Gujarati News

Gujarati News

News of Wednesday, 18th July 2018

સરકારી વીજ કંપનીઓના સહાયકોના પગારમાં ૨૫૦૦થી ૧૦૪૫૦ સુધીનો વધારો

૭૦૦૦ કર્મીને લાભ - સરકાર પર ૩૩ કરોડનું ભારણ : ઊર્જા મંત્રી : જીયુવીએનએલ અને સંલગ્ન કંપનીઓ આર્થિક બોજો વહન કરશે

અમદાવાદ તા. ૧૮ : વીજ ક્ષેત્રમાં કાર્યરત વિદ્યુત સહાયકોના ફિકસ પગારમાં રાજય સરકારે માસિક ૨૫૦૦ રૂપિયાથી લઇને ૧૦,૪૫૦ રૂપિયા સુધીનો પગાર વધારો કરવાનો નિર્ણય લીધો હોવાનું ઊર્જામંત્રી સૌરભ પટેલે જણાવ્યું છે. જેના કારણે ઉર્જાની વિવિધ કંપનીઓ પર અંદાજે ૩૩ કરોડ રૂપિયાનું આર્થિક ભારણ આવશે. વિવિધ સંવર્ગમાં ફરજ બજાવતા સાત હજારથી વધુ વિદ્યુત સહાયકોને આ પગાર વધારાનો લાભ મળશે.

ગુજરાત ઊજાર્વિકાસ નિગમ અને સંલગ્ન કંપનીઓમાં સાત હજારથી વધુ વિદ્યુત સહાયકો ઇલેકટ્રીક આસિસ્ટન્ટ-હેલ્પર, જુનિયર આસિસ્ટન્ટ, પ્લાન્ટ એટેન્ડન્ટ ગ્રેડ-૧ અને જુનિયર ઇજનેર એમ ચાર સંવર્ગમાં ફિકસ પગારથી કામ કરી રહ્યા છે. ઊર્જામંત્રી સૌરભ પટેલે જણાવ્યું હતું કે, ઇલેકટ્રીક આસિસ્ટન્ટ-હેલ્પર સંવર્ગમાં ૧૧,૫૦૦નો વધારો કરીને ૧૪ હજાર કરાયો છે. બીજા વર્ષનો ૧૩ હજાર કરાયો હતો તે હવે ૧૫,૫૦૦ થશે અને ત્રીજા વર્ષનો પગાર ૧૪,૫૦૦ હતો તે હવે ૧૭ હજાર થશે. તેવી જ રીતે જુનિયર આસિસ્ટન્ટ અને પ્લાન્ટ એટેન્ડન્ટ ગ્રેડ-૧ના કર્મચારીઓનો પગાર પણ ૩ વર્ષનો અનુક્રમે ૧૭,૫૦૦, ૧૯ હજાર અને ૨૦,૫૦૦ કરવામાં આવ્યો છે. વિદ્યુત સહાયક જુનિયર ઇજનેરને પ્રથમ વર્ષે ૩૭,૦૦૦ અને બીજા વર્ષે ૩૯,૦૦૦ થશે. બે વર્ષ પૂર્ણ કરે ત્યારે જુનિયર ઇજનેર અને અન્ય સહાયકોને ૩ વર્ષે જે તે સંવર્ગમાં કાયમી કરવામાં આવે છે.તેમણે જણાવ્યું હતું કે, નવ માસના ટૂંકા ગાળામાં અગાઉ વધારો કરાયા બાદ ફરી વખત વિદ્યુત સહાયકોને પગાર વધારાનો લાભ અપાશે. ૩૨.૭૯ કરોડ રૂપિયાનો બોજો જીયુવીએનએલ અને સંલગ્ન કંપનીઓ દ્વારા વહન કરવામાં આવશે.

(11:36 am IST)