Gujarati News

Gujarati News

News of Tuesday, 18th June 2019

GMDC ભ્રષ્ટાચાર આરોપી દેત્રોજાનું વધુ કૌભાંડ સપાટીએ

અઢી કરોડની ૭૦ હેક્ટર જમીન ખરીદાઈ હતી એસીબીની તપાસમાં બહાર આવેલી નવી હકીકતના પગલે ખળભળાટ : ઇન્કમટેક્સ વિભાગને કેસ અંગે જાણ કરાઇ

અમદાવાદ,તા. ૧૮ : રાજયભરમાં જબરદસ્ત ચકચાર જગાવનાર જમીન વિકાસ નિગમ લિમિટેડના ભ્રષ્ટાચાર કૌભાંડ મામલે પૂર્વ એમડી અને મુખ્ય આરોપી કે.એસ દેત્રોજાની અપ્રમાણસર મિલકત મામલે એસીબીની ટીમે તપાસ શરૂ કરી હતી. જેમાં એસીબીની તપાસમાં એવી ચોંકાવનારી હકીકતો સામે આવી છે કે, રાજ્યના અલગ અલગ જિલ્લાના છ ગામોમાં દેત્રોજાએ તેના અને તેના સગાસંબંધીઓના નામે રૂ.અઢી કરોડથી વધુની કિંમતની ૭૦ હેકટરથી વધુ જમીનો ખરીદી છે. એસીબીની તપાસમાં સામે આવેલા આ ખુલાસા બાદ સરકાર અને સમગ્ર તંત્રમાં ભારે ખળભળાટ મચી ગયો છે. એસીબીના અધિકારીઓએ દેત્રોજાના આ સમગ્ર કૌભાંડ અને ટ્રાન્ઝેકશન મામલે ઇન્મકટેક્સ વિભાગને પણ જાણ કરી હતી. રાજયભરમાં જબરદસ્ત ચકચાર જગાવનાર જમીન વિકાસ નિગમ લિમિટેડના ભ્રષ્ટાચાર કૌભાંડમાં એસીબીમાં ખાસ ટીમ જેમાં ડેપ્યુટી કલેકટર સહિતની ટીમોએ આરોપી કે.એસ.દેત્રોજાની બેનામી સંપત્તિની બહુ ઝીણવટભરી અને પધ્ધતિસરની તપાસ કરવામાં આવી હતી. જેમાં દેત્રોજાના સગા-સંબંધીઓ દ્વારા બે વર્ષમાં ૬ ગામોમાં ૭૦ હેકટરથી વધુ જમીન જેની કિંમત દસ્તાવેજ મુજબ ૨.૫૨ કરોડની ખરીદી હોવાની ચોંકાવનારી હકીકતો સામે આવી છે. બીજી નોંધનીય અને આશ્ચર્ય પમાડે તેવી વાત તો એ છે કે, દેત્રોજાના સગા સંબંધીઓના બેન્ક એકાઉન્ટની તપાસ કરતા તેઓ આટલી મોટી રકમની જમીન ખરીદી શકે તેટલા નાણાંકીય સક્ષમ ન હોવાનું બહાર આવ્યું છે. આ અંગે એસીબી દ્વારા ઈન્કમટેક્સ વિભાગને અલગ અલગ પાંચ દરખાસ્ત મોકલી આપવામાં આવી છે. દેત્રોજાની બેનામી મિલકતમાં આઇટેન કાર મામલે પણ ઈન્કમટેક્સ વિભાગને જાણ કરાઈ છે. જો કોઈ ભ્રષ્ટ અધિકારી/ કર્મચારીઓએ બેનામી મિલકત જેવી કે જમીન, કાર, બંગલો, ફ્લેટ, બેન્ક લોકર, એકાઉન્ટ વગેરેની માહિતી હોય તો એસીબીના ટોલ ફ્રી નંબર ૧૦૬૪ પર ફોન અથવા એસીબી કચેરીનો સંપર્ક કરી શકે છે તેવી તાકીદ પણ એસીબી દ્વારા કરાઇ છે. એસીબીની તપાસમાં આગામી દિવસોમાં આ સમગ્ર કૌભાંડ મામલે વધુ મહત્વના ખુલાસા થાય તેવી પણ શકયતાઓ સેવાઇ રહી છે.

(9:28 pm IST)