Gujarati News

Gujarati News

News of Tuesday, 18th June 2019

ફેસ ઓફ નેશન અખબારનું ડેકલેરેશન રદ કરવાનો SDMનો હુકમ હાઈકોર્ટે કર્યો રદ્દ : મહત્વનો ચુકાદો

ફેસ ઓફ નેશનના માલિક ઉપર પોલીસ કેસ થયાનું જણાવી ડેક્લેરેશન રદ કરાયું હતું

અમદાવાદ :ફેસ ઓફ નેશન અખબારને બંધ કરાવવા છેલ્લા ઘણા સમયથી કાવાદાવાઓ ચાલી રહ્યા હતા. સ્વામિનારાયણ સંપ્રદાયના લાલજીની નગ્ન સેલ્ફીલીલા, IAS-IPS અધિકારીઓ અને નેતાઓના કૌભાંડો સહીત અનેક સનસનીખેજ સમાચારો ફેસ ઓફ નેશન દ્વારા રજૂ કરવામાં આવતા હતા. જેને લઈને તંત્રીને ધાકધમકીઓ આપીને પોતાના દબાણને વશ થવું, પોલીસતંત્રનો દુરપયોગ કરીને ખોટા કેસોમાં ફસાવી દેવા જેવા અનેક ષડયંત્રોનો ભોગ બનાવવામાં કોઈ કસર બાકી રાખવામાં આવી ન હતી

 . વિકાસશીલ ગુજરાતમાં નમાલા નેતાઓ તેમની રાજકીય શક્તિનો ઉપયોગ કરીને તંત્રના સહારે પોતાને તાબે ન થનારા મીડિયાકર્મીઓને ભોગ બનાવી રહ્યા છે. જો કે મીડિયાકર્મીઓની એકતા ન હોવાથી સરકાર અને અધિકારીઓ તેમની મેલીમુરાદો આસાનીથી પાર પાડી રહ્યા છે તેમ કહી શકાય. ફેસ ઓફ નેશનના માલિક ઉપર પોલીસ કેસ થયાનું બહાનું ધરીને સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટે તારીખ 31/03/2018ના રોજ ફેસ ઓફ નેશન અખબારનું ડેક્લેરેશન રદ કરતો હુકમ કર્યો હતો. આ હુકમને ગુજરાત હાઇકોર્ટમાં પડકારવામાં આવ્યો હતો.
    ગઈ તારીખ 31/03/2018ના રોજ SDMએ રાજકીય ઈશારે પોતાની સત્તાનો ઉપયોગ કરીને ફેસ ઓફ નેશનનું ડેકલેરેશન રદ્દ કરવાનો હુકમ કર્યો હતો. સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટે કરેલા આ હુકમને નામદાર હાઇકોર્ટ સમક્ષ પડકારવામાં આવ્યો હતો. જે સંદર્ભે તારીખ હાઇકોર્ટે SDMના હુકમને રદ્દ કરવાનો હુકમ કર્યો હતો. તંત્ર દ્વારા મીડિયાની સ્વત્રંતા ઉપર તરાપ મારવાના પ્રયાસને હાઇકોર્ટના હુકમથી નિષ્ફ્ળ બનાવી દેવામાં આવતા ન્યાયનો વિજય થયો છે. ગુજરાત રાજ્યના મીડિયાક્ષેત્રે કદાચ આ પહેલો એવો કિસ્સો છે કે જે સમાચારપત્રનું ડેક્લેરેશન રદ્દ કરવામાં આવ્યું હોય અને તેને નામદાર ગુજરાત હાઇકોર્ટ સમક્ષ પડકારવામાં આવ્યો હોય. આ ચુકાદો આવનાર દિવસોમાં સમગ્ર મીડિયાક્ષેત્રે અતિ મહત્વનો અને નોંધનીય બની રહેશે
ફેસ ઓફ નેશન અખબાર તેનાં સનસનીખેજ સમાચારોને કારણે પ્રજાથી લઇને સમગ્ર સચિવાલય સુધી ચર્ચા સ્થાને રહ્યુ છે. આ તમામ પરિસ્થિતિઓ વચ્ચે એક દિવસ તંત્રી ઉપર પોલીસ કેસથી લઇને અખબાર રદ કરવાનાં પ્રયાસો થશે તેની સંપુર્ણ માનસિકતા ફેસ ઓફ નેશન ગ્રુપને હતી. સમય જતા થયુ પણ એવું કે જે વિચાર્યું હતુ. ફેસ ઓફ નેશન દ્વારા એક સત્તાધારી પક્ષના મોટા ગજાના નેતાનું મસમોટું કૌભાંડ પુરાવાઓ સાથે નીડરતાથી લખીને પ્રજા સમક્ષ ઉઘાડું પાડતાં જ આ નેતાએ તેનાં તમામ શામ,દામ અને દંડ વાપરીને તંત્રી ઉપર પોલીસ કેસ કરાવ્યો. આટલેથી નહીં અટકેલા આ નેતાએ તંત્રનો દુરુપયોગ કરીને SDM મારફતે પોલીસ કેસ થયો હોવાનું કારણ દર્શાવીને ફેસ ઓફ નેશન અખબારનું ડેકલેરેશન રદ કરવાનો હુકમ તારીખ 31/03/2018ના રોજ કરાવ્યો. આ હુકમ ગાંધીનગરથી રાજકીય ઈશારે થયો હોવાની પ્રબળ શંકા અને કાયદાની વિરુદ્ધમાં હોઇ આ હુકમને રદ કરવા માટે નામદાર ગુજરાત હાઇકોર્ટ સમક્ષ એડવોકેટ જીનેશભાઈ કાપડિયા મારફતે એક પિટિશન દાખલ કરવામાં આવી હતી. આ પિટિશનની સુનાવણી ચીફ જસ્ટિસ સાહેબની કોર્ટમાં ચાલી રહી હતી. જેમાં નામદાર હાઈકોર્ટે SDMનો ઓર્ડર રદ કર્યો હતો.

(2:03 pm IST)