Gujarati News

Gujarati News

News of Monday, 18th June 2018

અમદાવાદ : માત્ર ૧૬ દિનમાં ઝાડા-ઉલ્ટીના ૬૨૬ કેસો થયા

મોનસુનની એન્ટ્રી પહેલા કેસોમાં વધારો થયોઃ ૧૬ દિવસના ગાળામાં સાદા મેલેરિયાના ૨૪૬, કમળાના ૨૨૦, ટાઇફોઇડના ૨૪૨ કેસ :પાણીના નમૂનામાં તપાસ

અમદાવાદ, તા.૧૮: અમદાવાદમાં મોનસુનના સંકેત મળી રહ્યા છે ત્યારે પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળાને કાબુમાં લેવા વિવિધ પગલા લેવામાં આવ્યા હોવા છતાં નવા કેસો સપાટી ઉપર આવી રહ્યા છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ઝડપી પગલા લેવામાં આવી રહ્યા હોવા છતાં રોગના કેસોમાં વધારો નોંધાયો છે. પાણીજન્ય કેસની વાત કરવામાં આવે તો જૂન મહિનાના પ્રથમ ૧૬ દિવસના ગાળામાં જ ઝાડા ઉલ્ટીના ૬૨૬ કેસ સપાટી ઉપર આવ્યા છે જ્યારે કમળાના ૧૬ દિવસના ગાળામાં ૨૨૦ અને ટાઇફોઇડના ૨૪૨ કેસ સપાટી ઉપર આવ્યા છે. બીજી બાજુ મચ્છરજન્ય કેસોની વાત કરવામાં આવે તો સાદા મેલેરિયાના ૧૬ દિવસના ગાળામાં ૨૪૬ કેસ નોંધાયા છે. વર્ષ ૨૦૧૭માં જૂન મહિનામાં સાદા મેલેરિયાના ૧૦૪૬ કેસ નોંધાયા હતા. જૂન ૨૦૧૭ દરમિયાન લીધેલા ૭૦૬૫૭ લોહીના નમૂના સામે ૧૬ જૂન ૨૦૧૮ સુધીમાં ૩૮૨૮૪ લોહીના નમૂનાની તપાસ કરવામાં આવી છે. જૂન  ૨૦૧૭ દરમિયાન લેવામાં આવેલા ૧૭૩૦ સીરમ સેમ્પલ સામે ૧૬મી જૂન ૨૦૧૮ સુધીમાં ૧૨૭૮ સીરમ સેમ્પલ લેવામાં આવ્યા છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના હેલ્થ વિભાગ દ્વારા પાણીજન્ય રોગચાળાના અટકાયતના ભાગરુપે પાણીના મુખ્ય સ્ત્રોત અને ઘરમાંથી ચાલુ માસ દરમિયાન ૧૯૪૧૬ ક્લોરિન ટેસ્ટ કરવામાં આવ્યા છે જેમાં હાઈરિસ્ક વિસ્તારો અને કેસો નોંધાયા હોય તેવા વિસ્તારમાંથી ચાલુ માસમાં ૧૯૬૭ પાણીના સેમ્પલ બેક્ટેરિયોલોજીકલ ટેસ્ટ માટે લેવામાં આવ્યા છે. ચાલુ માસમાં ૪૩૦૪૦૦ ક્લોરીન ગોળીનું વિતરણ કરવામાં આવ્યું છે.

મોબાઈલ મેડિકલ વાન મુકીને સ્થળ ઉપર સારવાર આપવાની કામગીરી પણ હાથ ધરવામાં આવી છે. ફુડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ હેઠળ ચાલુ માસમાં ૯૫ અલગ અલગ ખાદ્ય પદાર્થના નમૂના લેવામાં આવ્યા હતા. જે હેઠળ ૬૦૫૭ કિલોગ્રામ અખાદ્ય પદાર્થનો નાશ કરવામાં આવ્યો છે. વર્ષ ૨૦૧૭ દરમિયાન હેલ્થ ફ્લાઇંગ સ્કવોર્ડ દ્વારા જુદા જુદા વિસ્તારમાંથી ૧૭૪૯ નમૂના લેવામાં આવ્યા હતા જેમાંથી ૧૭૭ નમૂના અપ્રમાણિત જાહેર થયા છે. મે ૨૦૧૮ સુધીમાં ૧૫૧ અલગ અલગ ખાદ્ય પદાર્થોના નમૂના લેવામાં આવ્યા હતા જેમાંથી ૧૮ અપ્રમાણિત જ્યારે ૧૨૦ નમૂના પ્રમાણિત જાહેર થયા છે. ૧૬મી જૂન ૨૦૧૮ સુધીમાં ૯૫ અલગ અલગ ખાદ્ય પદાર્થોના નમૂના લેવામાં આવી ચુક્યા છે. આ નમૂના તપાસવાના બાકી છે.

(9:52 pm IST)