Gujarati News

Gujarati News

News of Thursday, 18th July 2019

કોંગીને જાકારો આપી ભાજપમાં જોડાવવા માટે સિલસિલો જારી

કોંગ્રેસ દેશમાં મૃતપાય બની છે : જીતુ વાઘાણી : ભાજપની વિકાસલક્ષી રાજનીતિમાં જોડાવવા માટે બધાને આમંત્રણ છે : બોટાદ નપાના છ કોંગ્રેસી સભ્યો ભાજપમાં

અમદાવાદ,તા.૧૭ : કોંગ્રેસ પાર્ટીને જાકારો આપી ભારતીય જનતા પાર્ટીમાં જોડાવવાનો સિલસિલો યથાવતરીતે જારી રહ્યો છે. મોટી સંખ્યામાં કોંગ્રેસી સમર્થકો અને નેતાઓ ભાજપમાં જોડાઈ રહ્યા છે. આજે ભાજપ પ્રદેશ કાર્યાલય ખાતે રાજ્યના ઉર્જામંત્રી સૌરભ પટેલની ઉપસ્થિતિમાં બોટાદ નગરપાલિકાના છ કોંગ્રેસ સભ્યો ભાજપમાં જોડાયા હતા. બીજી બાજુ જુનાગઢ શહેર કોંગ્રેસ પ્રમુખ વિનુ અમીપરા ભાજપમાં જોડાયા હતા. ભાજપા પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણીની પ્રેરક ઉપસ્થિતિમાં જુનાગઢ શહેર કોંગ્રેસ પ્રમુખ વિનુ અમીપરા તેમના સમર્થકો સાથે ભાજપામાં જોડાયા હતા. જીતુ વાઘાણીએ વિનુ અમીપરા સહિતના સમર્થકોને ભાજપાનો ખેસ પહેરાવીને ભાજપામાં વિધિવત્ રીતે પ્રવેશ કરાવ્યો હતો. આ પ્રસંગે અખિલ સૌરાષ્ટ્ર રધુવીર સેનાના મહામંત્રી તથા જુનાગઢ જીલ્લાના અગ્રણી સામાજીક કાર્યકર કૃષ્ણકાંત રૂપારેલીયા પણ તેમના સમર્થકો સાથે ભાજપામાં જોડાયા હતા. ભાજપા પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણીએ જુનાગઢ ખાતેથી ઇલેક્રટ્રોનિક મીડિયાના મિત્રોને સંબોધતા જણાવ્યુ હતુ કે, જુનાગઢ ખાતે એક યુવાનેતા તરીકે પ્રતિષ્ઠા ધરાવનાર વિનુ અમીપરાએ તેમના સમર્થકો સાથે આજરોજ કોંગ્રેસને જાકારો આપીને ભાજપાની રાષ્ટ્રપ્રથમની વિચારધારાના સમર્થનમાં તથા ભાજપાની જનકલ્યાણકારી અને વિકાસની રાજનીતિને સ્વીકારીને ભાજપામાં જોડાયા છે ત્યારે હું આનંદ અને ગૌરવની લાગણી અનુભવું છું. ભાજપા એ કરોડો કાર્યકર્તાઓથી બનેલો પરિવાર છે ત્યારે હું તેમને ભાજપા રૂપી પરિવારમાં હદયપૂર્વક આવકારું છું. વાઘાણીએ જણાવ્યુ હતુ કે, એક સામાજીક કાર્યકર્તા તરીકે જનસેવા અને રાષ્ટ્રસેવા એ પ્રથમ લક્ષ્ય હોવું જોઇએ ત્યારે ભાજપાની રાષ્ટ્રપ્રથમની ભાવના, જનકલ્યાણકારી વિચારધારા અને વિકાસકાર્યોથી પ્રભાવિત થઇને ભાજપામાં જોડાયેલા સૌ કોઇનું સ્વાગત છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની વિકાસલક્ષી રાજનીતિ અને રાષ્ટ્રપ્રથમની વિચારધારાને પુનઃ એકવાર