Gujarati News

Gujarati News

News of Thursday, 18th July 2019

ડુમો ભરીને બેઠેલા વાદળો હવે રડી લે તો સારૃં!

હજુ અઠવાડિયુ વરસાદની આગાહી નથીઃ ચિંતા મુશળધાર

રપ થી ૩૦ જુલાઇ વચ્ચે સારો વરસાદ થવાનું હવામાન શાસ્ત્રીઓનું આશ્વાસનઃ આજે દસકોઇમાં અડધો ઇંચ, અન્ય ૧પ તાલુકાઓમાં હળવા ઝાપટા

રાજકોટ, તા. ૧૮ :. ગુજરાતભરમાં વરસાદ ખેંચાતા ચિંતાના વાદળો ઘટાટોપ થઈ રહ્યા છે. ખેડૂતો અને તમામ વર્ગના લોકોમાં નવુ વર્ષ માઠુ વર્ષ થવાનો ભય વ્યાપી ગયો છે. જુલાઈ મહિનાના ૧૮ દિવસ વીતી ગયા છતા હજુ ખેતી કે પીવાના પાણીની બાબતમાં કયાંય આશાસ્પદ ચિત્ર નથી. હવામાન ખાતાએ આ વખતે અવારનવાર કરેલી આગાહી અસત્ય પુરવાર થઈ છે. હવામાન નિષ્ણાંતોએ હવે તા. ૨૦ થી ૨૫ વચ્ચે સારો વરસાદ થવાની આશ્વાસનરૂપ આગાહી કરી છે. તા. ૨૫ સુધીની કોઈ આગાહી નથી. તેનો મતલબ એવો થાય કે હજુ એક અઠવાડીયુ વરસાદની કોઈ શકયતા દેખાતી નથી. કુદરતી રીતે વાતાવરણ બદલાય તો ગમે ત્યારે ગમે તે થઈ શકે છે.

ગુજરાતમાં સરેરાશ મોસમના કુલ વરસાદનો ૨૪ ટકા જેટલો જ વરસાદ નોંધાયો છે. વરસાદ માટે અષાઢ એકદમ મહત્વનો મહિનો ગણાય છે તે કોરોધાકોડ જઈ રહ્યો છે. આજે સવારે ૬ વાગ્યાથી બપોરે ૨ વાગ્યા સુધીમાં અમદાવાદ જિલ્લાના દસકોઈમાં ૧૩ મી.મી. વરસાદ પડયો છે. નવસારીના ગણદેવીમાં ૮ મી.મી. અને ચીખલીમાં ૬ મી.મી. વરસાદ નોંધાયો છે. તે સિવાય આજે તાલાળા, કુતિયાણા, મહુવા, પારડી, વાપી, ધરમપુર, સોનગઢ, વ્યારા વગેરેમાં હળવા ઝાપટા થયા છે. કયાંય નોંધપાત્ર વરસાદના વાવડ નથી. કેટલાક સ્થળોએ વાદળો ઘેરાય છે પરંતુ વરસાદ થતો નથી.

ચોમાસાના નિર્ણાયક દિવસો ફટાફટ પસાર થવા લાગતા ખેડૂતોની ચિંતા વધતી જાય છે. સોળઆની વર્ષની આશા પર પાણી ફરી વળ્યુ છે. હવે વાવેતર માટેની ચિંતા છે. સૌરાષ્ટ્રમાં મુખ્યત્વે કપાસ અને મગફળીનંુ વાવેતર થાય છે. બન્નેની વાવણી થઈ ગયા બાદ વરસાદ ન થતા ખેડૂતોના મનમા ચિંતા ઉગી નીકળી છે. બજારની રોનક કૃષિ આધારીત હોય છે. ગયુ નબળુ વર્ષ ગયા પછી ફરી આ વર્ષે નબળા વર્ષના અમંગળ એંધાણ વર્તાતા લોકો મેઘરાજાને મનાવવા પ્રાર્થના કરવા લાગ્યા છે. હજુ ચોમાસાનો ઘણો સમય બાકી છે. ખેતી અને પીવાના પાણીની બાબતમાં ઈશ્વર કૃપા કરશે તેવો લોકોનો વિશ્વાસ અકબંધ છે.

(3:36 pm IST)