂથવાદ ચરમસીમાએ છે. કોઈ બાળકને સ્કૂલમાં સારું ભણાવવામાં આવતા ના હોય તો તેની સ્કૂલ બદલવામાં આવે છે. બસ આ રીતે જ હું ભાજપમાં આવ્યો છું. ભાજપ એક ગુરૂકુળ છે. જો કે, કોંગ્રેસમાં કદાવર નેતા બનેલા અલ્પેશ ભાજપમાં વેતરાયા છે.

(9:00 pm IST)