Gujarati News

Gujarati News

News of Tuesday, 18th June 2019

એચડીએફસી દ્વારા ૨૫ શાખા ખોલવાની તૈયારી

ડિસેમ્બર સુધીમાં નવી શાખાઓ

અમદાવાદ,તા.૧૮  :    એચડીએફસી બેંક લિમિટેડે આજે બહુ મોટી જાહેરાત કરી હતી કે, ગુજરાતમાં તે ૨૫ નવી શાખાઓ શરૂ કરશે તેથી તેની શાખાઓનુ નેટવર્ક ૪૪૦થી વધુ થશે. અમદાવાદ, વડોદરા, રાજકોટ, સુરત સહિતના વિસ્તારોમાં આ નવી ૨૫ શાખાઓ બેંક દ્વારા ડિસેમ્બર, ૨૦૧૯ સુધીમાં શરૂ કરી દેવાય તેવું આયોજન છે એમ આજે અમદાવાદમાં શ્રી દેબાશિસ સેનાપતિ (બેંકના બ્રાન્ચ બેંકીંગ હેડ-ગુજરાત)એ કરી હતી. તેમણે વધુમાં જણાવ્યું હતું કે,  દેશની ટોચની ખાનગી ક્ષેત્રની બેંક એચડીએફસી બેંક આવતા પાંચ વર્ષમાં ગુજરાતમાં પોતાનો માર્કેટ શેર બમણો કરવાના લક્ષ્યાંક સાથે રાજ્યમાં પોતાનું બ્રાંચ નેટવર્ક વધારી રહી છે. ગુજરાતના બેન્કિંગ સેક્ટરમાં બેન્કનો હાલ બજાર હિસ્સો ૯ ટકા જેટલો છે અને બેંક તેને આવતા ૫ાંચ વર્ષમાં વધારીને ૧૫ થી ૧૮ ટકા કરવા માંગે છે. એચડીએફસી બેંક શહેરી વિસ્તારોની સાથે સાથે સેમી અર્બન અને ગ્રામિણ વિસ્તારોમાં પણ પોતાનું બ્રાંચ નેટવર્ક વધારશે. એચડીએફસી બેંકે ગુજરાતમાં તેની મજલની શરૂઆત વર્ષ ૧૯૯૬માં અમદાવાદના નવરંગપુરા વિસ્તારમાં શાખા શરૂ કરીને કરી હતી. બેંકે ગુજરાતમાં તેના ૨૦ લાખ ગ્રાહકોને સર્વિસ પૂરી પાડવા તેની શાખાઓનુ નેટવર્ક ઝડપથી વિસ્તાર્યું છે. બેંકે રાજ્યમાં ડિજીટલ બેંકીંગ વ્યુહરચનાને સામૂહિકપણે વેગ આપીને તથા મલ્ટીપલ પ્લેટફોર્મસનો ઉપયોગ કરી પણ સર્વિસિસ પૂરી પાડી રહી છે. શ્રી દેબાશિસ સેનાપતિ (બેંકના બ્રાન્ચ બેંકીંગ હેડ-ગુજરાત)એ વધુમાં ઉમેર્યું હતું કે, તા. ૩૧ માર્ચ, ૨૦૧૯ની સ્થિતિએ, ગુજરાત રાજયમાં બેંકનુ ૪૧૫ શાખાઓ અને ૧૧૮૭ એટીએમનુ નેટવર્ક હતુ, જે ખાનગી બેંકોમાં સૌથી મોટુ છે. આ શાખાઓમાંથી ૫૧ ટકાથી વધુ શાખાઓ અર્ધશહેરી તથા ગ્રામ્ય વિસ્તારોમાં આવેલી છે. ત્યારબાદ, તે ટેકનોલોજીનો વ્યાપક ઉપયોગ કરીને તથા ડિજીટલ ચેનલો મારફતે બેંકીંગ સર્વિસિસ પૂરી પાડી રહી છે.

(9:32 pm IST)