Gujarati News

Gujarati News

News of Thursday, 18th July 2019

અમદાવાદમાં થેલેસેમીયાપીડિત યુવતિએ બાળકને જન્મ આપ્યોઃ ગુજરાતનો પ્રથમ કિસ્સો

અમદાવાદ: બાળકના જન્મના ત્રણ મહિનામાં જ જો માતા-પિતાને ખ્યાલ આવે કે તેમનું બાળક થેલેસેમિયાનો શિકાર છે. અને તે જીવે ત્યાં સુધી તેને લોહી ચઢાવવું પડશે તો શું તે સમયે એક માતા-પિતા તેમના બાળકનું ભવિષ્ય વિચારી શકે ખરા...? બાળકની કોઇપણ સ્થિતિમાં જાન રેડી દેતા એવા માતા-પિતા પોતાના બાળકના ભવિષ્ય માટે કાઈપણ કરી છૂટે છે ત્યારે થેલેમેસીયાગ્રસ્ત તેમનું બાળક સંસાર વસાવી શકશે તેવું માની શકાય તેમ નથી. પરંતુ એક એવો કિસ્સો સામે આવ્યો છે કે, જેમાં થેલેમેસીયા પીડિત યુવતી જીવન જીવી જ નથી રહી પરંતુ એક બાળકીની માતા પણ બની ચુકી છે.

જન્મના 3 મહિનાથી જ થેલેસેમિયા પીડિત હોવા છતાં 26 વર્ષીય યુવતી કિંજલ લાઠીએ એક બાળકીને જન્મ આપ્યો છે. થેલેમેસીયા પીડિત યુવતીએ બાળકને જન્મ આપ્યો હોય તેવો ગુજરાતમાં આ પહેલો કિસ્સો હોવાનું ડોક્ટર અનીલ ખત્રીનું કહેવું છે. જ્યારે દેશભરમાં અત્યાર સુધી માત્ર 5 થી 6 કેસમાં થેલેસેમિયાગ્રસ્ત મહિલા માતા બની હોય તેવું શક્ય બન્યું છે. વાત કરીએ તો કિંજલને અત્યાર સુધી આશરે 500 વખત લોહી ચઢાવવામાં આવ્યું છે તો સાથે જ ગર્ભવતી થઈ તે સમયે વધુ લોહીની જરૂર પડી તો સાથે થેલેસેમીયાના દર્દીઓને લેવી પડતી દવાઓ કિંજલને બંધ કરવી પડી અને ગર્ભવતી હોવાની દવાઓ આપવી પડી તો સાથે જ ડેસપરલ ઈન્જેકશન દરરોજ એક પંપ વડે શરીરમાં 10 થી 12 કલાક આપવામાં આવ્યું અને અંતે તેમા સફળતા મળી હતી.

 કોઈ પણ યુવક કે યુવતી થેલેસેમિયા પીડિત હોય તો તેની સાથે લગ્ન કરવા કોઈ તૈયાર થતું હોતું નથી. એવામાં થેલેસેમિયાગ્રસ્ત એવી કિંજલ સાથે તેના જ પાડોશમાં રહેતા નવીનને પ્રેમ થઈ ગયો. નવીનના પરિવારને જ્યારે કિંજલને થેલેસેમિયા હોવાની જાણ થઈ ત્યારે આ નિ:સ્વાર્થ પ્રેમને વિરોધ પણ સહન કરવાનો વારો આવ્યો પરંતુ પ્રેમ તો પ્રેમ છે જેમાં કોઈ સ્વાર્થનાં હોય. નવીને જીદ પકડી કે તે લગ્ન કરશેતો કિંજલ સાથે જ પછી ભલે તેને થેલેસેમિયા જ કેમનાં હોય.

આખરે સાચા પ્રેમ સામે બંને પરિવારોએ ઝૂકવું પડ્યું અને બંને પરિવારની સંમતી સાથે લગ્ન થયા હતા. અને હવે તો લગ્નના ત્રણ વર્ષ બાદ આ થેલેસેમિયાગ્રસ્ત કિંજલે એક બાળકીને પણ જન્મ આપ્યો છે. હાલ તો કિંજલ અને તેની 2 કિલો 700 ગ્રામની જન્મેલી પુત્રીની તબિયત પણ સ્વસ્થ્ય છે.

 તમે પ્રેમ કરો છો તે યુવતી થેલેસેમિયાગ્રસ્ત છે. છતાં પણ પ્રેમ થયા બાદ તે જ યુવતી સાથે લગ્ન કરવાનીનાં માત્ર જીદ પણ આખરે પરિવારજનોને પણ મનાવી લેવાની હિમત ખરેખર સાચા પ્રેમની નિશાની છે. થેલેસેમિયાગ્રસ્ત કિંજલના પ્રેમમાં પડનાર નવીન જણાવે છે કે, તેની પત્ની કિંજલને થેલેસેમિયા છે તેનાથી તેને કોઈ ફર્ક નથી પડતો સમસ્યા તો સૌ કોઈના જીવનમાં આવે છે. કદાચ અમારા જીવનમાં અન્ય કરતા વધુ સમસ્યા હોઈ શકે છે પરંતુ શરૂઆતમાં પરિવારજનોને સમજાવ્યા બાદ જ્યારે અમારા લગ્ન થયા અને હવે પુત્રીનો જન્મ થયો છે. ત્યારે અમારી સાથે કોઈ સમસ્યા છે જ નહીં તેવો અહેસાર થઈ રહ્યો છે.

 થેલેમેસીયાગ્રસ્ત કિંજલ માતા બની શકી એ વાત અન્ય થેલેસેમિયાગ્રસ્ત મહિલાઓ માટે સારા સમાચાર કહી શકાય. દર 15 દિવસે જે રોગમાં લોહી ચઢાવવું પડે છે ત્યારે ડોક્ટરો દર્દી કેટલું જીવશે તેની પણ ખાતરી આપી શકતા નથી હોતા. એવામાં આ કિસ્સો થેલેસેમિયાગ્રસ્ત દર્દીઓમાં નવા પ્રાણ પૂરી શકે છે અને ભવિષ્યને લઈને નવી તાકાતનું સંચાર પણ કરી શકે છે.

(5:17 pm IST)