Gujarati News

Gujarati News

News of Thursday, 18th July 2019

પત્નિના નાક પર પતિએ બચકું ભરતા ટાંકા લેવાની ફરજ પડી

પૈસા બાબતે પતિ-પત્ની વચ્ચે ઝઘડો થતાં બનાવ : વટવામાં પતિ અને પત્નિ વચ્ચેના ઝઘડાના બનાવને લઇને ચકચાર : વટવા પોલીસની ફરિયાદ નોંધીને વધુ ચકાસણી

અમદાવાદ, તા.૧૮ : શહેરના ઘોડાસર વિસ્તારમાં રહેતા દંપતિ વચ્ચે થયેલા ઝઘડામાં બેરોજગાર પતિએ એક તબક્કે ગુસ્સા અને આવેશમાં આવી જઇ પત્નીના નાકે બચકું ભરી લીધું હતું. મહિલાને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવાની ફરજ પડી હતી, જ્યારે ડોક્ટરે પત્નીના નાક પર ૧૫ જેટલા ટાંકા લેવાની ફરજ પડી હતી.

 પાકીટમાંથી પૈસા લેવા બાબતે પતિ-પત્ની વચ્ચે ઝઘડો થયો હતો. આ બનાવને લઇ સમગ્ર વટવા પોલીસે પતિ વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. આ અંગેની વિગત એવી છે કે, શહેરના ઘોડાસર વિસ્તારમાં આવેલા રાજપથ બંગલોઝમાં રહેતા રેશમબહેન ફૂલવાની પ્લાસ્ટિક નામની દુકાનમાં નોકરી કરે છે અને તેમના પતિ કૈલાસભાઈ ફૂલવાની કોઈ કામધંધો કરતા નથી. બે દિવસ પહેલાં સવારના નવ વાગ્યાની આસપાસ રેશમબહેનના પતિ ઘરે હાજર હતા અને તેમનાં ત્રણ બાળકો સ્કૂલ-કોલેજ ગયાં હતાં તે સમયે રેશમબહેનને પૈસાની જરૂર હોવાથી તે તેમના રૂમમાં ગયાં હતાં અને તેમણે તિજોરીમાંથી પાકીટ કાઢ્યું હતું, પરંતુ પાકીટમાં તેમણે મૂકેલા ૩૦૦૦ રૂપિયા ન હતા.

રેશમબહેને પતિને પૂછ્યું કે, મારા પાકીટમાંથી પૈસા તમે લીધા છે, જેના જવાબમાં કૈલાસભાઇએ ના પાડી હતી. થોડી વાર પછી રેશમબહેન ઘરના હોલમાં હતાં ત્યારે તેમના પતિ ત્યાં આવતાં રેશમબહેને પૈસા બાબતે પતિને ફરી પૂછ્યું કે, મારા પૈસા તમે લીધા છે, જે વાતનું પતિને ખોટું લાગતાં તેણે રેશમબહેન સાથે ઝઘડો કરી ગાળાગાળી કરી હતી. એટલું જ નહીં, રેશમબહેનના વાળ પકડીને નીચે પાડી ગડદાપાટુનો માર મારી ગળાના ભાગે નખ મારી દીધા હતા. જો કે, આટલેથી રેશમબહેનના પતિ અટક્યા ન હતા. તેમણે રેશમબહેનના નાક પર એકદમ જોરદાર બચકું ભરી લેતા તેમના નાક પરથી લોહી વહેવા લાગ્યું હતું.

પતિએ રેશમબહેનને વધુ માર મારતાં તેમણે બૂમાબૂમ કરતાં આસપાસના લોકો આવી ગયા અને રેશમબહેનને નાક પર ઇજા થતાં એલજી હોસ્પિટલના આઇસીયુમાં દાખલ કરવામાં આવ્યાં હતાં. પતિએ રેશમબહેનના નાક પર એટલું જોરદાર બચકું ભર્યું હતું કે તેમને ૧૫ ટાંકા લેવા પડયા હતા.હાલ રેશમબહેને તેમના પતિ વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવતાં પોલીસે આ અંગે ગુનો નોંધી સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે.

(9:02 pm IST)