Gujarati News

Gujarati News

News of Tuesday, 18th June 2019

ઉમરેઠ પોલીસે રાત્રીના સુમારે લાલપુરા ચેકપોસ્ટ પરથી 35 હજારના વિદેશી દારૂના જથ્થા સાથે બે શખ્સને ઝડપ્યા

ઉમરેઠ:પોલીસે ગઈકાલે રાત્રીના સુમારે લાલપુરા ચેકપોષ્ટ ઉપર વોચ ગોઠવીને ૩૫ હજારનો વિદેશી દારૂ-બીયરનો જથ્થો ભરેલી કાર સાથે બે શખ્સોને ઝડપી પાડીને પ્રોહિબિશન ધારાની જુદી-જુદી કલમો હેઠળ ગુનો દાખલ કરીને તપાસ હાથ ધરી હતી. 

પ્રાપ્ત વિગતો અનુસાર ગઈકાલે રાત્રીના સુમારે ઉમરેઠ પોલીસને હકિકત મળી હતી કે, સાવલી તરફથી એક ઈકો કારમાં વિદેશી દારૂ ભરીને ઓડ તરફ આવનાર છે જેના આધારે પોલીસ જવાનો લાલપુરા ચેકપોષ્ટ ઉપર વોચમાં ગોઠવાઈ ગયા હતા. દરમ્યાન રાત્રીના પોણા અગિયાર વાગ્યાના સુમારે એક ઈકો કાર નંબર જીજે-૨૩, બીડી-૫૯૧૦ની આવી ચઢતાં પોલીસે બેટરીનો પ્રકાશ મારીને તેને ઉભી રખાવી અંદર સવાર ડ્રાયવર સહિત બે શખ્સોને ઝડપી પાડ્યા હતા અને કારની તલાશી લેતાં સીટની નીચે સંતાડી રાખેલી વિદેશી દારૂ-બીયરની પેટીઓ મળી આવી હતી જેની ગણતરી કરતાં કુલ ૧૩૦ નંગ ક્વાર્ટરીયા અને ૬૦ બીયરની બોટલો કે જેની કિંમત ૩૫૪૦૦ રૂપિયા જેટલી થવા જાય છે તે મળી આવ્યો હતો. પોલીસે બન્ને શખ્સોના નામઠામ પુછતાં તેઓ વિજયભાઈ હઠીભાઈ પરમાર (રે. ઓડ)તેમજ અક્ષય વિજયભાઈ વાઘેલા (રે. દેવરામપુરા, શીલી)ના હોવાનું ખુલવા પામ્યું હતુ. 

(6:00 pm IST)