Gujarati News

Gujarati News

News of Thursday, 18th July 2019

જીગ્નેશ મેવાણીને ફટકો : આગોતરા જામીન અરજીને કોર્ટે ફગાવી

વલસાડની સ્કૂલનો વિડિયો પોસ્ટ કરાયો હતો : વલસાડમાં આરએમવીએમ સ્કૂલનો એક વિડિયો પોસ્ટ કરીને પીએમઓ પાસે ખુલાસો માંગતાં ફરિયાદ થઇ હતી

અમદાવાદ, તા.૧૮ : વલસાડમાં આરએમવીએમ સ્કૂલનો એક વિવાદીત વીડિયો પોસ્ટ કરીને પીએમઓ પાસે ખુલાસો માંગવાના ચકચારભર્યા કેસમાં વડગામના અપક્ષ ધારાસભ્ય જીગ્નેશ મેવાણીની આગોતરા જામીન અરજી વલસાડ કોર્ટે આકરા વલણ સાથે ફગાવી દીધી છે. નીચલી કોર્ટમાંથી રાહત નહી મળતાં હવે જીગ્નેશ મેવાણીને ગુજરાત હાઇકોર્ટમાં આગોતરા જામીન અરજી દાખલ કરવી પડે તેવી સ્થિતિ બની છે.

વલસાડની આરએમ વીએમ સ્કુલના નામે જીગ્નેશ મેવાણીએ ટ્વિટર પર ટિપ્પણી કરતી એક પોસ્ટ કરી હતી. જેના કારણે જીગ્નેશ મેવાણી વિરુદ્ધ વલસાડ સીટી પોલીસમથકમાં ફરિયાદ દાખલ થઇ હતી. ધારાસભ્ય જીગ્નેશ મેવાણીએ વલસાડની આરએમ વીએમ સ્કુલના નામે વિદ્યાર્થીને માર મારતો એક વીડિયો પોસ્ટ કર્યો હતો. વાયરલ વીડિયોને મેવાણીએ વલસાડની સ્કૂલનો દર્શાવ્યો હતો. આટલું જ નહીં, મેવાણીએ આ વીડિયો પોસ્ટ કરીને સ્કૂલ વિરુદ્ધ ટિપ્પણી કરીને પીએમઓ પાસે ખુલાસા માંગ્યા હતા. ચકચારભર્યા આ કેસમાં આજે વલસાડ કોર્ટે જીગ્નેશ મેવાણીના આગોતરા જામીન નામંજૂર કર્યા હતા.

કોર્ટે જીગ્નેશ મેવાણીના આગોતરા જામીન ફગાવ્યા છે. જીગ્નેશ મેવાણીના આ ટ્વિટના કારણે રાજ્યમાં વિવાદ ઉભો થયો હતો અને વિવાદ વધતા મેવાણીએ પોતાના ટ્વિટર હેન્ડલ પરથી ટ્વિટ હટાવવાની ફરજ પડી હતી. આ મામલો મે મહિનાનો છે. જ્યારે ટ્વીટર પર મેવાણીએ આ વીડિયો પોસ્ટ કર્યો ત્યારે શાળાએ ખુલાસો આપ્યો હતો કે, આ વીડિયો અમારી શાળાનો નથી અને અંતે શાળાએ પોલીસ ફરિયાદ કરી હતી. જીગ્નેશ મેવાણી વિરુદ્ધ આરએમવીએમ શાળાના આચાર્યએ સીટી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.આમ સ્કૂલના વિદ્યાર્થીઓને માર મારતો વાયરલ થયેલ એક ફેક ન્યુઝને જીગ્નેશ મેવાણીએ ટ્વિટ કરી શાળાને બદનામ કરી હતી. જો કે, શાળાના આચાર્ય દ્વારા વલસાડ સીટી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવાતા મામલો ગરમાયો હતો. જીગ્નેશ મેવાણીએ આ ઘટના સામે આવ્યા બાદ પોતાનો પક્ષ રાખ્યો હતો. મેવાણીએ કહ્યું કે, આ ફરિયાદ નકામી છે. મે શાળાના સંચાલકોને માઠું ન લાગે તેથી મેં માફી માંગી હતી. તેમ છતાં ગુનો દાખલ થયો હોવાથી આ એફઆઈઆર ટકી શકશે નહીં. મેં તો સરકાર પાસેથી ખુલાસો માંગ્યો હતો, મેં ક્યાંય આક્ષેપ કર્યો નહોતો.

(7:44 pm IST)