Gujarati News

Gujarati News

News of Thursday, 18th July 2019

બનાસકાંઠા જિલ્લામાં હજારો હેક્ટરમાં ખારાશ વધતા ઉપજાઉ શકિતમ ઘટાડો : ખેતીની જમીન બંજર બની

અતિવૃષ્ટિએ પંથકની જમીનનું ચિત્ર બદલી નાખ્યુ હોવાથી ખેડુતોને મોટો ફટકો

 

બનાસકાંઠા જિલ્લામાં હજારો હેકટર જમીનમાં ખારાશ વધતા ઉપજાઉ શક્તિમાં ઘટાડો થયો છે તેમજ ખેતીની જમીનો બંજર બનતા ખેડૂતોને મોટો ફટકો પડ્યો છે જિલ્લાના સરહદી વિસ્તારના ગામડાઓમાં હજારો હેક્ટર જમીનમાં ખારાશ વધી છે.વાવેતરની સીઝન છતાં ખેતીલાયક જમીન બંજર હોવાનું સામે આવ્યુ છે. બે વખતની અતિવૃષ્ટિને પગલે જીલ્લામાં જમીનની ભૌગોલિક સ્થિતિ બદલાઇ ગઇ છે. જેનાથી ખેતીની જમીન બિનઉપજાઉ થતાં ખેડુતો માટે ભયાનક સ્થિતિ બની છે.

    સુઇગામ તાલુકામાં વર્ષ 2015 અને 2017માં પુર પરિસ્થિતિને પગલે જમીનમાં ઉથલપાથલ મચી ગઇ છે. વાવ અને સુઇગામ તાલુકાના જલોયા, માવસરી, અસારા, લોદ્રણી, નાલોદર અને ભરડવા સહિતના ગામોની ખેતીલાયક જમીનમાં ખારાશ આવી જતા વાવેતર માટે નિષ્ફળ જતી હોવાનું સામે આવ્યુ છે. અતિવૃષ્ટિએ પંથકની જમીનનું ચિત્ર બદલી નાખ્યુ હોવાથી ખેડુતોને મોટી ફટકાર પડી છે.

    જાણકારોના માનવા મુજબ જમીનમાં ખારાશ વધતા ઉપજાઉ શકિત ઘટી રહી હોવાથી હજારો એકર જમીન બંજર પડી રહે તેમ છે. ઓછામાં પુરૂ ગત વર્ષે અને હાલમાં પણ વરસાદ હોવાથી ખેડુતોએ બેવડો માર પડી રહ્યો છે. કૃષિ આવક ઘટી જવા સાથે નાના અને સીમાંત ખેડુતો ઘઉં અને બાજરી સહિતનુ બાર મહિનાનુ અનાજ પણ ગુમાવી રહ્યા છે

ખેડુતોની માંગણી છે કે, સરકાર બે વખતની અતિવૃષ્ટિ બાદ ખેતીલાયક જમીનનો સર્વે કરાવી ખારાશ વધી હોય તો વિશેષ પ્રોજેક્ટ તૈયાર કરે. જેમાં જમીનની ઉપજાઉ શકિત વધારવા સાથે ખારાશ વધતી અટકાવવા પગલા ભરે. ઉલ્લેખનિય છે કે, સુઇગામ અને વાવના અનેક ખેડુતોને જમીન હોવા છતાં રોજગારી માટે અન્ય સ્થળે જવાની તેમજ વ્યવસાય બદલવાની ફરજ પડી છે

(12:11 am IST)