Gujarati News

Gujarati News

News of Friday, 18th June 2021

તબીબો પરનાં હુમલાઓ કોઈ પણ સંજોગોમાં ચલાવી લેવાશે નહીં: વલસાડનાં ડોકટરો દ્વારા "સેવ ધ સેવિયર્સ"ના પ્લેકાર્ડ દર્શાવી મુકવિરોધ કરાયો

(કાર્તિક  બાવીશી દ્વારા ) વલસાડ :  કોરોના જેવી મહામારીમાં પોતાના જીવની અને પરિવારની પરવા કર્યા વગર સતત કામ કરતાં ડોકટરો અને પેરામેડિકલ સ્ટાફ પર વધી રહેલાં હિંસક બનાવો સામે દેશના અન્ય તબીબોની સાથે વલસાડના તબીબોએ પણ કાળી પટ્ટી ધારણ કરી "સેવ ધ સેવિયર્સ"ના પ્લેકાર્ડ દર્શાવી મુકવિરોધ પ્રદર્શન કર્યુ હતું. જેમાં તબીબોએ દર્દીઓ હેરાન નહિ થાય તે માટે પોતાની કામગીરી ચાલુ રાખી હતી. જેમાં વલસાડ જીલ્લા આઇએમઍના ડોકટરો,સરકારી તબીબો, મેડિકલ સ્ટુડન્ટ્સ, ઇન્ટર્ન ડોકટરો પણ વિરોધ પ્રદર્શનમાં જોડાયા હતા.
  આ પ્રસંગે વલસાડ આઇએમઍના પ્રેસિડેન્ટ ડો.નિરવ પટેલે જણાવ્યું કે કોઈ પણ ડોકટરો પોતાના દર્દીઓ જીવ ગુમાવે એવુ ક્યારેય ઈચ્છતા નથી. પરંતુ અત્યંત ગંભીર હાલતવાળા દર્દીઓ અથાગ  મહેનત પછી પણ બચી શકતા નથી. આવા સમયે વિના વાંકે ફરજ પર હાજર તબીબો- પેરામેડિકલ સ્ટાફ પર હિંસક હુમલાએ ક્યારેય સ્વીકાર્ય નથી. કારણ કે તબીબો પણ માણસો જ છે અને તબીબોની પણ મર્યાદાઓ છે. કોરોનામાં દેશભરમાં 1200 થી વધુ તબીબોએ લોકોના જીવ બચાવતા પોતાના પ્રાણોની આહુતિ આપી છે. અને આ વાત દેશના 99 ટકા લોકો સારી રીતે સમજે છે. પરંતુ કેટલાક અસામાજિક તત્વો હજુ સુધી આટલી સરળ વાત સમજી શકયા નથી. તો એવા લોકોમાં કડક સંદેશ જાય કે ડોક્ટરો કોઈની અંગત જાગીર નથી કે મનફાવે એવુ કૃત્ય કરશો અને ડોકટરો સ્વીકારી લેશે. હવે પછી કોઈપણ હિંસક બનાવો સામે તબીબો સાંખી લેશે નહિ અને આવા અસામાજિક તત્વોનો તમામ ડોકટરો ભેગા મળી કાયદાકીય વિરોધ કરશે અને તમામ ડોકટરો સારવાર માટે બહિષ્કાર પણ કરશે. આવા અસામાજિક તત્ત્વો કાબુમાં રહે તે માટે કેન્દ્ર સરકાર કડકમાં કડક કાયદો બનાવે એવી માંગણી પણ વલસાડના ડોકટરોએ કરી છે

(8:46 pm IST)