Gujarati News

Gujarati News

News of Friday, 18th June 2021

અમદાવાદના રામોલમાં રહેણાંક વિસ્તારમાં ફેક્ટરીઓએ સહીત પ્રોસેસ હાઉસો દ્વારા કેમિકલયુક્ત પાણી છોડવામાં આવતા લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા

અમદાવાદ:શહેરમાં બુધવાર રાતથી વરસાદી માહોલ છવાયેલો છે.વરસાદી માહોલની વચ્ચે પૂર્વના રામોલ વોર્ડના ત્રિકમપુરામાં રહેતા રહીશો કેમિકલ ફેકટરીઓ અને પ્રોસેસ હાઉસો દ્વારા છોડવામાં આવેલાં કેમિકલયુકત પાણીને લઈને ત્રાહીમામ પોકારી ગયા છે.વારંવારની રજુઆત છતાં પોલ્યુશન કંટ્રોલ બોર્ડ અને મ્યુનિસિપલ કોર્પોરેશનના સોલિડ વેસ્ટ વિભાગ તરફથી કોઈ નકકર કાર્યવાહી કરવામાં ન આવતા રહીશોની હાલત કફોડી બનવા પામી છે.બીજી તરફ વસ્ત્રાલ વોર્ડમાં છેલ્લા ત્રણ દિવસથી ગટરના ગંદા પાણી રોડ ઉપર વહી રહ્યા છે.સ્માર્ટ સિટીના કહેવાતા વિકાસની સાચી તસ્વીર આ વિસ્તારોમાં જોવા મળી રહી છે.

આ અંગે મળતી માહીતી મુજબ,રામોલ વોર્ડના ત્રિકમપુરામાં ઈન્દુચાચા નગર તરીકે જાણીતા એવા ફલેટ આર્થિક રીતે નબળા વર્ગના લોકો માટે બનાવવામાં આવ્યા છે.આ ફલેટની નજીકમાંથી મ્યુનિ.ની મેઘા ડ્રેનેજ લાઈન પસાર થઈ રહી છે.આ લાઈનમાં ફેકટરીઓ અને પ્રોસેસ હાઉસ દ્વારા બેરોકટોક કેમિકલયુકત પાણી ટ્રીટ કર્યા વગર છોડવામાં આવી રહ્યા છે.આ અંગે સ્થાનિક રહીશ મુકેશભાઈ અને અન્ય અગ્રણીઓ દ્વારા ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના હેલ્થ અને સોલિડ વિભાગને રજુઆત કરી તાકીદે મેઘા લાઈનમાં છોડવામાં આવતા કેમિકલયુકત પાણી બંધ કરાવી કાયદેસરની કાર્યવાહી કરવા કહેવામાં આવ્યુ છે.વિવિધ એકમો દ્વારા મ્યુનિ.ની મેઘાલાઈનમાં છોડવામાં આવતા ટ્રીટ કર્યા વગરના કેમિકલયુકત પાણીને કારણે મેઘાલાઈનમાંથી આ પાણી ઓવરફલો થઈ રસ્તા ઉપર વહેતા થવાથી સ્થાનિક રહીશોની હાડમારીમાં વધારો થયો છે.આ અગાઉ પણ સંબંધિત વિભાગો સમક્ષ અનેક વખત રજુઆત કરવામાં આવી હોવા છતાં તંત્ર દ્વારા કોઈ નકકર કાર્યવાહી કરવામાં આવી નથી.આ ઉપરાંત પૂર્વના વસ્ત્રાલ વોર્ડમાં પણ છેલ્લા ત્રણ દિવસથી ગટરના ગંદા પાણી રોડ ઉપર વહી રહ્યા છે.આ અંગે સંબંધિત અધિકારીઓને રજુઆત કરવા છતાં હજુ સુધી મ્યુનિ.ના અધિકારીઓ દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી.સ્થાનિકોની મળેલી પ્રતિક્રીયા પ્રમાણે,મ્યુનિ.તંત્ર ઘોર નિંદ્રામાં હોય એવુ લાગી રહ્યુ છે.

(6:02 pm IST)