Gujarati News

Gujarati News

News of Friday, 18th June 2021

તારાપુર-વટામણ હાઇવે ઉપર ટ્રકના ડ્રાઇવરને ઝોકુ આવી જતા અકસ્માત સર્જાયો અને ભાવનગર-વરતેજના ઍક સાથે નવ વ્યક્તિનો ભોગ લેવાયો

આણંદ: તારાપુર વટામણ હાઇવે પર બુધવારે થયેલા અકસ્તામાં ભાવનગરનાં એક પરિવારનાં 9 લોકોનાં મોત નિપજ્યાં હતા. પોલીસે ફરાર થયેલા ડ્રાઇવરની ધરપકડ કરી છે. અકસ્માતની ગંભીરતાને ધ્યાને રાખી પોલીસ દ્વારા માનવ વધની કલમ દાખલ કરવામાં આવી છે. ડ્રાઇવરની પ્રાથમિક તપાસમાં તેણે કબુલ્યું કે, તેને ઝોકુ આવી જવાના કારણે અકસ્માત સર્જાયો હતો.

તારાપુરના વટામણ હાઇવે પર ઇન્દ્રણજ પાસે ટ્રક અને ઇકો ગાડી વચ્ચે ગમખ્વાર અકસ્માત થયો હતો. જેમાં મહારાષ્ટ્રથી ભાવનગર આવી રહેલા 9 લોકોનાં ઘટના સ્થળે મોત નિપજ્યાં હતા. અકસ્માત એટલો ગંભીર હતો કે, ગાડીનો કડુસલો વળી ગયો હતો. પોલીસ દ્વારા હ્યુમન ઇન્ટેલિજન્સ અને અન્ય સ્ત્રોત દ્વારા આરોપી ટ્રક ડ્રાઇવર રાજેશ સીતારામ બેગલ (રહે. મધ્યપ્રદેશ)ને ઝડપી લેવામાં આવ્યો હતો.

ટ્રક ડ્રાઇવરની પુછપરછમાં સામે આવ્યું કે, સીતારામ બેગલને સવારના સમયે ઝોકું આવી ગયું હતું. જેના કારણે તેણે ગાડી પર કાબુ ગુમાવી દીધો હતો. જેના કારણે સામેથી આવી રહેલી ઇકો સાથે ટ્રક ધડાકાભેર અથડાયો હતો. જો કે ત્યાર બાદ તેને ઘટનાની ગંભીરતા સમજાતા તે ઘટના સ્થળેથી ભાગી ગયો હતો. અકસ્માત થયો તે ટ્રક પરવેજ ખાન મહેબુબ ખાનનો છે. તેમના ટ્રક ડ્રાઇવર તરીકે રાજેશ બેગલ નોકરી કરતો હતો. અકસ્માતના દિવસે તે મોરબીથી ટાઇલ્સ ભરીને મધ્યપ્રદેશ જઇ રહ્યો હતો.

(5:44 pm IST)