ઐતિહાસિક જનાદેશ મળ્યો છે અને રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહના સંગઠનાત્મક માર્ગદર્શન હેઠળ ભાજપા વિશ્વની સૌથી મોટી રાજકીય પાર્ટી બની છે ત્યારે ભાજપાની વિકાસલક્ષી સકારાત્મક રાજનીતિમાં જોડાવા સૌ કોઇને નિમંત્રણ છે. વાઘાણીએ અંતમાં જણાવ્યુ હતુ કે, કોંગ્રેસનું રાજકારણ જાતિવાદી છે. કોંગ્રેસના ભ્રષ્ટાચાર, વંશવાદ તથા દેશવિરોધી કારનામાંઓને લીધે સમગ્ર દેશમાં મૃતપાય બનેલી કોંગ્રેસ જુનાગઢમાં પણ હવે અંતિમ શ્વાસ લઇ રહી છે. દરમિયાન આજરોજ ભાજપા પ્રદેશ કાર્યાલય શ્રી કમલમ ખાતે રાજ્ય સરકારના ઉર્જા મંત્રી સૌરભ પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં બોટાદ નગરપાલિકાના કોંગ્રેસના ૬ સભ્યો ભાજપામાં જોડાયા હતા. સૌરભ પટેલે ભાજપાનો કેસરીયો ખેસ પહેરાવીને તેમને ભાજપામાં વિધિવત્ રીતે આવકાર્યા હતા. આ પ્રસંગે સૌરભ પટેલે ઇલેકટ્રોનિક મીડિયાના મિત્રોને સંબોધતા જણાવ્યુ હતુ કે, ભાજપા શાસિત બોટાદ નગરપાલિકામાં કુલ ૪૪ બેઠકો છે, જે અંતર્ગત હાલ ભાજપાના ૨૭ સભ્યો તથા કોંગ્રેસના ૧૭ સભ્યો છે, જેમાંથી કોંગ્રેસના ૬ સભ્યો આજે ભાજપામાં જોડાયા હતા. સૌરભ પટેલે જણાવ્યુ હતુ કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના સફળ નેતૃત્વ તથા રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહની કુશળ સંગઠનશક્તિ તથા ભાજપાની રાષ્ટ્રપ્રથમની વિચારધારા તથા જનકલ્યાણકારી અને વિકાસકાર્યોથી પ્રભાવિત થઇ બોટાદ નગરપાલિકાના કોંગ્રેસના ૧૭ સભ્યોમાંથી ૬ સભ્યોએ આજે ભાજપાનો કેસરીયો ખેસ ધારણ કર્યો છે.

પટેલે જણાવ્યુ હતુ કે, બોટાદ નગરપાલિકાના કોંગ્રેસના ૬ સભ્યો જેમા બચુભાઇ ગોવિંદીયા (વોર્ડ નં.૪), નીતાબેન નરેશભાઇ પનારા(વોર્ડ નં.૪), મેઘજી તલસાલીયા(વોર્ડ નં.૧૦), જસુબેન મનુભાઇ મેખીયા(વોર્ડ નં.૧૦), રંજનબેન વાટુકિયા(વોર્ડ નં.૧૧) તથા હંસાબેન કાનજીભાઇ શાકરીયા(વોર્ડ નં.૯)એ મુખ્યમંત્રી વિજય રૂપાણી તથા નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલની જનકલ્યાણકારી તથા વિકાસલક્ષી રાજનીતિ, ગુજરાત ભાજપાના પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણીનું કુશળ નેતૃત્વ તથા ભાજપાની સૌના સાથ સૌના વિકાસ વિચારધારા સાથે જોડાઇ અવિરતપણે ચાલતી ભાજપાની વિકાસયાત્રામાં સહભાગી બની બોટાદના વિકાસ કાર્યોને આગળ ધપાવશે.

(10:02 pm IST)