Gujarati News

Gujarati News

News of Wednesday, 18th July 2018

હિરાજડિત દાગીના સહિત ૧૫ લાખની દિલધડક ચોરી કરાઈ

નાના ચિલોડા પાસેના બનાવથી ભારે ચકચાર : તસ્કરો બંગલામાંથી આખેઆખુ સેઇફ ડિપોઝીટ બોક્સ ચોરીને ફરાર થઇ ગયા : નરોડા પોલીસે તપાસ શરૂ કરી

અમદાવાદ, તા.૧૮ : શહેરના નરોડા નજીક આવેલા નાના ચિલોડા પાસે તસ્કરો એક બંગલામાંથી હીરાજડિત દાગીના અને બે લાખ રોક્ડ રકમ સહિત અંદાજે રૂ.૧૫ લાખના મુદ્દામાલની ચોરી કરીને ફરાર થઇ જતાં સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઇ હતી. આશ્ચર્યની વાત એ હતી કે, ચોરી કરવા આવેલા તસ્કરો દાગીના અને રોક્ડ રકમથી ભરેલ આખેઆખુ સેઇફ ડિપોઝીટ બોક્સ(નાની તિજોરી)  જ ચોરીને રફુચક્કર થઇ ગયા હતા. આ બનાવ અંગે નરોડા પોલીસે તપાસ શરૂ કરી છે. આ અંગેની વિગત એવી છે કે, નાના ચિલોડા વિસ્તારમાં આવેલ સ્પર્શ રેસિડેન્સીમાં રહેતા કૃણાલભાઇ જગદીશભાઇ શાહ તારીખ ૧૨ જુલાઇના રોજ તેમનાં ફોઇ મૃત્યુ પામ્યા હોવાથી તે તેમના પરિવાર સાથે સારંગપુર ગયા હતા. સોમવારના દિવસે કૃણાલભાઇનો ભત્રીજો દર્શન તેમના ઘરે ગયો હતો. દર્શન સ્પર્શ રેસિડેન્સીમાં પહોંચ્યો ત્યારે કૃણાલભાઇના બંગલાનું તાળું તૂટેલું હતું. દર્શને તાળું તૂટેલું હોવાની વાત કૃણાલભાઇને કરતા તે તથા તેમના મિત્રો ચંદ્રસિંહ અને દિનેશભાઇ તાત્કાલીક દોડી આવ્યા હતા અને પોલીસને જાણ કરી હતી. પોલીસે આવી તપાસ કરતાં જાણવા મળ્યું કે, તસ્કરો કૃણાલભાઇના બંગલાનું તાળું તોડીને સેઇફ ડિપોઝિટ બોક્સ લઇને જતા રહ્યા હતા. સેઇફ ડિપોઝિટ લોકરમાં બે લાખ રૂપિયા રોકડા, ૧૧ લાખ રૂપિયાના હીરાજડિત સોનાના દાગીના તેમજ પાંચ કિલો ચાંદી હતી. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર તસ્કરો કૃણાલભાઇના બંગલાનું તાળું તોડીને ધુસ્યા હતા, જ્યાં તેઓએ બંગલાનો તમામ સરસમાન વેરવિખેર કરી નાખ્યો હતો અને કૃણાલભાઇના બેડરૂમમાં પડેલ સેઇફ ડિપોઝિટ લોકર લઇને ફરાર થઇ ગયા હતા. પોલીસે તસ્કરો વિરુદ્ધમાં ગુનો દાખલ કરીને આરોપીઓને પકડવા માટે એફએસએલ તેમજ ડોગ સ્વોડની મદદ લીધી છે. આ મામલે કૃણાલભાઇએ જણાવ્યું છે કે પોલીસે દાગીનાની વેલ્યુ પ્રમાણે ફરિયાદ નથી લીધી. દસ લાખ રૂપિયાથી વધુની કિંમતની ચોરીની ફરિયાદ ના નોંધાય તે માટેનો આગ્રહ રાખી અમને મોડી રાતે ત્રણ વાગ્યા સુધી પોલીસ સ્ટેશનમાં બેસાડ્યા હતા. પોલીસે ટોટલ દસ લાખની ચોરીની ફરિયાદ નોંધી છે જોકે ખરેખર ચોરી ૧૫ લાખ રૂપિયાના મુદ્દામાલની થઇ છે. ઉલ્લેખનીય છેકે છેલ્લા ૧૦ દિવસમાં પૂર્વ વિસ્તારમાં બીજી સૌથી મોટી ચોરી નરોડામાં નોંધાઇ છે. આ બનાવને પગલે સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઇ હતી.

(7:14 pm IST)