Gujarati News

Gujarati News

News of Tuesday, 18th June 2019

અમદાવાદમાં ચોથા દિવસે પણ હળવાથી ભારે વરસાદી ઝાપટા

વાદળો વચ્ચે સૂર્યનારાયણની સંતાકૂકડી વચ્ચે વરસાદ : અમદાવાદમાં ગાજવીજની સાથે વરસાદી ઝાપટાનો દોર હજુ જારી રહે તેવી શક્યતા : તાપમાનમાં નોંધપાત્ર ઘટાડો

અમદાવાદ,તા. ૧૭  :   અમદાવાદ શહેરમાં આજે સતત ચોથા દિવસે વરસાદના હળવાથી ભારે ઝાપટા વરસ્યા હતા. વરસાદી ઝાપટાના કારણે શહેરનું વાતાવરણ ઠંડકમય બની ગયું હતું. સમગ્ર દિવસ દરમ્યાન વાદળછાયા વાતાવરણ વચ્ચે સૂર્યનારાયણની સંતાકૂકડી વચ્ચે વરસાદી ઝાપટાં ચાલુ રહ્યા હતા. વરસાદ વરસાવી જાણે ચોમાસાનો વરસાદી માહોલ સર્જયો હતો. છેલ્લા ચાર દિવસથી વરસાદી માહોલને લઇ નગરજનો ચોમાસાની અસર પામી ખુશ જોવા મળ્યા હતા. બીજીબાજુ, છેલ્લા ચાર દિવસથી વરસાદી માહોલના કારણે અમ્યુકો તંત્ર દ્વારા રોડ-રસ્તા અને ફુટપાથ, ત્રિકોણીયા કોર્નર બનાવવા સહિતના કામો બાકી હોઇ તે પૂર્ણ કરવામાં તંત્ર માટે ભારે મુશ્કેલીની સ્થિતિ બની છે. શહેરભરમાં વરસાદના હળવાથી ભારે ઝાપટાઓને લઇ નીચાણવાળા વિસ્તારોમાં થોડા પાણી ભરાઇ ગયા હતા. અમદાવાદ શહેરમાં વરસાદી ઝાટપાનો દોર હજુ જારી રહેશે તેવી આગાહી તંત્ર દ્વારા કરવામાં આવી છે. અમદાવાદ માટેની આગાહીમાં જણાવવામાં આવ્યું છે કે, આવતીકાલે અમદાવાદમાં ગાજવીજ સાથે વરસાદ થઈ શકે છે. સાથે સાથે મહત્તમ તાપમાન ૩૫ સુધી રહી શકે છે. આજે અમદાવાદમાં મહત્તમ તાપમાન ૩૫.૮ ડિગ્રી રહ્યું હતું. અમદાવાદમાં પણ છેલ્લા ચાર દિવસથી વાતાવરણમાં પલટો આવ્યો છે અને આજે પણ વહેલી સવારથી જ શહેરમાં વાદળછાયું વાતાવરણ છવાયું હતું. છેલ્લા ચાર દિવસથી મેઘરાજા જાણે અમદાવાદમાં મહેરબાન થયા હોય તેમ તેમની મહેર વરસાવી રહ્યા છે. આજે પણ અમદાવાદ શહેરમાં સમગ્ર દિવસ દરમ્યાન વાદળછાયા વાતાવરણ વચ્ચે સૂર્યનારાયણ દેવ સંતાકૂકડી રમતા જોવા મળ્યા હતા. થોડીવાર વાદળો અને થોડીવારમાં તડકાનું વાતાવરણ નગરજનોને જાણે આશ્ચર્ય પમાડતુ હતું. વાદળછાયા વાતાવરણ વચ્ચે સૂર્યનારાયણ દેવની સંતાકૂકડી વચ્ચે શહેરમાં વરસાદના હળવાથી ભારે ઝાપટાં ચાલુ રહ્યા હતા. શહેરના એસ.જી હાઈવે, ગોતા, સરખેજ, રિવરફ્રન્ટ, નવરંગપુરા, ગુરૂકુળ, મેમનગર,  નારણપુરા, સોલા રોડ, વેજલપુર, જીવરાજ પાર્ક, સેટેલાઇટ, શિવરંજની ચાર રસ્તા, પાલડી, મણિનગર, એલિસબ્રીજ, રાણીપ, નિર્ણયનગર, બાપુનગર, સરસપુર, કુબેરનગર, કાલુપુર, વટવા સહિતના વિસ્તારોમાં વરસાદ નોંધાયો હતો. વરસાદી ઝાપટાંઓના કારણે શહેરના પૂર્વ અને નીચાણવાળા કેટલાક વિસ્તારોમાં પાણી ભરાઇ ગયા હતા.

        પશ્ચિમ વિસ્તારમાં પણ પાણી ભરાયાની છૂટીછવા ફરિયાદો સામે આવી હતી. શહેરમાં આજે સતત ૪થા દિવસે વરસેલા વરસાદના કારણે લોકોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો.   અમદાવાદની સાથે સાથે અમદાવાદ જિલ્લાના ગ્રામ્ય પંથકો સાણંદ, વિરમગામ, સહિતના વિસ્તારો અને ગાંધીનગર શહેર અને જિલ્લામાં પણ વરસાદી માહોલ જોવા મળ્યો હતો.

ક્યા કેટલુ તાપમાન.....

અમદાવાદ, તા. ૧૭ : ગુજરાતના જુદા જુદા ભાગોમાં વરસાદના કારણે મહત્તમ તાપમાનમાં ઘટાડો થયો છે. ક્યાં કેટલુ તાપમાન થયું તે નીચે મુજબ છે.

સ્થળ....................................... તાપમાન ( મહત્તમ)

અમદાવાદ................................................... ૩૫.૮

ડિસા............................................................ ૩૬.૨

ગાંધીનગર................................................... ૩૮.૬

વીવી નગર.................................................. ૩૭.૧

વડોદરા.......................................................... ૩૭

સુરત........................................................... ૩૪.૬

અમરેલી.......................................................... ૩૫

ભાવનગર.................................................... ૩૫.૯

દ્ધારકા.......................................................... ૨૯.૬

પોરબંદર..................................................... ૩૨.૪

રાજકોટ........................................................... ૩૬

સુરેન્દ્રનગર.................................................. ૩૭.૩

(8:10 pm IST)