Gujarati News

Gujarati News

News of Wednesday, 18th July 2018

દિગમ્બર જૈન મુનિના ચાતુર્માસ પ્રવેશમાં થઈ હાથીની પણ એન્ટ્રી

અમદાવાદમાં અંતર્મના મુનિ ૧૦૮ પ્રસન્નસાગરજી મહારાજની ધર્મસભામાં ભરચક મેદની વચ્ચે ગુરૂપૂજન વિધિ માટેનો કળશ લઈને ગજરાજ છેક સ્ટેજ સુધી પહોંચી ગયો

મદમસ્ત ચાલઃ અમદાવાદમાં અંતર્મના મુનિ ૧૦૮ પ્રસન્નસાગરજી મહરાજની ધર્મસભામાં વિધિનો કળશ લઈને ગજરાજ સ્ટેજ સુધી પહોંચી ગયો હતો.(૩૦.૫)

અમદાવાદ,તા.૧૮: ચાતુર્માસના આ દિવસોમાં ગઈ કાલે અમદાવાદમાં એક અનોખી અને અચરજ પમાડે એવી ઘટના બનવા પામતાં સૌકોઈ આશ્ચર્યચકિત થઈ ગયા હતા. અંતર્મના મુનિ ૧૦૮ પ્રસન્નસાગરજી મહારાજની ધર્મસભામાં ભરચક મેદની વચ્ચે ગુરૂપૂજન વિધિ માટેનો કળશ લઈને એક ગજરાજ મલપતિ ચાલે સ્ટેજ સુધી પહોંચી ગયો હતો.

દિગમ્બર સમાજના અંતર્મના મુનિશ્રી ૧૦૮ પ્રસન્નસાગરજી મહારાજનો ગઈકાલે અમદાવાદમાં વાજતેગાજતે ચાતુર્માસ પ્રવેશ થયો હતો. તેમની સાથે સૌમ્યમૂર્તિ પીયૂષસાગરજી મહારાજસાહેબ અને પર્વસાગરજી મહારાજસાહેબ પધાર્યા હતા. ચાતુર્માસ પ્રવેશ બાદ સરદાર પટેલ સેવા સામજ હોલ ખાતે મહારાજસાહેબની ધર્મસભા યોજાઈ હતી જેમાં આચાર્ય વિદ્યાસાગરજી મહારાજસાહેબનું ગુરૂપૂજન રાખવામાં આવ્યું હતું.

આ દરમ્યાન એક હાથી સભામંડપમાં પ્રવેશ્યો હતો. એના પર શ્રાવક- શ્રાવિકા હાથમાં કળશ રાખીને બેઠાં હતાં. ગુરૂપૂજન વિધિ માટેનો કળશ લઈને ગજરાજ સ્ટેજ પાસે આવ્યો હતો. અંદાજે એક હજાર જેટલા ભાવિકોની વચ્ચે થઈને કોઈપણ જાતની તકલીફ ઊભી કર્યા વગર પોતાની મલપતી ચાલે ચાલતો- ચાલતો આ ગજરાજ પોતાની મસ્તીમાં શાંતિથી સ્ટેજ સુધી પહોંચી ગયો હતો અને મહારાજસાહેબને સૂંઢથી સલામી આપી હતી. હાથી પરથી કળશ નીચે લેવામાં આવ્યો હતો અને હાથી મહારાજસાહેબને નમન કરીને શાંતિથી નીકળી ગયો હતો.

અંતર્મના મુનિશ્રી પ્રસન્નસાગર ચાતુર્માસ સમિતિના મંત્રી પ્રદીપ કોટડિયાએ કહ્યું હતું કે 'ગુજરાતમાં આ પ્રથમ ઘટના હશે કે જેમાં હાથી સ્ટેજ સુધી પહોંચ્યો હોય. સંતશિરોમણિ આચાર્ય વિદ્યાસાગરજી મહારાજસાહેબની ગુરૂપૂજન વિધિ માટે કળશ લાવવામાં આવ્યો હતો.'

(4:03 pm IST)