Gujarati News

Gujarati News

News of Friday, 18th June 2021

અમદાવાદ સિવિલ હોસ્પિટલના સ્પાઇન સર્જને રીવીઝન સ્પાઇન સર્જરી સફળતાપૂર્વક પાર પાડી

રાજકોટના દર્દી સોનલબેનની બે વર્ષ જૂની સમસ્યાનો અંત આણ્યો

અમદાવાદ :કોરોનાના કપરાકાળમાં અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં અન્ય તકલીફો ધરાવતા દર્દીઓ ઉપર એટલી જ કાળજી અને સંવેદના સાથે ધ્યાન આપવાનું પણ સતત ચાલુ રાખીને સિવિલના સ્ટાફે માનવસેવાનો યજ્ઞ અવિરતપણે ચાલુ રાખ્યો છે.

અમદાવાદની સિવિલ હોસ્પિટલના સ્પાઇન સર્જન ડૉ.જે.વી.મોદી અને તેમની ટીમે અત્યંત જટીલ અને પડાકરજનક રીવીઝન સ્પાઇન સર્જરી સફળતાપૂર્વક પાર પડી રાજકોટના દર્દી સોનલબેનની બે વર્ષ જૂની સમસ્યાનો અંત આણ્યો છે.

રાજકોટના 17 વર્ષીય સોનલબહેનને બે વર્ષ અગાઉ અક્સમાત થતા કમરના મણકામાં ગંભીર ઇજા પહોંચી હતી. એક પ્રતિષ્ઠિત ખાનગી હોસ્પિટલમાં તેમણે મણકાની ગાડી કઢાવી પાંજરું મુકાવ્યું હતું. પણ ઇન્ફેકશન થતા બે વર્ષ પછી ફરી મોટા ઓપરેશન રીવીઝન સ્પાઇન સર્જરીની સ્થિતિ આવી જેનો ખર્ચ આશરે 5 લાખ જેટલો થાય એમ હતો. સોનલબેનના ગરીબ પરીવાર માટે આ અત્યંત ખર્ચાળ હતુ. આ વખતે મૂળ પ્રશ્ન સર્જરીની વિશ્વનીયતાનો પણ હતો. જે કારણોસર સોનલબેનના પરિવારે રીવીઝન સ્પાઇન સર્જરી કરાવવા માટે અમદાવાદ સિવિલ હોસ્પિટલ  આવવાનું નક્કી કર્યુ.

 

સોનલબહેનને અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં. X-Ray, MRI, CT સ્કેન સહિતના ટેસ્ટ બાદ જાણવા મળ્યું કે સોનલબહેનની કમરમાં નાખેલા પાંજરામાં જ ચેપ લાગેલો હતો. કરોડરજ્જુમાં આ પ્રકારની રીવીઝન સ્પાઇન સર્જરી રિવિઝન સ્પાઇન સર્જરી ખુબ જ જટિલ હોય છે. કારણકે તેમાં કરોડરજ્જુમાં આવેલી ચેતાતંતુઓ ડેમેજ થવાનો,ઓપરેશન દરમિયાન ફરી ચેપ લાગવાનો પણ ભય હોય છે.

અગાઉ થયેલ ઓપરેશનમાં બધા સ્ક્રૂ કઢાવી નાખ્યાં, પરંતુ ચેપ તો કમરમાં નાખેલા પાંજરામાં જ લાગેલો હતો અને એ પાંજરુ જ કઢાયું નહોતું. આ પરિસ્થિતિમાં દર્દીની સ્થિતિ ખુબ જ દયનીય બની જતી હોય છે, દર્દીને બેઠા થવા સહિત દરેક કાર્યમાં ખુબ પીડા થતી હોય છે.

આ બધા જોખમોને ગણતરીમાં લીધા બાદ સિવિલ હોસ્પિટલ સુપરિન્ટેન્ડન્ટ અને સ્પાઇન સર્જન ડૉ.જે.વી.મોદી અને  તેમની ટીમે સોનલબહેનનું જટિલ અને અતિ જોખમી ઓપરેશન  કરવાનો પડકાર ઝીલ્યો. કરોડરજ્જુના ભાગે સાફસફાઇ કરી પાંજરું કાઢવામાં આવ્યું અને ફરી સ્ક્રૂ નાખીને મણકા સ્થિર કરવાનું ઓપરેશન નિપૂણતાપૂર્વક પાર પાડવામાં આવ્યું.

સોનલબહેન પરની સર્જરી સફળ રહેતા હવે સંપૂર્ણપણે સ્વસ્થ છે. પરુ નીકળતું પણ બંધ થઈ ગયું છે. અમદાવાદ સિવિલ હોસ્પિટલના તબીબોની તજજ્ઞતા અને દર્દી પ્રત્યેની સમર્પિતતાના પ્રતાપે હવે સોનલબહેન અને તેમના પરિવારજનો રાહત અનુભવી રહ્યાં છે અને સિવિલ હોસ્પિટલનો આભાર વ્યક્ત કરી રહ્યાં છે.

(12:31 am IST)