Gujarati News

Gujarati News

News of Thursday, 18th July 2019

કપડવંજ-આંતરોલી સીમમાંથી પસાર થતી નર્મદાની મુખ્ય કેનાલમાંથી આધેડની લાશ મળી આવતા તપાસ શરૂ

કપડવંજ: તાલુકાના આંતરોલીથી કૈલાસનગર તરફ જતી નર્મદાની મુખ્ય કેનાલમાંથી એક આધેડ વયની વ્યક્તિની લાશ મળી આવી છે. આતરસુંબા પોલીસને કેનાલમાં લાશ મળી હોવાની જાણ થતા પોલીસે સ્થળ પર આવી લાશને બહાર કાઢાવી હતી. જે બાદ મૃતકની લાશને પોષ્ટમોર્ટમ માટે કપડવંજની હોસ્પિટલમાં મોકલી અપાઇ હતી. કેનાલ પરથી મળી આવેલી ચીજ વસ્તુઓના સહારે પોલીસે મૃતકની ઓળખ અને મૃત્યુનું કારણ જાણવા તપાસ હાથ ધરી છે. 

કપડવંજના આંતરોલીથી કૈલાસનગર તરફ જતા નર્મદાની મુખ્ય કેનાલ આવેલી છે. આજે સવારના સમયે પોલીસને માહિતી મળી હતી કે આ કેનાલમાં એક લાશ તરી રહી છે. જેથી પોલીસે કેનાલ પર આવી તૈરવૈયાઓ દ્વારા લાશને બહાર કઢાવી હતી. લાશને જોતા ૪૫-૫૦ વર્ષના આસરાનો કોઇ આધેડ હોવાનું જાણવા મળ્યું હતુ. જોકે લાશના કપડામાંથી કોઇ ઓળખકાર્ડ કે અન્ય ચીજવસ્તુ મળી આવી ન હતી. જેથી પોલીસે મૃતકની ઓળખ મેળવવા તપાસ હાથ ધરી છે. કેનાલની પાળી પરથી પોલીસને મૃતકના ચપ્પલ, એક નાનો રૂમાલ અને નાનું ચપ્પુ મળી આવ્યું છે. જોકે કેનાલમાં લાશ પાસેથી એક તૂટેલો બેલ્ટ પણ મળ્યો છે, જેનુ બક્કલ તૂટેલી હાલતમાં છે. જેના પરથી આશંકા સેવાઇ રહી છે કે આજ બેલ્ટથી આધેડને ગળે ટુંપો આપી તેની હત્યા કરાઈ હોઈ શકે છે. 

(5:26 pm IST)