Gujarati News

Gujarati News

News of Wednesday, 18th July 2018

નવસારીના વાંસદામાં ૧૦ તો વધઇમાં વધુ ૯ ઇંચ વરસાદ

દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાની અવિરત મેઘસવારી : છેલ્લા ર૪ કલાકમાં સવારે ૮II સુધીમાં : ઓરંગા નદી ઓવરફલો.. વાસદાનો જુજ અને કેલીયા ડેમ છલકાયો : ઉકાઇ ડેમ ર૯પ ફૂટે તો કાવેરી અને ખરેરા નદી બે કાંઠે

 વાપી, તા. ૧૮:  અષાઢ માસના પ્રથમ સત્પાહમાં  મેઘરાજા દ. ગુજરાત પંથકમાં સટાસટી બોલાવતા અહીં ૧ થી ૧૦ ઇંચ ભારે વરસાદ નોંધાયો છે. દ. ગુજરાત પંથકના ભારે વરસાદને પગલે-પૂર્ણા, અંબિકા, કાવેરી, ખાપરી, ગીચ તથા ખરેરા સહિતની નદીઓ ગાંડીતુર બની છે. જેને પગલે કેટલાય કોઝવે કમ પુલો પાણીમાં ગરક થતા રપ થી ૩૦ જેટલા ગામોને અસર થવા પામી છે.

ભારે વરસાદને પગલે નવસારી પંથકના વાંસદાના જુજ અને કેલિયા ડેમ ઓવરફલો થયા છે. જેને લઇને ૧૦ જેટલા ગામોને એલર્ટ કરાયા છે તાપી જીલ્લામાં ભારે વરસાદને પગલે અહીં એનડી આર. એફ.ની ટીમને સ્ટેન્ડબાય રાખવામાં આવી છે.

આ પંથકના પીઠવરા ગામે કોઝવે પરથી એક યુવાન તણાયાનો તો ઓલપાડ પંથકના સાંધીવેરમાં માછીલી પકવવા ગયેલા ૩૩ વર્ષીય યુવાનનું ડૂબી જતા મોતનો બનાવ નોંધાયો છે.

આ ઉપરાંત ઓલપાડ પંથકના ઇસનપોર ગામે ૧૮ વર્ષીય એક નવયુવાનની છત્રનો ઉપરનો ભાગ વીજતારને અડી જતા કરંટથી મોત નિપજયું છે. આમદ ગુજરાત પંથકના ભારે વરસાદને પગલે અનેક સ્થળોએ માલહાનિ અને જાનહાનિ ના બનાવો નોંધાયા છે. દ. ગુજરાતના ઉકાઇ ડેમની જળસપાટી ઓછા વરસાદ હોવા છતાં માત્ર ૧૦ દિવસનાં ૧૦ ફૂટ જેટલી વધવા પામી છે. જેમાાં મુખ્ય ભૂમિકા કથનુર ડેમમાંથી છોડાતા પાણીએ ભજવી છે.

આજે સવારે ૮ કલાકે ઉકાઇ ડેમની જળસપાટી સતત વધીને ર૯૪.૯૭ ફૂટે પહોંચી છે અને ડેમમાં ૧પ,૮૦૪ કયુસેક પાણીને ઇનફલો આવી રહ્યો છે. જયારે કોઝવેની જળસપાટી આજે સવારે ૬.૪૯ મીટરે પહોંચી છે. હજુ પણ કોઝવે બંધ જ રખાયો છે.

જયારે દમણગંગાના મધુબેન બંધની જળસપાટી આજે સવારે ૧૦ કલાકે ૭૦.૯પ ફૂટે પહોંચી છે ડેમમાં ૪ર,૩૦૭ કયુસેક પાણીના ઇનફલો સામે ર૮,૯૭૦ કયુસેક પાણી છોડાઇ રહ્યું છે. ડેમના ૩ દરવાજા ૩ મીટર ખુલ્લા રખાયા છે.

ફલડ કંટ્રોલ પાસેથી મળતી માહિતી અનુસાર છેલ્લા ર૪ કલાકમાં દ. ગુજરાતમાં નોંધાયેલા વરસાદના મુખ્યત્વે આંકડાને જોઇએ તો ભરૂચ જીલ્લાના તાલુકાઓમાં ઝઘડિયા ૧ર મીમી વાલિયા ૧૬ મીમી તો તાપી જીલ્લાના તાલુકાઓમાં સોનગઢ રપ મીમી વાલોળ ૩૮ મીમી, વ્યારા ર૧ મીમી અને ઠોલવણ ૧૩ મીમી ભારે વરસાદ નોંધાયેલ છે.

સુરત જિલ્લાના તાલુકાઓમાં મહુવા ૪૦ મીમી માંડવી ૧પ મીમી તો ડાંગ જિલ્લાના તાલુકાઓમાં આહુવા ૭૦ મીમી, સુબીર ૮પ મીમી અને વધઇ ર૧૪ મીમી ભારે વરસાદ નોંધાયેલ છે.

નવસારી જીલ્લાના તાલુકાઓમાં ચીખલી ૧૩૪ મીમી ગણદેવી ૧પ૩ મીમી જલાલપોર ૪પ મીમી, ખેરગામ ૯૭ મીમી. નવસારી  ૪૮ મીમી અને વાંસદા ર૪પ મીમી ભારે વરસાદ નોંધાયેલ છે.

જયારે વલસાડ જીલ્લાના તાલુકાઓમાં ધરમપુર-પ૪ મીમી, કપરાડા ૮૩ મીમી, પારડી રપ મીમી, ઉમરગામ પર મીમી, વલસાડ ૭૭ મીમી અને વાપી ૪૯ મીમી વરસાદ નોંધાયેલ છે.

દ. ગુજરાતની સાથે મેઘરાજા સંઘપ્રદેશના દમણ અને સેલવાસમાં પણ અનરાધાર હેત વરસાવી રહ્યા છે. સવારે ૧૦ કલાકે સુરતથી લઇ વાપી સુધીનો મોટાભાગનો વિસ્તાર વાદળોથી ઘેરાયેલા છે. તો કેટલાક વિસ્તારોમાં હળવો વરસાદ ચાલુ છે.

(4:11 pm IST)